ચલણી નોટ પરથી બાપુનો ફોટો હટાવી દો, મારું સમર્થન: ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી

PC: sundayguardianlive.com

ગુજરાતના રાજકારણમાં અચાનક વીર સાવરકર અને ગાંધીના મુદ્દાએ એન્ટ્રી લઇ લીધી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વીર સાવરકર અંગે કરેલી ટિપ્પણીને કારણે હજુ તો વિવાદ શમ્યો નથી ત્યાં વડોદરાની મુલાકાતે આવેલા ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ પણ વીર સાવરકર પર નિવેદન આપીને વિવાદનો મધપુડો છંછેડી દીધો છે. સાથે તુષાર ગાંધીએ એ પણ કહ્યું હતું કે, ભારતીય ચલણી નોટ પરથી બાપુની તસ્વીર હટાવી દો, હું સમર્થન કરીશ, કારણકે તેમાં બાપુનો આત્મા નથી.

તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી  અરવિંદ કેજરીવાલે હિન્દુત્વનું કાર્ડ ખેલ્યું હતું અને ભારતીય ચલણ પર ગાંધીજીની સાથે સાથે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીનો ફોટો લગાવાની માગ કરી હતી. તેમણે આગળ કહ્યું હતું કે નોટની એક તરફ ગાંધીજીની તસ્વીર હશે અને બીજી તરફ લક્ષ્મી ગણેશજીનો ફોટો હશે, તો તેનાથી સમગ્ર દેશને તેમના આશીર્વાદ મળતા રહેશે. વડોદરાની મુલાકાતે આવેલા ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ હવે તેની સામે નિવેદન આપતા કહ્યુ હતું કે , કરન્સી નોટમાં ગાંધીનો આત્મા નથી, હટાવી દો. જો આ સરકાર ચલણી નોટ પરથી ગાંધી બાપુનો ફોટો હટાવી દેશે તો તેમને સમર્થન પણ આપીશ અને તેમનો આભારી રહીશ.

તુષાર ગાંધીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ભાજપ પર નિશાન સાધીને કહ્યું હતું કે, ભાજપ સરકાર ઇતિહાસ બદલાવાનું જોરદાર અભિયાન ચલાવી રહી છે. તેમને ઇતિહાસ ગમતો નથી, બલ્કે ખટકે છે અને ભાજપનું આ કાવતરું છે.

ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ મંગળવારે ટ્વીટ કરીને લખ્યુ હતું કે, સાવરકરે માત્ર અંગ્રેજોને જ મદદ કરી નહોતી, પરંતુ, સાવરકરે મહાત્મા ગાંધીની હત્યા માટે ગન શોધવમાં પણ ગોડસેને મદદ કરી હતી. તેમણે અગાઉ આ વાત તેમના પુસ્તક ‘લેટ્સ કિલ ગાંધી’ નામના પુસ્તકમાં પણ કરી છે.

તુષાર ગાંધીના આ ટ્વીટ પર સાવરકરના પરિવારજનોએ કોર્ટ કાર્યવાહી કરવાની ચિમકી આપી હતી, આ અંગે તુષાર ગાંધીએ કહ્યું હતું કે, મેં કપૂર કમિશનના રિપોર્ટના આધારે કહ્યું છે, ભલે સાવરકરના પરિવારે કોર્ટમાં જવું હોય તો જઇ શકે છે.

તુષાર ગાંધીના નિવેદનને કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. વીર સાવરકર ના નિવેદન સામે ભાજપે જવાબ આપ્યો છે. ભાજપ નેતા સુંધાશુ ત્રિવેદીએ જણાવ્યું કે વીર સાવરકરને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp