કોંગ્રેસના ધારાસભ્ય બાબુ વાજાનો ખુલાસો, મને પણ ઓફર કરી હતી 15 કરોડની

PC: facebook.com/ashvinbhai.pathak

કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સભાની ચૂંટણીની તારીખની જાહેરાત થતાની સાથે કોંગ્રેસમાંથી ધારાસભ્યોનાં રાજીનામાં પાડવાનો દોર શરૂ થઇ ગયો છે. 24 કલાકમાં કોંગ્રેસના 3 ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની રૂબરૂ મુલાકાત કરીને રાજીનામા ધરી દીધા છે. જે ત્રણ ધારાસભ્યના રાજીનામા પડ્યાં છે તેમાં કરજણ બેઠકના અક્ષય પટેલ કપરાડા, બેઠકના જીતુ ચૌધરી અને મોરબી બેઠકના બ્રિજેશ મેરજાનો સમાવેશ થાય છે. તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો દ્વારા ભાજપ પર ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યએ મીડિયા સામે ખુલાસો કર્યો હતો કે, તેઓને પણ 15 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે.

15 કરોડની ઓફર મળ્યાનો ખુલાસો કરતાં ધારાસભ્યનું નામ બાબુ વાજા છે. બાબુ વાજા માંગરોળના ધારાસભ્ય છે. તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે, મને પણ ઓફર કરી હતી 15 કરોડની. આની પહેલા છેલ્લા 10 દિવસથી તે લોકો મહેનત કરે છે પરંતુ મેં ના પાડી. આગળના વખતે પણ મને 30 કરોડની એટલે કે 3 જણાને 100 કરોડની ઓફર કરી હતી. પેલી વખતે અમે ગયાતા બેંગ્લોર એ વખતે પણ ઓફર કરી હતી, પછી રાજસ્થાન ગયા ત્યારે પણ 20 કરોડની ઓફર કરી હતી અને આ વખતે 15 કરોડની ઓફર કરી છે.

બાબુ વાજાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ભાજપની નીતિ છે તોડો અને રાજ કરો અને આપણી નીતિ છે કે, સ્વમાનથી જીવતા હોય અને કોંગ્રેસને વફાદાર હોય તેવા જ માણસોને આપણે કોંગ્રેસમાં રાખવા. એ લોકો જે રીતે કરે છે એમ અમે પણ કરી શકીએ છીએ. એ લોકો 15 કરોડ આપતા હોય તો અમે પણ 10 કરોડ તો આપી શકીએને પરંતુ અમારી એવી નીતિ નથી કે, ભાજપમાંથી આપણે લઈ આવવા. પરંતુ ભાજપની નીતિ એવી છે કે, કોઈ ને કહે કે, તમારા પર કેસ છે તેવ પાછા લઈ લઈએ, તમારી ફાઈલ છે તેમાં તમને મંજૂરી અપાવી દઈએ.

ઉલ્લેખનીય છે કે, જ્યારે રાજ્ય સભાની ચૂંટણી કેન્સલ કરવામાં આવી હતી અને કોરોનાની મહામારીએ વચ્ચે ધારાસભ્યો તેમના મત વિસ્તારમાં કાર્ય કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના એક પણ ધારાસભ્યએ તેમનું રાજીનામું આપ્યું ન હતું પરંતુ જ્યારે ફરીથી રાજ્ય સભાની ચૂંટણીની જાહેરાત થઈ તેવામાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોનાં રાજીનામાં પડી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp