CMના PA ધ્રૂમિલને દૂર કર્યા પછી હવે વચેટિયા નિયંત્રણ માટે લેવાયા બીજા પગલા

PC: hindustantimes.com

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પર્સનલ આસિસ્ટન્ટ ધ્રુમિલ પટેલને હોદ્દા પરથી દૂર કર્યા પછી પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાંથી આવેલા આદેશનું પાલન કરવાના ભાગરૂપે એવી સૂચના આપવામાં આવી છે કે સત્તાના દલાલોને સચિવાલયમાંથી દૂર કરવામાં આવે. આવો આદેશ સરકારના ગઠન વખતે લેવામાં આવ્યો હતો પરંતુ હવે ફરીથી કહેવામાં આવ્યું છે.

સચિવાલય સ્થિત સ્વર્ણિમ સંકુલમાં રૂપિયા માટે કામની ફાઇલો લઇને ફરતા વચેટીયા તત્વો કે સત્તાના દલાલોને પ્રવેશ કે મુલાકાત નહીં આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. જે કોઇ અરજદાર કે ઉદ્યોગજૂથને કોઇ કામ હોય તો સીધા તેના પ્રતિનિધિને મુલાકાત આપવા કહેવામાં આવ્યું છે.

ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લેવા માટે મુખ્યમંત્રી કક્ષાએથી કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટના સભ્યો તેમજ વિભાગના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે કે કોઇ અરજદાર કે નાના-મોટા ઉદ્યોગજૂથોની ફાઇલો ક્લિયર કરાવવા માટે ફરતા વચેટીયા તત્વોને દૂર રાખવામાં આવે, કેમ કે તેમના કારણે મંત્રીઓના કાર્યાલય તેમજ સચિવાલયના વિભાગોમાં ભ્રષ્ટાચારને ઉત્તેજન મળે છે.

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ થોડાં સમય પહેલાં કહ્યું હતું કે હવે કોઇપણ વચેટીયો પૈસાની માગણી કરે તો અરજદાર મને સીધો ફોન કરી શકે છે. હું આ મામલો ગૃહ વિભાગની મદદ લઇને નિપટાવી લઇશ. આ કામ માટે જરૂર પડશે તો પૈસાની માગણી કરતા તત્વોને નશ્યત કરવા માટે ગૃહ વિભાગની મદદ લેવામાં આવશે.

રાજેન્દ્ર ત્રિવેદીએ અગાઉ એવું કહ્યું હતું કે સરકારમાં બેઠેલા કોઇપણ અધિકારી કે કર્મચારી રૂપિયાની માગણી કરે તો તેનો વિડીયો ઉતારીને મને અથવા મારા કાર્યાલયમાં મોકલી આપશો કે જેથી હું તેની સામે ત્વરીત પગલાં લઇ શકું. અરજદારો કામ લઇને સીધા મારી પાસે આવી શકે છે. જો અરજદારનું કામ સાચું હશે અને નિયમ પ્રમાણે થતું હશે તો તેને બીજો ધક્કો ખાવો નહીં પડે.

મહેસૂલ મંત્રીની જેમ કેબિનેટના બીજા મંત્રીઓના કાર્યાલયમાં પણ વચેટીયા સામે સાવધાન રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. આવા તત્વો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જેવા શહેરોમાંથી સચિવાલયમાં આવતા હોય છે. તેઓ અનેક અરજદારો કે નાના-મોટા ઉદ્યોગજૂથોના કામ લેતાં હોય છે. કામ નક્કી થયા પછી જે વિભાગમાં ફાઇલ ક્લિયર કરાવવાની હોય ત્યાં રૂપિયાની વહેંચણી કરે છે અને તે વચેટીયો કામના બદલામાં રૂપિયા પડાવે છે અને ભ્રષ્ટાચારને ઉત્તેજન મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp