સુખેથી જીવવું હોય તો જતું કરો... કેટલીક વસ્તુઓ જે જતી કરી દેવી જોઈએ

PC: Khabarchhe.com

(Utkarsh Patel)

જીવન મળ્યું અને જીવતા થયા, જીવતા તો આપણે થયા પણ જીવતા નથી આવડ્યું! રોજ નવો દિવસ આવે છે, આપણને જગાડે છે, અને દિવસો આવતા જ રહે છે અને જીવન પસાર કરતા જઈએ છીએ. હા, આપણે જીવન પસાર કરીએ છીએ એને જીવતા નથી.

ભગવાન આપણને સુખ આપે છે, પ્રકૃતિ આપણને એની અનેક ભેટ આપે છે પણ આપણે કેટલીક વાતો, કેટલાક કિસ્સાઓ, કેટલાક વિવાદો, કેટલીક જીદો, કેટલાક ઝગડાઓ પક્ડી રાખીએ છીએ અને એમાંને એમાં જ મન શરીર અને સમયનો વ્યય કરી નાંખીએ છીએ.

કોઇ પણ ખાલી વસ્તુ હંમેશા ભરાઈ જતી હોય છે, પણ આપણું મન એક એવું પાત્ર છે કે જેમાં ગમે તેટલા વિચારો નાંખીએ તોયે એ ક્યારેય ભરાતું નથી, એનો મતલબ એમ કે આપણે જે ફાવે તે આપણાં મનમાં નાખીએ? નકારાત્મક વિચારો, વિવાદો, જીદો, દુઃખ આપે તેવા કિસ્સાઓને મનમાં ભરી રાખવાથી કોઇ લાભ ખરો? ક્યારેક વિચારો તો ખરા કે આ બધો કચરો મનમાં નાંખી નાંખીને આપણું મન આપણે ઉકરડા જેવું શું કામ બનાવવું? ગામના નાકે કે શેરીના છેવાડે ઉકરડો જોઈને તો આપણે દૂર ભાગીએ છીએ તો મનમાં રહેલો ઉકરડો લઈને આપણે કેમ જીવવું?

આપણે આપણાં મનને સાફ રાખવું જોઈએ તોજ આપણે સારું જીવન જીવી શકીશું. આપણે આપણાં મનમાં સારા વિચારો ભરવા જોઈશે તો આપણું જીવન એ વિચારો દ્વારા સારા માર્ગે લઇ જવું જોઈશે. આ માટે આપણે કેટલું ક જતું કરવું જોઈશે.

શું શું જતું કરવું જોઈશે...

આપણે કોઈકની સાથે શત્રુતા, અણબનાવ છે તો એ કિસ્સો ભૂલીને એ વ્યક્તિઓથી દૂર થઈ જવું જોઈએ.

કોઇકે દગાખોરી કરી હોય કે તેમને છેતર્યા હોય તો એવા કિસ્સાને અને વ્યક્તિઓને ભૂલી જઇને જીવનમાં આગળ વધવું જોઈએ અને એવી વ્યક્તિઓ તમને ક્યારેક મળે તો જુનો કિસ્સો ભૂલીને એમની સાથે સંસ્કારી વર્તન કરવું જોઈએ અને બીજી વેળા એવી વ્યક્તિઓને તેમને દગો કરવાની કે છેતરવાની તક આપવી જોઈએ નહીં.

જે વસ્તુઓ જીવનમાં શક્ય જ નથી તેવી વસ્તુઓની જીદ પણ જતી કરી દેવી જોઈએ. જે જે વસ્તુઓ તમને દુઃખ આપે અને પ્રગતિના પંથે અવરોધરૂપ થાય તે બધીજ વસ્તુઓને જતી કરી જોવો... જીવન જીવવાની મજા આવશે આપને.

જતું કરી તો જોવો. જતું કરવું એનો મતલબ એમ પણ નહીં કરવો કે કોઈકનું અપમાન કરવું કે અવગણના કરવી. બસ આપણો રસ્તો બદલી નાંખો.

જીવન જીવવા માટે છે મારા વ્હાલા. જતું કરવાથી જો જીવન મળતું હોય તો ઉકરડે શું કામ જોવું?

જીદ, શત્રુતા, વિવાદોને જતા કરી જુઓ.

જેમના વિચારો તમસ ગુણના હશે એમને લાગતું હશે કે જતું કરવું એટલે પલાયનવાદ કહેવાય. ના વાત પલાયણવાદની નથી જીવનના સુખના મૂલ્યોની છે. અને હા ક્યારેક કોઇ ઉકરડા જેવો શત્રુ વેરભાવ ઈર્ષ્યભાવ સાથે અવિરત નડવાનું ચાલુ જ રાખે તો કલયૂગે શત્રુને સમાધાનકારી બે તક આપજો. શત્રુમાં પણ સારો મિત્ર મળી શકે છે. મને શત્રુમાં મિત્રો જડ્યા છે અને આજે તેઓ મારા અંગત મિત્ર રૂપે પણ ખૂબ સુખેથી મારા જીવનનો હિસ્સો પણ છે! શત્રુને મિત્રતાનો આવકાર આપી જોજો, શત્રુતા જતી કરી સામેથી એક સમાધાનકારી ડગલું માંડજો, બીજું ડગલુયે માંડજો પછી પણ ઉકેલ ના જડે તો સંસ્કારી સુરાની જેમ લડી લેજો પણ વાતને આર કે પાર પુરી કરીદેજો અને જીવનમાં એ કિસ્સો પૂરો કરી એ વેરભાવ અને એ ઉકરડા જેવા શત્રુને ભૂલજાજો. પણ બને ત્યાં સુધી આવા કિસ્સા ના થાય આપના જીવનમાં એવો પ્રયત્ન ચોક્કસ કરજો.

વાત માત્ર એટલી જ છે કે,

જવાદોને... જીવીલોને... આનંદ કરીલોને...

આખી વાતનો સાર એજ છે કે જતું કરો, આપના જીવનને વ્યય ના કરશો અને સુખેથી જીવીલો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp