હિંસાને ધ્યાને લઈ બંગાળમાં BJPના તમામ 77 ધારાસભ્યોને મળશે કેન્દ્રીય સુરક્ષા

PC: timesofindia.indiatimes.com

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP )ના નેતાઓ, કાર્યકર્તાઓ અને સમર્થકો પર સતત હુમલાની ફરિયાદો કેન્દ્ર સરકારને મળી રહી છે. હુમલાના આરોપ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સમર્થકો પર લાગી રહ્યા છે. ગત દિવસોમાં તો કેન્દ્રીય મંત્રીના કાફલા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાને ધ્યાનમાં લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બધા નવા ચૂંટાયેલા ધારાસભ્યોને સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે.

તમને જણાવી દઈએ કે, ચૂંટણી બાદ થઈ રહેલી હિંસાને ધ્યાનમાં લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ટીમ પશ્ચિમ બંગાળમાં છે, જે અલગ અલગ વિસ્તારમાં પ્રવાસ કરી રહી છે. સોમવારે જ નંદીગ્રામમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવનારા શુભેન્દુ અધિકારીને BJP ધારાસભ્યોની ટીમના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળમાં BJP ધારાસભ્યો માટે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં ચૂંટણી બાદ હિંસાને જોતા દરેક ધારાસભ્યને કેન્દ્રીય સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ચૂંટણી દરમિયાન પણ BJP ઉમેદવારો પર હુમલા થયા હતા, ત્યારબાદ લગભગ બધા ઉમેદવારોને સુરક્ષા આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, BJPના લગભગ બધા સાંસદોને પણ કેન્દ્રીય સુરક્ષા મળી છે. ગત અઠવાડિયે જ એક નિર્દેશ જાહેર કરીને પશ્ચિમ બંગાળ વિધાનસભા પરિસરમાં કેન્દ્રીય બળોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ચૂંટણી પરિણામોની જાહેરાત બાદ BJP સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર હિંસાનો આરોપ લગાવી રહી છે.

એક રિપોર્ટ મુજબ, ચૂંટણી દરમિયાન 293 સીટો પર BJP ઉમેદવારોને કેન્દ્રીય સુરક્ષા આપવામાં આવી હતી. જોકે પરાજીત ઉમેદવારોની સુરક્ષા 10 મેના રોજ પછી લઈ લેવામાં આવવાની હતી. જોકે ચૂંટણી પરિણામોની હિંસાને ધ્યાનમાં લઈને આ મહિના સુધી સુરક્ષા આપવા માટે ગૃહ મંત્રાલયને અપીલ કરવામાં આવી છે. અમિત શાહના મંત્રાલયે ઉમેદવારોની સુરક્ષાની અવધિ પણ 31 મે સુધી વધારી દીધી છે. 5 મેના રોજ મમતા બેનર્જીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. જોકે 2 મેના ચૂંટણી પરિણામો બાદ જ હિંસાની ઘટનાઓએ જોર પકડી લીધુ હતું.

BJPએ TMC પાર્ટી પર બે પાર્ટી કાર્યકર્તાઓની હત્યાનો આરોપ લગાવ્યો, જેને TMCએ નકારી દીધો હતો. ત્યારબાદ 7 મેના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની 4 સભ્યોની ટીમ પરિસ્થિતિનો તાગ મેળવવા  પહોંચી હતી. પશ્ચિમ બંગાળ સરકારે હિંસાની ઘટનાઓ પર હાઇ કોર્ટને જણાવ્યું છે કે, રાજ્યમાં 9 મે સુધી કોઈ પણ હિંસાની ઘટનાઓ થઈ નથી અને સરકાર આ વાતનું ધ્યાન રાખી રહી છે કે એવી ઘટનાઓ ભવિષ્યમાં ન થાય. સરકારે આ જવાબ એક વકીલ તરફથી દાખલ કરવામાં આવેલી જનહિતની અરજીની સુનાવણી દરમિયાન આપ્યો હતો. કોર્ટે બંગાળ સરકારને 17 મે સુધી બધા જરૂરી પગલાં ઉઠાવવા કહ્યું છે અને સુનાવણીની આગામી તારીખ 18 મેની આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp