13 ઓવર સુધી મેચ અમારા હાથમાં હતી...ઋતુરાજે જણાવ્યું હારનું કારણ

PC: bcci.tv

સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસની 63 બોલમાં 124 રનની અણનમ ઈનિંગના આધારે IPLની 39મી મેચમાં લખનઉ સુપરજાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 3 બોલ બાકી રહેતા 6 વિકેટથી હરાવ્યું હતું. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની અણનમ સદી અને શિવમ દુબે સાથે ચોથી વિકેટ માટે 46 બોલમાં 104 રનની શાનદાર ભાગીદારીથી ચેન્નાઈએ 4 વિકેટે 210 રનનો મોટો સ્કોર નોંધાવ્યો હતો, પરંતુ LSGએ 19.3 ઓવરમાં 4 વિકેટે 213 રન બનાવી અને આ યાદગાર મેચ જીતી લીધી હતી. મેચ પછી ગાયકવાડે કહ્યું હતું કે, તેમના માટે હાર પચાવવી મુશ્કેલ હતી. રુતુરાજે કહ્યું કે, 13મી ઓવર સુધી મેચ તેમના નિયંત્રણમાં હતી, પરંતુ તે પછી સ્ટોઈનિસે CSK પાસેથી જીત છીનવી લીધી હતી.

LSG સામેની હારથી નિરાશ થયેલા ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે કહ્યું કે, ઝાકળને કારણે બોલરો માટે સ્થિતિ ઘણી મુશ્કેલ હતી. ઋતુરાજે 108 રનની અણનમ ઇનિંગ રમીને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી હતી, પરંતુ માર્કસ સ્ટોઇનિસે શાનદાર રમત રમીને જીત છીનવી લીધી હતી. વર્તમાન સિઝનમાં ઘરઆંગણે CSKની આ પ્રથમ હાર છે.

ઋતુરાજે મેચ પછી કહ્યું, 'આ હારને પચાવવી મુશ્કેલ છે. લખનઉએ અંતે સારી વાપસી કરી હતી. આ મેચ 13મી ઓવર સુધી અમારા નિયંત્રણમાં હતી પરંતુ શ્રેય સ્ટોઇનિસને આપવો પડશે. આ હારમાં ઝાકળની મોટી ભૂમિકા હતી. આ કારણે અમે સ્પિનર્સનો ઉપયોગ કરી શક્યા નહીં. પરંતુ આ રમતનો એક ભાગ છે અને આ વસ્તુઓ પર તમારું કોઈ નિયંત્રણ નથી.'

CSK માટે, ઋતુરાજ ગાયકવાડે 60 બોલમાં તેની અણનમ ઇનિંગમાં 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. દુબેએ 27 બોલમાં પોતાની ઝડપી ઈનિંગમાં સાત સિક્સર અને ત્રણ ફોર ફટકારી હતી. બંનેની શાનદાર ભાગીદારીથી ટીમ પાવર પ્લેમાં ધીમી બેટિંગ (બે વિકેટે 49) પર કાબુ મેળવવામાં સફળ રહી હતી. પ્લેયર ઓફ ધ મેચ સ્ટોઇનિસે 63 બોલમાં તેની અણનમ ઇનિંગમાં 13 ચોગ્ગા અને છ છગ્ગા ફટકારીને લક્ષ્યનો પીછો કરીને IPLનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર બનાવ્યો હતો. આ સાથે ચેન્નાઈના મેદાનમાં લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરતા LSGએ સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો.

ઋતુરાજ ગાયકવાડે પોતાની ટીમના સ્કોરનો બચાવ કરતા કહ્યું, 'પ્રથમ બેટિંગ કરીને અમે આનાથી મોટા સ્કોરની અપેક્ષા રાખી શકતા ન હતા. પરંતુ મને અંગત રીતે લાગ્યું કે, અમે પૂરતો સ્કોર કર્યો ન હતો. સારી બેટિંગ માટે લખનઉને ક્રેડિટ આપવી જોઈએ.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp