વિરમગામના કાયલા ગામે વીજળીનો તાર પડતા 12 ભેંસોના મોત

PC: dainikbhaskar.com

ગુજરાતમાં વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. પણ તેની અસર હજુ પણ ગુજરાતમાં જોવા મળી રહી છે. ઘણી જગ્યાઓ પર ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ઘણી જગ્યાઓ પર વૃક્ષ પડવાના બનાવો પણ બન્યા હતા. ગઈકાલે એક રીક્ષા પર વૃક્ષ પડવાના કારણે રીક્ષામાં બેઠેલી મહિલાનું મોત નીપજ્યું હતું. બીજી તરફ વાયુની અસરથી પડેલા વરસાદ અને ફૂંકાયેલા પવનના કારણે કેટલીક જગ્યાઓ પર વીજ પોલ ધરાશાયી થઇ ગયા હતા. તો કેટલાક પોલ નમી ગયા હતા. જેના કારણે સૌરાષ્ટ્રના ઘણા ગામડાઓમાં વીજળી ડૂલ થવાના કોલ વીજ કંપનીને મળ્યા હતા. ત્યારે વિરમગામ નજીક આવેલા એક ગામમાં ચરી રહેલી ભેંસો પર વીજળીનો તાર તૂટીને પડવાના કારણે 12 ભેંસના મોત નિપજ્યા હતા.

એક રીપોર્ટ અનુસાર, વિરમગામ તાલુકાના છેવાડાના કાયલા ગામે ખેગાભાઈ કાલીયા નિત્યક્રમ પ્રમાણે રવિવારે સવારે પોતાની ભેંસોને ખેતરમાં ચરાવવા માટે લઈ ગયા હતા. ભેંસ જે સમયે ખેતરમાં ચરતી હતી, તે સમયે અચાનક વીજળીનો તાર તૂટીને ભેંસો પર પડ્યો હતો. વીજળીના કરંટના કારણે 12 ભેંસના મોત નીપજ્યા હતા. પોતાની તમામ ભેંસોના મોત થતા પશુપાલક ખેગાભાઈ કાલીયાના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. બીજી તરફ સૌરાષ્ટ્રના ઉનાના નવાબંદર ગામમાં PGVCL દ્વારા વીજ પોલ પર ઊભા કરવામાં આવેલા ટ્રાન્સફોર્મરનો નીચેનો ભાગ ખુલ્લો હોવાના એક ગાયનું મોત નીપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ચોમાસાની ઋતુમાં વીજ કંપનીઓ દ્વારા પૂરતી સુરક્ષા રાખવામાં ન આવતા તેમજ ખુલ્લાં ટ્રાન્સફોર્મર અને નમી ગયેલા વીજ પોલનાં તાર તૂટવાના કારણે અબોલ પશુઓ તેનો ભોગ બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp