ગિરનાર રોપ-વેની ટિકિટને લઈ વિરોધ, કોંગ્રેસના MLAએ આટલો ઘટડો કરવાની માંગ કરી

PC: hotelierindia.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયા બાદ ગિરનાર રોપ-વે પર્યટકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. લોકોને ભવનાથથી અંબાજી દાદરા ચઢીને જવા માટે 5થી 6 કલાકનો સમય લાગતો હતો પરંતુ ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને શરૂ થયા બાદ લોકો માત્ર 6થી 7 મિનિટમાં જ ભવનાથ ગિરનારની ટોચ એટલે અંબાજી સુધી પહોંચી જાય છે અને 5થી 6 મિનિટમાં અંબાજીથી ભવનાથ પરત આવી શકે છે. રોપ-વેનું લોકાર્પણ થયા બાદ ઘણા પ્રવાસીઓ રોપ-વેનો આનંદ માણી રહ્યા છે પરંતુ રોપ-વેની ટિકિટ વધારે હોવાથી ટિકિટનો દર ઘટાડવાની માંગ પણ ઉઠી રહી છે. રોપ-વેમાં તંત્ર દ્વારા રિટર્ન ટિકિટનો દર 700 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે અને સિંગલ ટિકિટનો દર 400 રૂપિયા નક્કી કરાયો છે.

રોપ-વેમાં લેવામાં આવતી ટિકિટની દર ઘટાડવાની માંગ જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખા જોશીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને કરીછે. ધારાસભ્ય ભીખા જોશીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, હાલ જૂનાગઢ ખાતે નવનિર્મિત ગિરનાર રોપ-વેની ટિકિટના દર ખૂબ જ વધુ હોવાથી આમ જનતાને પરવડે તેમ નથી. સ્થાનિક લેવલે પણ ખૂબ જ વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. અલગ-અલગ મીડિયા અને સોશિયલ મીડિયામાં તેમજ મને રૂબરૂ લોકો આ બાબતે રજૂઆત કરી રહ્યા છે. તેમની રજૂઆતને ધ્યાનમાં લઇ મધ્યમ વર્ગને પોષાય તે બાબતે ટિકિટના દરમાં ઘટાડો કરવા વિનંતી.

તેમને પત્રમાં વધુમાં લખ્યું હતું કે, હાલ પાવાગઢમાં રોપ-વેની ટિકિટના દર અંદાજે 150 રૂપિયા આસપાસ છે. પાવાગઢ કરતા ગિરનાર રોપ-વેને ટિકિટનો દર 6 ગણો વધુ છે. ટિકિટના દર મધ્યમ વર્ગને પોસાય તેવા ન હોય તેથી 300 રૂપિયા આસપાસ ટિકિટના દર રાખવા આપના તરફથી યોગ્ય આદેશ આપવા સ્થાનિક જનતા વતી આપને વિનંતી છે.

ધારાસભ્ય ભીખા જોશીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ 700 રૂપિયાનો ભાવ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કોઇ પણ પ્રકારે પોસાઈ શકે તેમ નથી. આજે પાવાગઢ રોપ-વેમાં 150 રૂપિયા ભાવ છે. પાવાગઢ રોપ-વે કરતા ગિરનાર રોપ-વે ત્રણ ગણો વધારે છે પરંતુ ભાવમાં 6 ગણો વધારો કરવામાં આવ્યો છે. 6 ગણો ભાવ વધારો કરવામાં આવ્યો છે તે ખૂબ જ ગેરવ્યાજબી છે. એટલે મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું છે કે, આમાં પોતે દરમિયાનગીરી કરીને ટિકિટના દરમાં ઘટાડો કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp