આ શહેરમાં એક જ IMEI નંબર પર 13 હજાર મોબાઈલ, તપાસ શરૂ

PC: indianexpress.com

જેમ દરેક વ્યક્તિનું નામ તેની ઓળખ હોય છે, તે જ રીતે દરેક મોબાઈલ ફોનનો યુનિક IMEI નંબર હોય છે, અને એ IMEI નંબર જ તેની ઓળખ હોય છે. જ્યારે પણ તમારો મોબાઈલ ફોન ખોવાઈ જાય કે પછી ચોરાઈ જાય ત્યારે તે યુનિક IMEI નંબર પરથી જ ફોન સહેલાઈથી શોધી શકાય છે. તેમજ ઘણા ગુનાહિત કેસોમાં પણ આરોપીઓને શોધવા માટે IMEI નંબરનો જ સહારો લેવામાં આવે છે. પરંતુ મેરઠમાં ખુલાસો થયો છે કે, એક જ IMEI નંબર પર 13 હજાર કરતા વધુ ફોન એક્ટિવ છે. મેરઠ ઝોનના એડીજી રાજીવ સભરવાલનું કહેવું છે કે, આ મામલામાં કેસ દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. એડીજી રાજીવ સભરવાલે જણાવ્યું કે, 13 હજાર કરતા વધુ ફોનના એક જ IMEI નંબર મળી આવ્યા છે. એડીજીના જણાવ્યા અનુસાર, ઝોન કાર્યાલયમાં તહેનાત વિભાગના અધિકારી પાસેથી જ આ સૂચના મળી છે. જણાવવામાં આવ્યું છે કે, વિભાગના અધિકારીએ પોતાનો ફોન રિપેર કરાવ્યો હતો. રિપેરીંગ બાદ તેમના ફોનનો IMEI નંબર બદલાઈ ગયો હતો.

પહેલા તો ઝોન કાર્યાલયમાં જ સાયબર સેલમાં આ IMEI નંબરને ચેક કરાવવામાં આવ્યો. તો તપાસમાં સામે આવ્યું કે, એક IMEI નંબર પર હજારો ફોન એક્ટિવ છે. બાદમાં જ્યારે એ જ IMEI નંબરની તપાસ જનપદના સાયબર સેલમાં કરવામાં આવી તો ત્યારે અહીં પણ એ જ ખુલાસો થયો કે, એક IMEI નંબર પર હજારો ફોન એક્ટિવ છે.

એડીજીએ જણાવ્યું કે, સાયબર સેલની તપાસ બાદ હવે મેરઠના મેડિકલ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આ વખતે કડક તપાસ કરવામાં આવશે. જો તે ટેકનિકલ ખામી હશે તો તેની તપાસ પણ કરવામાં આવશે અને જો કોઈ અન્ય મામલો હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. એડીજીએ કહ્યું કે, IMEI નંબર કોઈપણ મોબાઈન ફોનનો મહત્ત્વપૂર્ણ અંગ હોય છે અને એક કરતા વધુ ફોનમાં એક જેવા જ IMEI નંબર ના હોઈ શકે. તે ચિંતાનો વિષય છે. તે મોબાઈલ એક ચાઈનીઝ કંપનીના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp