રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા રાજ્ય સરકાર કટીબદ્ધઃ CM વિજય રૂપાણી

PC: Khabarchhe.com

ગુજરાત સરકારે રાજ્યમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવા તથા તેમની સુખ સુવિધામાં વધારો કરવા માટે નિયમિત ધોરણે પ્રવાસન સ્થળો અને યાત્રાધામો ખાતે વિવિધ વિકાસ કાર્યો શરૂ કર્યાં છે. આ અંતર્ગત પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે શ્રદ્ધાળુઓની સગવડમાં વધારો કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા લગભગ રૂ 12 કરોડના ખર્ચે કરાયેલા તબક્કાવાર વિકાસકાર્યોનું તાજેતરમાં પ્રવાસન મંત્રી જવાહર ચાવડા, પ્રવાસન સચિવ મમતા વર્મા (IAS) અને ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લીમીટેડના મેનેજીંગ ડીરેકટર જેનુ દેવન (IAS)ની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું.

દર વર્ષે ગુજરાત અને સમગ્ર ભારતમાંથી લાખોની સંખ્યામાં યાત્રાળુઓ પવિત્ર યાત્રાધામ ડાકોરની મુલાકાત લે છે તથા તેમની સુવિધા માટે ડાકોર મંદિર અને આસપાસના વિસ્તાર જેમકે ગોમતી ઘાટ અને ગાંધી પાર્કનો વિકાસ કરાયો છે. અંબાવાડી વિસ્તારના વિકાસ અંતર્ગત જેટ્ટી, ઘાટ, છત્રી, વોકવે અને ફ્લોટિંગ જેટ્ટી તૈયાર કરાઇ છે તથા ચરણ પાદુકા બ્રિજનું પણ નવીનીકરણ કરાયું છે. ગાંધી ટેકરી વિસ્તારના વિકાસ હેઠળ અહીં જેટ્ટી, ઘાટ, છત્રી અને ફ્લોટિંગ જેટ્ટી બનાવવામાં આવી છે. ગાંધીપાર્કમાં પ્રવેશ દ્વાર, રેસ્ટરૂમ, હવા મહલ, છત્રી, ફ્લોટિંગ જેટ્ટી, પાર્કિંગ, ગાર્ડન ડેવલપમેન્ટ, વોક-વે, બાળકો માટે રમત-ગમત વિસ્તાર તૈયાર કરાયો છે. વધુમાં ડાકોરમાં વીજળીના થાંભલા અને લાઇટ ફિક્ષચર સંબંધિત પણ કામગીરી કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રવાસન વિભાગે પ્રવાસન અને તીર્થધામોના વિકાસને વેગ આપીને રાજ્યને વર્લ્ડ ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીની કટીબદ્ધતાને બળ આપ્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિવિધ પ્રોજેક્ટ્સના ઝડપી આયોજન અને અમલીકરણથી રાજ્ય પ્રત્યે પ્રવાસીઓનું આકર્ષણ વધ્યું છે અને તેની સકારાત્મક અસર સ્થાનિક સમુદાય ઉપર જોવા મળી છે. આ લોકાર્પણ પ્રસંગે પ્રવાસન મંત્રી ઉપરાંત સ્થાનિક નગરપાલિકાના અધિકારીઓ તથા મંદિર ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp