બીટકોઈન કેસના માસ્ટરમાઇન્ડ શૈલેષ ભટ્ટની સાળી નિશાને કોણે દુબઇમાં આપી ધમકી

PC: Khabarchhe.com

ગત વર્ષની શરૂઆતમાં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટને અમરેલી પોલીસ દ્વારા લૂંટી લેવામાં આવ્યો હોવાની ફરિયાદ સીઆઈડી ક્રાઈમમાં નોંધાયા પછી આખું પ્રકરણનું કારણ બીટકોઈનનો બે નંબરનો ધંધો કારણભૂત હોવાની હકીકત બહાર આવી હતી. આ મામલે અમરેલીના એસપી જગદીશ પટેલ સહિત દસ પોલીસ કર્મચારીઓની ધરપકડ પણ થઈ ચુકી છે. ત્યારબાદ આ કેસના ફરિયાદી શૈલેષ ભટ્ટ સામે અપહરણ-અને 150 કરોડના બીટકોઈન લૂંટી લેવાનો ગુનો નોંધાઈ ચુકયો છે. આ મામલે એક પછી એક એમ કુલ પાંચ ફરિયાદ નોંધાઈ છે. હવે ફરાર શૈલૈષ ભટ્ટની જામનગરમાં રહેલી સાળી નિશા ગોંડલીયા દ્વારા બીટકોઈન મામલે પોતાને ધમકી મળી રહી હોવાની ફરિયાદ જામનગર પોલીસમાં નોંધાવી છે.

મંગળવારના રોજ અમદાવાદ મીડીયા કર્મીઓને વોટસઅપ મેસેજ મળ્યા હતા. જેમાં મોટું બીટકોઈન કૌભાંડ પડકાયુ હોવાનો દાવો કરી અમદાવાદના એસડી હાઈવે ઉપર આવેલી એક કલબમાં બુધવારના રોજ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હોવાનું જણાવ્યુ હતું. બીટકોઈન મામલે સીઆઈડી ક્રાઈમ હાલમાં પણ તપાસ કરી રહી છે. એટલે સીઆઈડી શા માટે ખાનગી કલબમાં પ્રેસ કોન્ફરન્સ કરે છે તેવા સવાલ સાથે પત્રકારો દ્વારા સીઆઈડી ક્રાઈમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આવી કોઈ પ્રેસ કોન્ફરન્સ રાખી હોવાનો ઈન્કાર કરી દીધો હતો. આમ છતાં પત્રકારો બુધવારે કલબ ઉપર પહોંચ્યા ત્યારે એક મહિલા જેણે પોતાનો પરિચય નિશા ગોંડલીયા તરીકે આપી પોતે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હોવાનું જણાવ્યુ હતું. નિશા ગોંડલીયા જામનગરમાં રહે છે અને ઈવેન્ટ કંપની સહિત એન્કરીંગનું કામ કરે છે. તે બીટકોઈન કેસના ફરાર આરોપી શૈલેષ ભટ્ટની સગી સાળી થાય છે.

જામનગર પોલીસમાં નિશા ગોંડલીયા દ્વારા નોંધાવેલી ફરિયાદ પ્રમાણે બીટકોઈન મામલ શૈલેષ ભટ્ટ સામે સીઆઈડી ક્રાઈમ દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ શૈલેષ ભટ્ટે પોતાની સાળી નિશાને એક મોબાઈલ ફોન બંધ હાલતમાં આવ્યો હતો. શૈલેષ ભટ્ટે સાળી નિશાને કહ્યું હતું કે આ ફોનમાં પોતાને કામ આવે તેવા મહત્વના પુરાવા છે. જરૂર પડશે ત્યાર તે તે ફોન લઈ જશે. જો કે ત્યાર બાદ શૈલેષ ફરાર થઈ ગયો હતો. ગત વર્ષે જુન 2018માં શૈલેષ ભટ્ટના એક સગા દ્વારા નિશાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યુ હતું આ મામલે મૂળ જામનગરના વતની જયેશ પટેલને મળવા કહ્યુ હતું. જયેશ પટેલ અનેક મોટા અધિકારીઓનો સંપર્કમાં હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. નિશાએ જયેશ પટેલનો સંપર્ક કરતા જયેશ પટેલે તેમને દુબઈ આવવા જણાવ્યુ હતું. આથી નિશા ગોંડલીયા જયેશને મળવા દુબઈ ગયા હતા.

નિશા અને જયેશ વચ્ચે થયેલી બેઠકમાં જયેશ દ્વારા શૈલેષ ભટ્ટને આ કેસમાંથી છોડાવી લેવાની ખાતરી આપી હતી. જો કે આ દરમિયાન જયેશ પટેલે ચર્ચા દરમિયાન નિશા પાસે રહેલા શૈલેષના ફોનની માગણી કરવામાં આવી હતી. જો કે નિશાએ શૈલેષ દ્વારા આપવામાં આવેલો ફોન આપવાની ના પાડી હતી. પરંતુ ત્યાંથી નિકળ્યા બાદ નિશાને ખ્યાલ આવ્યો કે જયેશ પટેલે પોતાની જાણ બહાર તેની પાસે રહેલો શૈલેષ ભટ્ટનો ફોન લઈ લીધો છે. આથી આ મામલે નિશાએ દુબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ નિશા ભારત ફરત ફરી હતી. બે મહિના પહેલા નિશાનો શૈલેષ ભટ્ટે ટેલીફોનીક સંપર્ક કરતા નિશાએ આખી ઘટનાની જાણકારી શૈલેષ ભટ્ટને આપી હતી. ત્યારે શૈલેષ દ્વારા નિશાને કહેવામાં આવ્યુ હતું કે તે ફોનમાં કેટલાંક મહત્વના પુરાવા સાથે 699 બીટકોઈન પણ છે. જો કે નિશાનો દાવો છે કે ફોનમાં કઈ બાબત હતી તે પોતે જાણતી ન્હોતી તે પોતાના બનેવીને મદદ કરવાના ઈરાદે આ કેસમાં સામેલ થઈ હતી.

શૈલેષ ભટ્ટના ફોનમાં બીટકોઈન હોવાની જાણકારી મળતા નિશા ગોંડલીયા ફરી દુબઈ ગયા હતા. તેમણે જયેશ પટેલ પાસે ફોનની માગણી કરતા જયેશ પટેલે આ મામલે કંઈ પણ કર્યું તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. ભારત પરત ફરેલી નિશાને જયેશ પટેલ દ્વારા ફોન ઉપર સતત ધમકી મળી રહી હતી. આથી નિશાએ આ મામલે સીઆઈડી ક્રાઈમના વડા આશીષ ભાટીયા અને એટીએસના ડીઆઈજી હિમાંશુ શુકલનો પણ સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ જામનગર પોલીસ દ્વારા નિશા ગોંડલીયાની ફરિયાદ લેવામાં આવી હતી. જામનગર પોલીસ દ્વારા નિશા ગોંડલીયાને પોલીસ રક્ષણ પણ આપવામાં આવ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp