GSTની ખોટ 22 હજાર કરોડ, 2023-24માં જાહેર દેવું વધીને 4.10 લાખ કરોડ થશે

PC: newindianexpress.com

કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે ગુજરાત સરકારની આવક પણ ડાઉન થઇ છે. રાજ્ય સરકારને કોરોના સંક્રમણ અને તેના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ વચ્ચે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની આવકમાં 21952 કરોડનો તીવ્ર ઘટાડો થયો છે. એટલે કે જીએસટીની આવકમાં 40 ટકા જેટલો ઘટાડો થયો છે.

જો કે નવા વર્ષ 2021માં ફરી પાછી જીએસટીની આવકમાં વધારો જોવા મળ્યો છે. ગયા જાન્યુઆરી મહિનામાં સરકારની જીએસટીની આવક 3413 કરોડ રૂપિયા હતી જે ફેબ્રુઆરીમાં વધીને 3514 કરોડ થઇ છે. રાજ્યના નાણા વિભાગનું કહેવું છે કે અર્થતંત્ર પાછું વળતાં અને વ્યાપાર વ્યવસાયને બળ મળતાં જીએસટીની આવકમાં પ્રતિમાસ વધારો થઇ રહ્યો છે.

જીએસટીની આવક ઘટી હતી તેમ કેન્દ્ર સરકાર તરફથી મળનારી ગ્રાન્ટ પણ મળી શકી નથી. કોરોના સંક્રમણના સમયે કેન્દ્ર સરકારની આવકમાં પણ મોટો ફટકો પડતાં કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારો માટે લોનની વ્યવસ્થા કરી હતી. રાજ્યને લોન પેટે 9200 કરોડ રૂપિયા મળવાની ધારણા જે પૈકી 17 હપ્તામાં અંદાજે 8800 કરોડ રૂપિયા મળ્યાં છે અને બાકીના રૂપિયા નાણાકીય વર્ષના અંત સુધીમાં મળશે.

બીજી તરફ રાજ્ય સરકારના ડોક્યુમેન્ટ ગુજરાત નાણાકીય જવાબદારી અધિનિયમ 2005 હેઠળના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત સરકારના જાહેર દેવામાં 78 ટકા હિસ્સો માર્કેટ લોનનો હોય છે. ઉધાર લીધેલી લોનની મુદ્દત બે થી 10 વર્ષના સમય સુધીની હોય છે. રાજ્યનું જાહેર દેવું 2021-22ના અંત સુધીમાં વધીને 317134 કરોડ રૂપિયા થશે અને 2023-24માં તે વધીને 4.10 લાખ કરોડ થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.

આવી પરિસ્થિતિમાં સરકારની આવક વધે તે માટે બે જ રસ્તા છે. એક તો આર્થિક ગતિવિધિઓ વધે અને નવા ઉદ્યોગો લાગે પરંતુ જીડીપી મામલે ગુજરાત હાલ 2થી ઉતરીને 5માં ક્રમે જતું રહ્યું છે જે વધારવું પડશે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પાસેથી લડી વધારે રૂપિયા લાવવા પડશે. નહીં તો ગુજરાત આવનારા વર્ષોમાં વધુ પાછળ ધકેલાઇ જશે. તેની પાછળનું કારણ એ છે કે કોરોનાકાળમાં દેશના બધા રાજ્યો પોતાને ત્યાં આર્થિક ગતિવિધિઓ વધે તેના પ્રયાસોમાં છે કારણ કે આખા દેશમાંથી અને ખાસ કરીને ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્યોમાંથી સ્કીલ્ડ વર્કર્સ તેમના વતન ગયા છે. જો તેમને ત્યાં નોકરી ધંધો મળી રહે તો તેઓ પરત આવશે નહીં. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp