ઝેરી બરફીઃ આખરે નીતિન પટેલે પગલા શરૂ કરાવ્યા, 53 ફેક્ટરીને નોટિસ

PC: youtube.com

સફેદ ઝેર ખવડાવતી બનાવટી બરફી પર તૂટી પડવા માટે આખરે આરોગ્ય પ્રધાન નિતિન પટેલે ખોરાક અને ઔષધ વિભાગના અધિકારીઓને આદેશ આપતા રાજ્યભરમાં જ્યાં પણ બનાવટી બરફીની ફેક્ટરી ચાલતી હોય તેમને બનાવટી બરફી બનાવવાનું બંધ કરીને ફેક્ટરીઓ બંધ કરી દેવા માટે નોટિસ આપવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારને પણ જાણ કરવામાં આવી છે.

ખોરાક કમિશ્નર દ્વારા લગભગ 53 જેટલા બનાવટી બરફી ઉત્પાદકોને નોટિસ આપી દેવામાં આવી છે. સૌથી વધુ બરફીની ફેક્ટરીઓ આરોગ્ય પ્રધાન નિતિન પટેલના જિલ્લા મહેસાણામાં ચાલી રહી છે. બીજા નંબર પર ગાંધીનગર અને અમદાવાદ છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં આવી બરફી બનાવવામાં આવી રહી છે જેમાં દૂધ કે ઘી નહીં પણ દૂધનો પાઉડર અને તેલ નાંખવામાં આવે છે. જેમાં અખાધ્ય પદાર્થ નાંખીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરે છે. ખોરાક કમિશ્નર મિશન મોડમાં આવી ગયા છે. કેટલાંક સેમ્પલો લેવામાં આવ્યા છે. જે પણ ભેળસેળ કરતી બરફી વેંચતા હશે તેમની પાસેથી ભારે દંડ વસૂલવાના આદેશો કરાયા છે. ગુજરાત બહારના તત્વો દ્વારા આવી બરફી ફેક્ટરીઓ ચલાવવામાં આવતી હોવાનું ખોરાક કમિશ્નરના ધ્યાનમાં આવ્યું છે. મહેસાણામાં ટેલકમ પાઉડર અને સુરેન્દ્રનગરમાં પથ્થરનો પાઉડર ભેળવવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે.
પાંચને બંધ કરવા નોટિસ

અમદાવાદમાં પાંચ બરફી ફેક્ટરીને બંધ કરી દેવા માટે અમપા દ્વારા નોટિસ આપી દેવામાં આવી છે. એજ રીતે સમગ્ર રાજ્યમાં આવા 35 જેટલી ફેક્ટરીઓના નમૂના લઈને તેમને નોટિસ આપવાનું શરૂ કરી દીધું છે. જેમાં મોટાભાગનાને બંધ કરી દેવા કહી દેવામાં આવ્યું છે.

શું કહે છે નીતિન પટેલ?

રાજ્યમાં થઈ રહેલી ભેળસેળ મામલે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારની ક્યાંય પણ ભેળસેળ રાજ્ય સરકાર સાંખી નહિ લે. પછી તે મસાલામાં હોય, મિઠાઈમાં હોય, અનાજમાં હોય કે પછી માવા બનાવવાની કામગીરી હોય. સરકારે સત્તાવાર વિભાગોને આવા ભેળસેળિયા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપી દીધા છે. સાથે સાથે તમામ જિલ્લાઓમાં પણ આ પ્રકારની ભેળસેળ કરનારાઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવા સુધીની તૈયારીઓ કરી છે. તેમણે ઉમેર્યું કે, ભેળસેળ કરવામાં કોઈપણ ચમરબંધી હશે તેને સરકાર છોડશે નહિ. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, જે ભેળસેળવાળી ચીજવસ્તુઓ રાજ્યની બહાર મહારાષ્ટ્રના મુંબઈમાં જાય છે તે મામલે પણ મહારાષ્ટ્ર સરકારને જાણ કરી દેવામાં આવી છે અને આવા ભેળસેળ કરનારા તત્વોને પકડવામાં ગુજરાતની મદદ કરવા કહેવામાં આવ્યું છે.

નીતિન પટેલે કર્યું હવે વિજય રૂપાણી પાણી બતાવે

આવી ગંભીર સ્થિતી હોવા છતાં ગુજરાતની રૂપાણી સરકારે કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર પર પ્રજાના હિતમાં આવી ફેક્ટરીઓને પરવાના આપવાનું બંધ કરવા અને કાયદો સુધારવા દબાણ કર્યું નથી. જ્યાં સુધી મોદી સરકાર કાયદો નહીં સુધારે ત્યાં સુધી બનાવટી બરફીને બનાવતા નિતિન પટેલ રોકી નહીં શકે. એવું વિભાગના અધિકારીઓ સ્પષ્ટ પણે માની રહ્યાં છે. તેથી રૂપાણીએ પાણીદાર મુખ્ય પ્રધાન બનવું જોઈએ એવું દેશનું હિત ઈચ્છતાં લોકો માની રહ્યાં છે. આરટીઆઈ એક્ટિવિસ્ટે બે વર્ષ પહેલા ધ્યાન દોર્યું છતાં ડિપાર્ટમેન્ટ કેમ ન જાગ્યું. ફૂડ એન્ડ ડ્રગ કચેરીના અધિકારીઓની રહેમ નજર હેઠળ તે ચાલી રહ્યું હતું. વિજય રૂપાણીને 20મી ઓગસ્ટ 2018ના ફરિયાદ કરવામાં આવી હતી છતાં તેમણે પગલાં લીધા ન હતા.

દૂધની મીઠાઈ નહીં પણ તેલની

તેલમાંથી મીઠાઈ બનાવવા માટે કેન્દ્ર સરકારે છૂટ આપી દીધી છે. તેથી ગુજરાતમાં 155 જેટલા જથ્થાબંધ વેપારીઓ છે કે જે દરેક ઉત્પાદક ઓછામાં ઓછી 2 હજાર કિલો તેલનો માવો તૈયાર કરી રહ્યાં છે. રોજની 2થી 3 લાખ કિલો મીઠાઈ બનાવટી મીઠાઈ આરોગી રહ્યાં છે. બનાવટી માવો કે જેને સ્પેશિયલ બરફી તરીકે જથ્થાબંધ બનાવીને છૂટક વેપારીઓને આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે આવા વેપારીઓને લાયસન્સ આપી દીધા છે. જે બનાવટી મીઠાઈઓ ખવડાવી રહ્યાં છે. ગુજરાતના આરોગ્ય વિભાગે આવા લાયસંસ ન આપવા માટે કેન્દ્ર સરકારને છ વર્ષમાં અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કેન્દ્રની ભાજપ સરકાર આવી બનાવટી મીઠાઈ માટે લાયસંસ આપી રહી છે.

રૂ.48ની કિલોની મીઠાઈ રૂ.500માં વેચાય છે

48 કિલોના ભાવે વેપારીઓ લઈ જાય છે અને તેઓ તેમાંથી મીઠાઈ બનાવીને રૂ.300થી 500ના કિલોના ભાવે વેચે છે. કેન્દ્ર સરકારે બનાવેલા કાયદા પ્રમાણે છે. તે ગેરકાયદે નથી. 2004થી આ રેકેટ ચાલી રહ્યું છે. જે સાત દિવસમાં ખરાબ થઈ જાય છે. તેલથી બનેલી સ્વીટને દૂધની સ્વીટ તરીકે લોકો હોંશથી ટન બંધ ખાય છે. તહેવારોના દિવસોમાં તમે દૂધના માવાની મીઠાઈ ખાવ છો તે તેલ, ખાંડ, સ્કીમ્ડ મિલ્ક પાવડર અને પ્રીઝર્વેટિવ્સથી બનાવાયા છે

બરફી એક સફેદ ઝેર

અત્યારે સ્પેશિયલ કે મીઠી બરફીનું ઉત્પાદન કરતાં એકમોમાંથી કેટલાક પાસે હેલ્થના લાઈસન્સ (એફએસએસઆઈના) પણ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રોપરાઈટરી ફૂડના નામે મેળવે છે અને પ્રોપરાઈટરી ફૂડની ચોક્કસ વ્યાખ્યા નથી. એફએસએસઆઈમાં તેના કોઈ સ્ટાન્ડર્ડ ન હોવાથી આ પ્રકારના ફૂડ મંજૂર કરાવીને બજારમાં મૂકી દે છે. તેમના આ પ્રોપરાઈટરી ફૂડમાં ખાંડ કે સાકર હોવા છતાંય કીડી પણ તે ખાતી નથી. લેબોરેટરીમાં માત્ર ખાંડ અને કલરની જ ચકાસણી કરવામાં આવે છે. દૂધ આર.એમ. વેલ્યુ 24થી 28ના બદલે 0.2થી 0.6ની આવી રહી છે. જે દર્શાવે છે કે તેમાં દૂધ નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp