મોટા ભાગના પ્રમાણિક માણસો સમાજ ઉપર ઉપકાર કરી રહ્યા હોય તેવો ભાર લઇને ફરે છે

PC: facebook.com

 મેં ગુજરાતમાં એવા અનેક આઈએએસ અને આઈપીએસ અધિકારી જોયા છે જેમની આખી કેરીયર દરમિયાન તમે કયાં હાથ મુકી તેવી એક પણ ઘટના ના હોય છતાં તેમના વ્યવહારમાં ભારોભાર અભિમાન છલકતુ મેં જોયુ છે. તેમના અભિમાનું કારણ તેમની પ્રમાણિકતા,તેમનું બુધ્ધી કૌશલ્ય,તેમનું પદ, સતત કામ કરવાની ધગશ વગેરે વગેરે. આપણે સારા અને આપણા ભાગે આવેલુ કામ પ્રમાણિકપણે કરવુ તે સુર્ય ઉગે છે અને આથમે છે એટલી જ સહજ છે તેમાં કોઈ રોકેટ સાયન્સ નથી,છતાં મોટા ભાગના સારા અને પ્રમાણિક માણસો જાણે સમાજ ઉપર ઉપકાર કરી રહ્યા હોય તેવો ભાર તેઓ પોતાના માથે લઈ ફરે છે. તેમના કપાળની રેખાઓ સતત તંગ રહે છે.

કોઈ પોતાને સારો અને પ્રમાણિક સમજે તેમાં કઈ વાંધો નથી આપણે કેવા છીએ તેનું ભાન હોવુ પણ એટલુ જ જરૂરી છે પણ આ પ્રકારના લોકો સામેની વ્યકિતને અપ્રમાણિક સમજે છે તેઓ માને છે ઈશ્વરે પ્રમાણિકતાના નામે માત્ર એક પીસ બનાવ્યો છે અને તે પોતે જ એકલા પ્રમાણિક છે, બાકી આખી દુનિયા અપ્રમાણિક છે,તેના કારણે તેઓ જયારે અન્ય કોઈ વ્યકિત સાથે વાત અને વ્યવહાર કરે ત્યારે સૌથી પહેલા તેમના મનમાં સામેની વ્યકિત માટે ભારોભાર શંકા અને શબ્દોમાં ખારાશ હોય છે, આવુ માત્ર ઉચ્ચ પદ ઉપર બેઠેલા સરકારી અધિકારીઓ જ કરે છે તેવુ નથી, મેં અનેક ગાંધીવાદીઓની આ પ્રકારની બીમારીથી પીડાતા જોયા છે.

ગાંધીવાદીઓ પોતાની ગાંધીયન ઓળખ જાળવી રાખવા માટે ખાદી તો પહેરે છે, પણ તેઓ ખાદી પહેરનાર રાજકારણીઓને ધીક્કારતા હોય છે, જો તમે ગાંધીને અનુસરતા હોવ તો ગાંધીના શબ્દકોશમાં ધીક્કાર શબ્દ જ ન હતો, ગાંધી તો અંગ્રેજોને પણ ધીક્કારતા ન્હોતા, ગાંધી અંગ્રેજોના શાસનમાંથી મુકત થવાની વાત કરતા હતા પણ તેઓ કહેતા કે અંગ્રેજો ભારત છોડે ત્યારે તેઓ કડવાશ સાથે ભારત છોડે નહી આમ ગાંધીના શબ્દ અને વ્યવહારમાં કયારેય ધીક્કાર ન્હોતો, પણ મેં અનેક ગાંધીયનો જોયા છે,જેઓ બીજા માટે મનમાં હિનભાવ રાખે છે કારણ તેઓ ગાંધીને અનુસરતા નથી

ગાંધીના રસ્તે આગળ ચલાવાનો નિર્ણય આપણો પોતાનો હતો કોઈ પરાણે તે રસ્તે જવાનું કહ્યુ નથી, એટલે મન ઉપર સતત તેનો ભાર રહે તો સમજવુ કે ગાંધીને આપણે પચાવી શકયા નથી,કારણ ગાંધી કોઈ બાબત પરાણે કરતા ન્હોતા,જો ગાંધીના રસ્તે જવુ બોજ લાગતો હોય તે રસ્તો છોડી દેવો જોઈએ, મેં ખાદી નહીં પહેરનાર અનેક યુવાનોમાં ગાંધીને જીવતા જોય છે કારણ પહેલા તો તેઓ જેવા છે તેવા જ દેખાય છે , તેઓ લોકો શુ માનશે તેવી પરવા કર્યા વગર પોતાને જે પસંદ છે તે રસ્તો ચાલે છે તેમના મનમાં દુનિયા બદલવાનો કોઈ ખ્યાલ નથી, પણ તેમના જીવનની નાની નાની ઘટનાઓમાં તેઓ પોતાની માટે અને બીજાના માટે જીવે છે તેનો તેમને અણસાર સુધ્ધા નથી.

આપણે સારો માણસ થવાનો રોજ પ્રયત્ન કરવો જોઈએ, સારા થવાના પ્રયાસમાં ભુલ પણ થવાની છે તેવી જ ભુલ પણ આપણી આસપાસના લોકો કરવાના છે તેના કારણે આપણો અને તેમનો સંબંધ પુરો થઈ જતો નથી, આપણને જે રસ્તો સારો લાગે છે કે સંભવ છે કે તે રસ્તા વિશે તેમની પાસે માહિતી જ નથી,બની શકે કે માહિતી છે છતાં તેમને તે રસ્તે ચાલવુ નથી, તેનો અર્થ એવો નથી કે આપણે મહામાનવ અને તેઓ દાનવ છે,સારા ડૉકટર, સારા પત્રકાર,સારા વકિલ,સારા રાજનેતા,સારા શિક્ષક,સારા ક્રિકેટર અને સારા માતા પિતા થવુ તે સારી બાબત છે પણ તેનો ભાર અને અભિમાન આપણા અને આપણા લોકો માટે ધાતક સાબીત થાય છે.

(પ્રશાંત દયાળ)

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp