આ છે વાઇબ્રન્ટની તૈયારીઓ, PM સાથે સતત વાત, જમીનો માટે બનાવ્યું સોફ્ટવેર

PC: abplive.com

ગુજરાતની 10મી વાયબ્રન્ટ સમિટ 10 થી 12 જાન્યુઆરીએ નિશ્ચિત કરવામાં આવી છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે મોટો પડકાર આ સમિટના મૂડીરોકાણનો છે. કોરોના સંક્રમણના સમયમાં જ્યારે ઉદ્યોગોની આર્થિક સ્થિતિ કથળી છે ત્યારે આ સમિટમાં ક્યા પ્રકારના કેવા ઉદ્યોગો મૂડીરોકાણ કરવા માટે આગળ આવે છે તે કહેવું અશક્ય છે, કારણ કે રાજ્યમાં માઇક્રો, સ્મોલ અને મિડલ ઉદ્યોગોની હાલત સૌથી વધુ ખરાબ થઇ છે.

ગુજરાતની વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ માટે મુખ્યમંત્રી અને સિનિયર અધિકારીઓ પ્રતિદિન અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરી રહ્યાં છે. 2021માં મુલતવી રહેલી 10મી વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ હવે જાન્યુઆરી 2022માં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં યોજાશે. આ સમિટ યોજવા માટે રાજ્યના ઉદ્યોગ અને તેને સંલગ્ન વિભાગો જેવાં કે ઇન્ડેક્ષ્ટ-બી, પ્રવાસન નિગમ, ઉદ્યોગ કમિશનરની કચેરી સહિતના નવ જેટલા વિભાગોએ તૈયારી શરૂ કરી છે.

રાજ્યમાં 2003થી અત્યાર સુધીમાં દર બે વર્ષે યોજાતી વાયબ્રન્ટ સમિટ નવ વખત થઇ છે. ગયા વર્ષે આ સમિટ યોજવાની થતી હતી પરંતુ મહામારીના કારણે યોજી શકાઇ ન હતી. હવે 2022ના જાન્યુઆરી મહિનામાં સમિટ યોજવામાં આવશે.

આ સમિટના ભાગરૂપે દેશના મુખ્ય ઔદ્યોગિક તેમજ વાણિજ્યિક રીતે વિકસિત કેન્દ્રોમાંથી મૂડીરોકાણ આકર્ષવા માટે ઉદ્યોગકારો, ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન, ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ ઉદ્યોગ સંગઠનો સાથે બેઠકનું આયોજન કરવાની સૂચના મુખ્યમંત્રી કક્ષાએથી આપવામાં આવી છે.

આ સમિટ માટે ઉદ્યોગ વિભાગ, ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ તેમજ ઇન્ડેક્ષ્ટ-બીના અધિકારીઓને મુલાકાત આયોજન, રોકાણકારોને આકર્ષવા માટેના સંવાદ, બિઝનેસ ડેલિગેશન તેમજ સેમિનાર કરવાની સૂચનાઓ પણ મળી છે.

ગુજરાતમાં 2019 પછી ત્રણ વર્ષે યોજાઇ રહેલી સમિટમાં વિક્રમી મૂડીરોકાણ સાથે દેશ અને વિદેશના ઉદ્યોગજૂથો તેમજ બિઝનેસ ડેલિગેશન વધારે પ્રમાણમાં આવે તે માટે પ્રચાર ઝૂંબેશ શરૂ થાય તેવી સંભાવના છે. ઉદ્યોગ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે વિદેશ સ્થિત બિન નિવાસી ભારતીય, વિદેશી કંપનીઓ- ઉદ્યોગજૂથો તેમજ વિદેશી ડેલિગેટ્સને આકર્ષવા માટે ગુજરાતના મંત્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓના વિવિધ પ્રતિનિધિમંડળોનું આયોજન કરવા તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.

ઉદ્યોગકારોને વિવિધ પ્રકારની જમીન અંગેની માહિતી ઉપલબ્ધ કરવા માટે ઇન્ટીગ્રેટેડ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફેર્મેશન સિસ્ટમ નામનું સોફ્ટવેર ઇન્ડેક્ષ્ટ-બી અને બાયસેગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. બીજી તરફ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અંતર્ગત ડીપીઆઇઆઇટી દ્વારા સ્ટેટ રિફોર્મ એક્શન પ્લાનમાં રજૂ કરવામાં આવેલા વિવિધ સુધારાઓનું અમલીકરણ કરવામાં આવશે. આ સુધારાઓ સરકારના વિવિધ 19 વિભાગો સાથે સબંધિત હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp