પાટીદાર નેતા દિલિપ સાબવાએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી

PC: khabarchhe.com

ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીનું મતદાન 3 નવેમ્બરના રોજ યોજાવાનું છે ત્યારે આઠ બેઠકો કબજે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ કવાયત કરી રહ્યું છે. ગુજરાતમાં તોડ-જોડવાની રાજનીતિ ચૂંટણીના માહોલ વચ્ચે શરૂ થઈ છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં ભળી રહ્યા છે. તો ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસનો ખેસ ધારણ કરી રહ્યા છે. અલગ-અલગ જગ્યા પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા સભાઓનું આયોજન પણ કરવામાં આવી રહ્યા છે અને સ્થાનિક આગેવાનોને પક્ષ સાથે પણ જોડી રહ્યા છે. ચૂંટણીના ગરમાયેલા રાજકારણ વચ્ચે પાટીદાર નેતા ભાજપમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર દિલીપ સબવાએ કેસરીયો ખેસ ધારણ કર્યો છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ બોટાદ પ્રવાસે હતા ત્યારે પાટીદાર નેતા દિલીપ સાબવાએ સી.આર. પટીલના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. દિલીપ સાબવાની સાથે-સાથે સુરત અને સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાનો પણ ભાજપમાં જોડાયા હતા. તો બીજી તરફ દિલીપ સાબવા સાથે ભાવનગર જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા એવા નાનુ ડાખરા પણ ભાજપમાં જોડાયા હતા. સી.આર. પાટીલે દિલીપ અને કોંગ્રેસના નેતા નાનું ડાખરાને કેસરીયો ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા.

બીજી મહત્ત્વની વાત છે કે, દિલીપ સાબવાએ લોકસભાની ચૂંટણી સમયે ગાંધીનગર બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ દિલીપ સાબવાને પણ ચૂંટણી લડવાના અભરખા જાગતા તેને ગાંધીનગર બેઠક પરથી અપક્ષ ઉમેદવારી માટે ફોર્મ ઉપાડ્યુ હતું પરંતુ ઉમેદવારી નોંધાવ્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર સી.જે. ચાવડાને નુકસાન જશે અને તમને હારનો સામનો કરવો પડે તો દોષ મારા પણ ના આવે એવું કહીને દિલીપ સાબવાએ ફોર્મ પરત ખેંચ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન બાદ PAASના નેતાઓ ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષ સાથે જોડાઈ ગયા છે. કેટલાક નેતાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. તો કેટલાક નેતા કોંગ્રેસની સાથે જોડાયા છે. ત્યારે હવે પાટીદાર નેતા દિલીપ સાબવાએ પણ કેસરીયો ખેસ ધારણ કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મહત્ત્વ વાત કહી શકાય કે, PAASના નેતાઓ જ્યારે આંદોલન કરી રહ્યા હતા તે સમયે ભાજપની સરકાર પર આક્ષેપો કરતા હતા. પરંતુ આંદોલન પૂરું થયા બાદ ભાજપ સામે આંદોલન કરનારા હવે ભાજપની સાથે જોડાઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp