દ્રવિડ પછી લક્ષ્મણે પણ ના પાડી! કેમ ભારતના પૂર્વ ખેલાડીઓ કોચ બનવા માગતા નથી

PC: crictips.com

ભારતીય ક્રિકેટ ટીમના આગામી મુખ્ય કોચની રેસ રસપ્રદ બની રહી છે. વર્તમાન કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ 2024 T20 વર્લ્ડ કપ સાથે સમાપ્ત થાય છે, જે જૂનના અંત સુધી ચાલશે. BCCIએ નવા કોચ માટે જાહેરાત બહાર પાડી છે. આગામી કોચનો કાર્યકાળ સાડા ત્રણ વર્ષનો હશે, જે 2027ના અંત સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન, 2025 ચેમ્પિયન્સ ટ્રોફી, 2027 ODI વર્લ્ડ કપ જેવી મોટી ઇવેન્ટ્સ આવશે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતીય ટીમને લાંબા સમય પછી વિદેશી કોચ મળી શકે છે, કારણ કે રાહુલ દ્રવિડ પછી આ પદ માટે સૌથી યોગ્ય ઉમેદવાર માનવામાં આવતા VVS લક્ષ્મણે પણ અરજી કરવાનો ઇનકાર કરી દીધો છે. VVS લક્ષ્મણ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીના હેડ ના પદ પર છે. આવો અમે તમને એવા ત્રણ કારણો જણાવીએ કે, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પદ માટે આવેદન કરવામાં મોટા નામો કેમ ખચકાય છે.

ભારતીય ટીમના મુખ્ય કોચને માત્ર ખેલાડીઓનું સંચાલન કરવાની જ જવાબદારી નથી પરંતુ 125 કરોડથી વધુ પ્રશંસકો, મીડિયા અને ક્રિકેટ અધિકારીઓના ભારે દબાણનો પણ સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, ઘણા મોટા નામો આટલો બધો તણાવ લેવાનું પસંદ કરતા નથી, જ્યાં તેઓ સતત મીડિયાની નજરમાં હોય. જો તમે હારી જાઓ તો આકરી ટીકાનો સામનો કરો. આ ઉપરાંત, ખૂબ ટૂંકા કાર્યકાળમાં વધુ સારા પરિણામો આપવાનું દબાણ પણ છે. ખાસ કરીને, જો ટીમ સારું પ્રદર્શન ન કરે તો તમામ દોષ કોચ પર નાખી દેવામાં આવે છે.

કેટલાક પ્રખ્યાત કોચ પહેલાથી જ અન્ય ટીમો, લીગ અથવા ક્રિકેટ બોર્ડ સાથે સંકળાયેલા હોઈ શકે છે, જેના કારણે તેમના માટે હિતોના સંઘર્ષને કારણે ભારતીય ટીમને કોચ કરવાનું મુશ્કેલ બને છે. ભારતીય ટીમ 12માંથી નવ મહિના ક્રિકેટ રમે છે. એટલે કે કોચ તરીકે તમારે આખું વર્ષ મેદાન પર રહેવું પડશે. પરિવારથી દૂર પણ રહેવું પડે છે. આ દરમિયાન તમે કોઈ અન્ય પ્રકારનું કામ પણ કરી શકતા નથી. ઉમેદવારોને આર્થિક નુકસાન પણ વેઠવું પડી શકે છે.

કેટલાક પ્રખ્યાત કોચ રાષ્ટ્રીય ટીમને કોચિંગ આપવાને બદલે IPL જેવી T-20 ટૂર્નામેન્ટનું કોચિંગ પસંદ કરે છે, જે માત્ર થોડા મહિનાઓ સુધી જ નહીં, પરંતુ તેમાં મળતા પૈસા અને પુરસ્કારો પણ આકર્ષક હોય છે. કદાચ આ જ કારણ છે કે, હવે ઈંગ્લેન્ડ, પાકિસ્તાન જેવી ઘણી ટીમો અલગ-અલગ ફોર્મેટ માટે અલગ-અલગ કોચની ફોર્મ્યુલા હેઠળ કામ કરી રહી છે. જ્યારે વિદેશી કોચ ભારત આવે છે, ત્યારે તેને અહીંની જીવનશૈલી અને સંસ્કૃતિને અનુરૂપ થવામાં સમય લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp