ગુજરાતમાં લૂંટેરી દુલ્હનો બેફામ, 3 યુવકો છેતરાયા, પોલીસે લોકોને કરી આ અપીલ

PC: navbharattimes.indiatimes.com

ગુજરાતમાં શિકારી દુલ્હનોનો ભય સામે આવ્યો છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક-બે નહીં પરંતુ ત્રણ યુવકોને લગ્નની જાળમાં ફસાવી લૂંટારૂ દુલ્હનોએ લૂંટી લીધા હતા. આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે લૂંટારૂ દુલ્હનના પ્રણયમાં ફસાયેલા એક યુવકે પોલીસનો સંપર્ક કર્યો. આ પછી, પોલીસે લોકોને અપીલ કરી છે કે, જો કોઈ વચેટીયો લગ્ન કરાવી આપવાની લાલચ આપે તો સાવચેત રહે. ગુજરાતના ગાંધીનગરમાં આ ચોંકાવનારો કિસ્સો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે ગુજરાત પોલીસે તાજેતરમાં રાજકોટમાં આવી જ એક ગેંગનો પર્દાફાશ કર્યો હતો.

ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ સ્ટેશને FIR નોંધી લૂંટારૂ દુલ્હનની શોધખોળ શરૂ કરી છે. પોલીસને મળેલી ફરિયાદમાં એવું સામે આવ્યું છે કે, રૂપાલ ગામમાં રહેતો ચિન્મય અમદાવાદમાં કરિયાણાની દુકાન ધરાવે છે. પરિવારજનો તેના માટે છોકરીની શોધમાં હતા. ત્યારપછી ગામમાં રહેતા શૈલેષ પટેલે ચિન્મયને એક યુવતીનો ફોટો બતાવ્યો હતો. તેણે કહ્યું કે, આ છોકરી તમારા માટે સારી રહેશે. આ પછી શૈલેષ પટેલે વલસાડની આગળ ચીખલી પાસેના તેના મામાના ઘરે એક યુવતીને બતાવી હતી. યુવક અને યુવતીએ એકબીજાને પસંદ કર્યા, તેથી પરિવારજનોએ લગ્ન કરવાનું નક્કી કર્યું.

શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, યુવતીનો પરિવાર લગ્નનો ખર્ચ ઉઠાવી શકે તેમ ન હોવાથી તેણે તેમને આર્થિક મદદ કરવી પડશે અને તેના આધારે તેમને પૈસા અપાવ્યા હતા. આ પછી 17 ફેબ્રુઆરીએ ચિન્મયે સેક્ટર 24માં આર્ય સમાજની વાડીમાં માનસી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી માનસીએ મોંઘા ફોનની માંગણી કરી અને પછી થોડા દિવસો માટે તેના પિયરમાં જતી રહી. થોડા દિવસો પછી માનસી ફરી પાછી આવી, આ વખતે તેણે ડેન્ટલ સારવારના નામે 24 હજાર રૂપિયા લીધા અને પછી જતી રહી. માનસી સાથેનો સંપર્ક તૂટી જતાં શૈલેષ પટેલે તેને 15 દિવસમાં પરત લાવવાની ખાતરી આપી હતી. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે, ગામના મેહુલ અને સંદીપ નામના યુવકો પણ આવી જ છેતરપિંડીનો ભોગ બન્યા હતા. પોલીસનું માનવું છે કે લૂંટારૂ દુલ્હનનો ભોગ બનેલા યુવાનોની સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે, કારણ કે ઘણી વખત લોકો બદનામીના ડરથી ચૂપ રહે છે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં લૂંટારૂ દુલ્હનના ત્રણ બનાવો પ્રકાશમાં આવતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં વલસાડની સ્થાનિક ટોળકીએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં લૂંટારૂ દુલ્હનો દ્વારા યુવકોને ફસાવીને લૂંટી લીધાનું બહાર આવ્યું છે. જેમાં રોકડની સાથે જ્વેલરીનો પણ સમાવેશ થાય છે. આ ટોળકીએ રૂપાલ, કાળેજા, કડી અને અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં કુલ છ યુવાનો સાથે છેતરપિંડી કરી હોવાનો પોલીસનો અંદાજ છે. તેમની પાસેથી 20 લાખથી વધુની રકમ પડાવી લેવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધી લૂંટારૂ દુલ્હનના જે કેસો નોંધાયા છે. તેમાંથી મોટાભાગની શિકારી દુલ્હન અન્ય રાજ્યોની હતી. રાજ્યના યુવાનો પર વલસાડની ટોળકી દ્વારા ધોખાધડી કરવામાં આવી હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. ગાંધીનગર પોલીસના ડેપ્યુટી SP D.T.ગોહિલે એક વિડીયો સંદેશમાં જણાવ્યું હતું કે, છેતરપિંડીના આવા કિસ્સાઓ હજુ પણ ચાલુ છે. જો કોઈ વચેટીયો તમને લગ્ન કરાવી આપવાની લાલચ આપે તો સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp