ત્રણ વખત CM બનતા રહી ગયેલા નીતિન પટેલે મહેસાણા બેઠક પરથી દાવેદારી પાછી ખેંચી

PC: twitter.com/nitinbhai_patel

લાગે છે કે નીતિન પટેલના રાજકારણમાં નસીબ પાંગળું છે, 3-3 વખત મુખ્યમંત્રી બનતા બનતા રહી ગયેલા ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકસભાની ચૂંટણી માટે મહેસાણા બેઠક પરથી કરેલી દાવેદારી પાછી ખેંચી લીધી છે, જેને કારણે રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. નીતિન પટેલે પત્ર લખીને દાવેદારી પાછી ખેંચવાની જાહેરાત કરી છે.નીતિન પટેલ સાથે અનેક વખત એવું બન્યું છે કે મોંઢામાં આવી ગયેલો કોળિયો છિનવાઇ ગયો હોય.

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક પત્રમાં લખ્યું છે કે, મેં મહેસાણા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે કેટલાંક કારણોસર ઉમેદવારી નોંધાવી હતી. ગઇકાલે રાજ્યની 15 બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી. મહેસાણા બેઠકના ઉમેદવારની પ્રક્રિયા હજુ ચાલી રહી છે. તે પહેલાં ભાજપના ઉમેદવાર તરીકે હું મારી ઉમેદવારી પાછી ખેંચું છું.PM મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારત માતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું.સર્વે કાર્યકરો, શુભેચ્છકોનો આભાર માનું છું.

રાજકારણના જાણકારોનું માનવું છે કે, નીતિન પટેલની દાવેદારી પાછળનું કારણ એવું છે કે મહેસાણાની બેઠક માટેના 3 નિરિક્ષકોમાંથી એક કુંવરજી બાવળિયાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ગુપ્ત બેઠક મળી હતી એ પછી આખું સમીકરણ બદલાયું છે. બાવળિયા સાથે PMની બેઠકના અનેક અર્થ કાઢવામા આવી રહ્યા છે. નીતિન પટેલે પણ આ વખતે લોકસભાની ચૂંટણીમાં મહેસાણાથી દાવેદારી નોંધાવી હતી.

જાણવા મળેલી વિગત મુજબ જ્યારે મહેસાણાની બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે 20થી વધારે ઉમેદવારોએ દાવેદારી કરી હતી.ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી રજની પટેલે પણ લોકસભાની ટિકીટ માંગી છે. રાજકારણના જાણકોરાનું માનવું છે કે રજની પટેલ આ રેસમાં સૌથી આગળ છે, મતલબ કે મહેસાણા લોકસભાની બેઠક રજની પટેલને મળે તેવી શક્યતા વધારે છે. જિલ્લા પંચાયતના પ્રમુથ તૃષા પટેલે પણ દાવેદારી કરી છે.

નીતિન પટેલના નસીબની વાત કરીએ તો જ્યારે વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રીનું પદ સંભાળ્યું ત્યારે ગુજરાતના CM કોણ બનશે? તેની ઉત્સુકતા હતી અને નીતિન પટેલનું નામ સૌથી આગળ ચાલતું હતું, પરંતુ તે વખતે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાવી દેવાયા હતા. એ પછી આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે એવું પાક્કું હતું કે નીતિન પટેલ જ CM બનશે, નીતિન પટેલે તો મિઠાઇ પણ વ્હેંચી દીધી હતી, પરંતુ તેમના મોંમા આવેલો કોળિયો છીનવાઇ ગયો અને વિજય રૂપાણી CM બન્યા હતા. વિજય રૂપાણીએ જ્યારે 4 વર્ષ પછી રાજીનામું આપ્યું ત્યારે પણ નીતિન પટેલ CMની રેસમાં આગળ હતા, પરંતુ ભાજપે ભૂપેન્દ્ર પટેલને ઇન્ચાર્જ CM બનાવી દીધા. એટલું જ નહી, પરંતુ ગુજરાત વિધાનસભા 2022માં પણ નીતિન પટેલે પત્ર લખીને કહેવું પડ્યું કે હું ઉમેદવારી કરવા માંગતો નથી. આ તેમની ઇચ્છા નહોતી, પરંતુ હાઇ કમાન્ડનું દબાણ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp