સુરતઃ 7 ઉમેદવારે ફોર્મ પાછા ખેચતા મતદાન નહીં થાય,ભાજપના ઉમેદવાર લડ્યા વગર જીત્યા

PC: twitter.com

સુરતની લોકસભા બેઠક પર રાજકીય ડ્રામા પછી ફાઈનલ થઈ ગયું છે કે સુરતની બેઠક પર મતદાન કરવાની જ જરૂર નહીં પડે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જાહેર થશે અને તેઓ ચૂંટણી લડ્યા વગર જ જીતી ગયા છે. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયા બાદ આજે BSPના ઉમેદવાર સહિત અન્ય અપક્ષના ઉમેદવારોએ પણ પોતાનું ફોર્મ પાછું ખેચી લેતા હવે ફક્ત ભાજપના ઉમેદવાર જ સુરતની બેઠક પર બચ્યા છે, એટલે તેમને બિનહરિફ જાહેર કરી દેવાશે અને કોઈ ચૂંટણી નહીં યોજાય. આવું ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે કે, સુરતની બેઠક પર બિનહરિફ વિજેતા જાહેર કરાશે.

સુરત બેઠક પરથી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા કોંગ્રેસના નેતાઓએ શું કહ્યું?

ગુજરાતાં લોકસભા 2024ની ચૂંટણી પહેલાં સુરત લોકસભાની બેઠક પર કોંગ્રેસનો મોટો ખેલ થઇ ગયો છે. રવિવારે કલેકટર કચેરીમાં સુનાવણી બાદ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે. સાથે ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ થયું છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ માટે હવે જીતનો માર્ગ વધુ મોકળો થયો છે. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા પછી ગુજરાત કોંગ્રેસના નેતાઓના નિવેદનો સામે આવ્યા છે.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિહં ગોહિલે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા પછી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસનું એક પણ ફોર્મ રદ ન થાય તેના માટે કોંગ્રેસ પાર્ટીએ કાળજી રાખી હતી, પરંતુ કોંગ્રેસના ઉમેદવારનો ફોર્મ રદ થાય તેના માટે આખું ષડયંત્ર રચવામાં આવ્યું છે. ગોહિલે કહ્યું કે, સમગ્ર ગુજરાતમાં ભાજપને જાકારો મળી રહ્યો છે તેનો આ ડર છે.

નવસારી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અને સિનિયર નેતા નૈષધ દેસાઇએ આરોપ લગાવ્યો હતો કે, ચૂંટણી પંચનું આ એક મોટું કાવતરું છે. ભાજપના ઉમેદવારે સત્તાનું નગ્ન પ્રદર્શન કર્યું છે. દેસાઇએ આગળ કહ્યું હતું કે, અમે હાઇકોર્ટમાં ન જઇ શકી તેના માટે અમને ચુકાદાની કોપી પણ આપવામાં નથી આવી. તેમણે કહ્યું કે, નિલેશ કુંભાણી હાઇકોર્ટમાં અરજી કરવા માટે જવા નિકળી ગયા છે. અમારી લીગલ ટીમની કોઇ પણ વાત ધ્યાન પર લેવામાં આવી નથી.

સુરત લોકસભા બેઠક પર ભાજપે મુકેશ દલાલને ઉતાર્યા છે તો કોંગ્રેસે નિલેશ કુંભાણીને ટિકિટ આપી હતી. ગુજરાતમાં 7 મે 2024ના દિવસે મતદાન થવાનું છે એના માટે 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ઉમેદવારોએ ફોર્મ ભરવાના હતા અને 20 એપ્રિલે ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. ચૂંટણી પંચના અધિકારીઓએ એર પત્રમાં કહ્યુ હતું કે, નિલેશ કુંભાણીના ફોર્મમાં જે ટેકેદારોના નામ છે તેમનું એફિડેવીટ મળ્યું છે કે, અમે આ ફોર્મ પર સહી કરી નથી.

[removed][removed]

શનિવારે કલેકટર કચેરીએ હોબાળો મચ્યો હતો અને નિલેશ કુંભાણીએ કલેકટર પાસે 1 દિવસનો સમય માંગ્યો હતો, કારણકે ત્રણેય ટેકેદારો ગાયબ થઇ ગયા હતા. રવિવારે સવારે 9 વાગ્યે કલેકટર ઓફિસમાં સુનાવણી શરૂ થઇ, પરંતુ ટેકેદારો હાજર નહોતા રહ્યા એટલે કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp