પાટીદાર આંદોલનમાં દમન મામલે પંચ સમક્ષ બે નેતાઓ હાજર થયા પછી કેમ ઉશ્કેરાયા?

PC: tribuneindia.com

પાટીદાર અનામત આંદોલનમાં થયેલા દમન મામલે તપાસ કરી રહેલા હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટીસ પૂંજ તપાસ પંચ સમક્ષ પાટીદાર નેતાઓને પૂછપરછ માટે હાજર થવાના ફરમાન બાદ અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે. ખાસ કરીને પૂંજ તપાસ પંચે ગઈકાલે જે બે નેતાઓ હાજર થયા તેમને વેધક સવાલો કરવામાં આવ્યા હતા. જેના કારણે આ બન્ને પાટીદાર નેતાઓ થોડા ઉશ્કેરાઈ ગયા હતા અને પંચની કાર્યવાહી સામે કેટલાંક સવાલો ઉઠાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પંચે કોને આપી છે નોટિસ?

પૂંજ તપાસ પંચ દ્વારા પાંચ અગ્રણીઓને નોટિસ પાઠવીને પંચ સમક્ષ હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું હતું. જેમાં સોમવારે પાસના તત્કાલિન કન્વીનર અને હાલ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અને પાટીદાર નેતા અને હાલ ભાજપના નેતા અમરિષ પટેલને પૂછપરછ માટે હાજર થવા નોટિસ મોકલવામાં આવી હતી. તો 21મી સપ્ટેમ્બરે તે સમયના પાસના અન્ય નેતાઓ કેતન પટેલ, અલ્પેશ કથિરિયા અને ચિરાગ પટેલને પંચ સમક્ષ હાજર થવા નોટિસ આપવામાં આવી છે.

પંચમાં સામસામી દલીલબાજી

હાજર થયેલા બન્ને નેતાઓને પંચ દ્વારા એવું કહેવામાં આવ્યું કે, પંચની રચના બે વર્ષથી કરવામાં આવી છે તો અત્યારસુધી કેમ અરજી ન કરી કે હાજર થઈને તમારા જવાબો ન લખાવ્યા. તેના જવાબમાં બન્ને નેતાઓએ એવી દલીલ કરી કે પંચ દ્વારા અત્યારસુધી કેમ બોલાવવામાં ન આવ્યા અને હવે જ કેમ બોલાવ્યા? આ સંજોગોમાં બન્ને પક્ષે સામસામી દલીલો થઈ અને થોડો ઉશ્કેરાટભર્યું વાતાવરણ પણ સર્જાયું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પંચ સમક્ષ હાજર થયેલા બન્ને નેતાઓને પંચે કહ્યું કે, કથિત દમન મામલે તમે જવાબ આપો. ત્યારે બન્ને નેતાઓએ એવું કહ્યું કે, તેમને કયા મુદ્દામાં જવાબ આપવાના છે તેની વિગતો તેમની પાસે ઉપલબ્ધ નથી. ત્યારે પંચે એવું કહ્યું કે સરકારી અધિકારીઓ દ્વારા કરાયેલા સોગંદનામામાં તમારી વિરૂદ્ધ લોકોને ઉશ્કેરવાનો આરોપ છે. આ તબક્કે બન્ને નેતાઓએ એવી દલીલ કરી કે, દમનના ભોગ બનેલા લોકોએ અરજી કરી છે તેમાં જે તે અધિકારીઓ દ્વારા તેમના ઉપર અત્યાચાર કરાયો હોવાનું કહ્યું છે ત્યારે કેમ આ અધિકારીઓના પંચે જવાબ ન લીધા અને માત્ર તેમના સોગંદનામા જ લેવામાં આવ્યા. આ તબક્કે બન્ને પક્ષે શાબ્દિક ટપાટપી પણ થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અધિકારીઓએ કરેલા સોગંદનામા અંગે બન્ને અગ્રણીઓએ પંચને જણાવ્યું કે, તેમની પાસે અધિકારીઓએ શું કહ્યું છે તેની વિગતો ન હોવાના કારણે તેઓ હાલના તબક્કે જવાબ આપી શકે તેમ નથી. ત્યારે પંચે આ બન્ને અગ્રણીઓને કેટલાંક અધિકારીઓના સોગંદનામાની નકલો આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સોગંદનામા અંગ્રેજીમાં હોવાથી અગ્રણીઓમાં નારાજગી

રાજ્ય સરકાર દ્વારા ગઠન કરાયેલા પૂંજ તપાસ પંચની કાર્યવાહી ગુજરાતીમાં ન થતી હોવાની ફરિયાદ પણ કરાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સરકાર તરફે જે અધિકારીઓએ પોતાના સોગંદનામા રજૂ કર્યા છે તે તમામ અંગ્રેજીમાં કર્યા હોવાથી પૂછપરછ માટે બોલાવાયેલા અગ્રણીઓએ પંચ સમક્ષ વિરોધ નોંધાવ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં આ મામલો વધુ ઉછળે એવી શક્યતાઓ નકારી શકાય નહિ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp