હેલમેટ ન પહેરનારા વિદેશી યુવક સાથે પોલીસનું ઉદ્દતાઈભર્યું વર્તન, લોકોમાં રોષ

PC: youtube.com

ટ્રાફિક નિયમ ભંગ બદલ દંડની વસુલાત કરતા તમામ પોલીસે અંગ્રેજી શીખવાની જરૂર છે. આ કહેવાનું કારણ એ છે કે, પોલીસને અંગ્રેજી ન આવડતું હોવાના કારણે રાજકોટના પોલીસે વિદેશી નાગરિક સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. પોલીસ ગુજરાતીમાં વાત કરતા હતા અને વિદેશી નાગરિકને ગુજરાતી ભાષા આવડતી ન હતી. જેને લઇને પોલીસ અને વિદેશી નાગરિક વચ્ચે તકરાર થઈ અને લોકોના ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા અને પોલીસ પર રોષ ઠાલવ્યો હતો.

એક રીપોર્ટ અનુસાર, વિદેશી નાગરિકો ગુજરાતના પ્રવાસે આવે તે માટે સરકાર દ્વારા ગુજરાતમાં અલગ-અલગ ટુરીઝમ પ્લેસ બનાવવામાં આવે છે. પણ પોલીસની કામગીરીના કારણે ગુજરાતની બદનામી વિદેશમાં થાય તેવું લાગી રહ્યું છે. ત્રણ દિવસ પહેલા અફઘાનિસ્તાનનો એક યુવક રાજકોટમાં ફરવા માટે આવ્યો હતો. ગુજરાતનો ન હોવાના કારણે આ યુવકને અહીંના કાયદાઓ વિસે કોઈપણ પ્રકારની માહિતી હતી નહીં એટલા માટે આ યુવક મંગળવારે સાંજના સમયે કોઈનું એક્ટીવા લઈને રાજકોટના કાલાવડ રોડ પર આવેલી મહિલા કોલેજ તરફ જઈ રહ્યો હતો.

આ સમયે રાજકોટના KKV ચોક પાસે ટ્રાફિક વિભાગના PSI ઝાલા તેમની ટીમ સાથે વાહન ચાલકો પાસેથી નિયમ ભંગ બદલ દંડની વસુલાત કરતા હતા. એવામાં PSI ઝાલાની નજર આ અફઘાનિસ્તાની યુવક પર પડી હતી. આ યુવકે હેલમેટ ન પહેર્યું હોવાના કારણે PSI ઝાલાએ યુવકને રોક્યો હતો અને હેલમેટ નહીં પહેરવા બદલ 500 રૂપિયાના દંડની માંગણી કરી હતી. અફઘાનિસ્તાનનો યુવક ગુજરાતી ભાષા સમજતો ન હોવાના કારણે તે PSIની વાત સમજ્યો ન હતો અને PSI અંગ્રેજી ન સમજતા હોવાના કારણે યુવકની વાતને સમજી શકતા ન હતા.

આ બાબતે PSI અને અફઘાનિસ્તાનના યુવક વચ્ચે તકરાર શરૂ થઇ ગઈ હતી. પણ PSI અફઘાનિસ્તાની યુવક પાસેથી દંડ વસુલાત કરવાની જીદ પકડીને બેઠા હતા. PSI અફઘાનિસ્તાનના યુવક સાથે તકરાર કરી રહ્યા હતા ત્યારે એક શિક્ષિત વ્યક્તિએ વચ્ચે પડીને અફઘાનિસ્તાનના યુવકને નિયમ ભંગની વાત અંગ્રેજીમાં સમજાવી હતી, જેના કારણે યુવકે 500 રૂપિયાના દંડની ભરપાઈ કરી હતી.

અફઘાનિસ્તાનના યુવકે દંડ તો ભરી દીધો પણ લોકો પોલીસની આ પ્રકારની કામગીરીથી ખૂબ નારાજ થયા હતા. લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા હતા કે, વિદેશી યુવક તો કાયદાથી અજાણ હતો પરંતુ પોલીસે તેની સાથે સારી રીતે વર્તન કરીને નિયમની જાણકારી આપવી જોઈતી હતી. પણ PSI ઝાલાએ વિદેશી યુવક સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા વિદેશી યુવક ગુજરાતની કેવી છાપ લઇને જશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp