વતનમાં રોજગારી નહીં મળતાં પરપ્રાંતિય શ્રમિકોએ શું પાછા ગુજરાત આવી રહ્યા છે?

PC: newindianexpress.com

 

કોરોના સંક્રમણ અને લોકડાઉનમાં ગુજરાત છોડીને પોતાના વતનમાં ગયેલા લાખો શ્રમિકોને પોતાના વતનમાં રોજગારી નહીં મળતાં તેઓ મૂંઝાયા છે. તેમને તેમના ગામ કે વતનમાં કામ મળતું નથી, કારણ કે કોરોના સંક્રમણ રાજ્યોમાં પણ ફેલાયું છે તેથી આ શ્રમિકો પાછા ફરી રહ્યાં છે.

લોકડાઉનમાં ભૂખમરા અને બેકારીની યાતનામાંથી પસાર થયેલા શ્રમિકો હવે ગુજરાતમાં જ પાછા આવી રહ્યાં છે. શ્રમિકોનું એક ગ્રુપ જ્યારે અમદાવાદ રેલવે સ્ટેશન પર આવ્યું ત્યારે તે પૈકીના એક શ્રમિકે કહ્યું હતું કે અમારા વતનમાં રોજગારી નહીં હોવાથી અમે ગુજરાતમાં પાછા આવી રહ્યાં છીએ. ઘરના પરિવાર માટે અને અમારી કંપની તરફથી બોલાવવામાં આવતા અમારે અહીં પાછા આવવું પડ્યું છે.

લોકડાઉનના સમયમાં લાખો શ્રમિકો પોતાના વતન ગયા હતા. ગુજરાતમાંથી 12 લાખ કરતાં વધુ શ્રમિકો નોકરી-ધંધાનું સ્થળ છોડીને પોતાના વતન પાછા જતા રહ્યાં હતા તે હવે પાછા આવી રહ્યાં છે. ગુજરાતમાં ધંધા-રોજગાર ફરી શરૂ થતાં જૂના શ્રમિકોને બોલાવવાનું પણ માલિકો દ્વારા શરૂ કરવામાં આવતા શ્રમિકોને નોકરીની આશા બંધાઇ હોવાથી તેઓએ ગુજરાતને ફરી પસંદ કર્યું છે.

શ્રમિકોના કલ્યાણ માટે કામ કરતી એક સંસ્થાએ જણાવ્યું હતું કે મુશ્કેલી વેઠીને વતન ગયેલા અને ત્યાં પણ આર્થિક સંકળામણ અનુભવતા 29 ટકા શ્રમિકો ગુજરાત પાછા આવી ગયા છે અને બીજા 45 ટકા ક્ષમિકો પાછા આવવા તૈયાર છે. એનજીઓ દ્વારા દેશનાં 11 શહેરોમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેની વિગતો જાહેર થતાં આ હકીકત સામે આવી છે.

આ સર્વેમાં જણાયું હતું કે મોટાભાગના શ્રમિકોને વતનમાં નોકરી કે રોજગાર મળી શક્યો નથી. આ એનજીઓએ 1200 જેટલા શ્રમિકો સાથે ચર્ચા કરી હતી જેમાં 85 ટકાએ જણાવ્યું હતું કે અમને ગુજરાતમાં ફરીથી રોજગારી મળી રહી છે તેથી અમે પાછા આવવાનું વિચારી રહ્યાં છીએ.

74 ટકા પરિવારોએ કહ્યું હતું કે કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે અમારી પાસે ખાવા માટે કંઇ ન હતું તેથી લાચારીથી અમે ગામડાં તરફ જતા રહ્યાં હતા પરંતુ હવે અમને ત્યાં રોજગાર મળતો નથી. ગ્રામ્ય વિસ્તારમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં 15 ટકા શ્રમિકોને કામ મળી ગયું હોવાથી તેઓ પાછા આવવા માગતા નથી પરંતુ 70 ટકા એવું કહે છે કે અમને અમારા કૌશલ્ય પ્રમાણે કામ મળ્યું નથી.

ઝારખંડમધ્યપ્રદેશ. આસામબિહારછત્તીસગઢગુજરાતઉત્તર પ્રદેશપશ્ચિમ બંગાળઓરિસારાજસ્થાન અને ત્રિપુરાના 48 જિલ્લામાં આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. શહેરી વિસ્તારોમાંથી પુરુષો પાછા આવી જતાં મહિલાઓના કામમાં વધારો થયો હતો એમ પણ સર્વેમાં જણાવાયું છે. 24 ટકા શ્રમિકોએ કહ્યું હતું કે રોજગારીના અભાવે અમે અમારાં બાળકોને ભણતર છોડાવી દેવાનો વિચાર કરી રહ્યા હતા.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp