ચીનમાં શી જિનપિંગના રાજીનામાની માગણી સાથે લોકો રસ્તા પર કેમ ઉતર્યા?

PC: oneindia.com

ચીનની કડક 'ઝીરો-કોવિડ' નીતિ સામે 26 નવેમ્બરની રાત્રે શાંઘાઈ શહેરમાં ભારે વિરોધ ફાટી નીકળ્યો હતો. આ વિરોધ સાથે જોડાયેલા કેટલાય વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં ચીન સરકાર દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધો વિરુદ્ધ સૂત્રોચ્ચાર જોવા મળી રહ્યા છે.

ચીનના ઉરુમકીમાં એક એપાર્ટમેન્ટમાં આગ લાગવાથી 10 લોકોના મોત અને 9 લોકો ઘાયલ થયા બાદ 25 નવેમ્બરે વિરોધ શરૂ થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કડક લોકડાઉનને કારણે અગ્નિશામકોને એપાર્ટમેન્ટમાં લાગેલી આગના પીડિતો સુધી પહોંચવામાં વિલંબ થયો હતો. આ પછી વિરોધ શરૂ થયો. મોટી સંખ્યામાં ચીની નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

DW ન્યૂઝ ઇસ્ટ એશિયાના રિપોર્ટર વિલિયમ યાંગે પ્રદર્શન વિશે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો. આમાં લોકોએ 'ઉરુમકી રોડ' પર શી જિનપિંગ અને ચીની કમ્યુનિસ્ટ પાર્ટી (CCP) વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોએ 'કમ્યુનિસ્ટ પાર્ટી કો હટાઓ', 'કોમ્યુનિસ્ટ પાર્ટી પોસ્ટ છોડો' અને 'શી જિનપિંગ પદ છોડો' જેવા નારા લગાવ્યા હતા.

વિલિયમ યાંગ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં લોકો નારા લગાવી રહ્યા છે,

'મારે PCR ટેસ્ટ નથી જોઈતો, મારે આઝાદી જોઈએ છે.' અન્ય એક ટ્વિટમાં વિલિયમ યાંગે લખ્યું, 'ઉરુમકી રોડ'ના લોકોએ શિનજિયાંગમાં પણ લોકડાઉન ખતમ કરવાની હાકલ કરી.

અન્ય એક ટ્વિટમાં, તેણે એ પણ ખુલાસો કર્યો કે શાંઘાઈમાં એક વિરોધ સ્થળ પર લોકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ટ્વીટમાં વિલિયમ યાંગે વધુમાં કહ્યું કે,

'પોલીસે શાંઘાઈમાં ઘટનાસ્થળે કેટલાક દેખાવકારોને ઘેરી લીધા હતા અને કેટલીક મહિલાઓને કથિત રીતે ઉપાડી લેવામાં આવી હતી.' લોકોએ 'સ્ટેપ ડાઉન CCP'ના નારા પણ લગાવ્યા હતા.

જ્યારે, ધ નેશનલના વરિષ્ઠ અમેરિકન સંવાદદાતા જોયસ કરમે પણ તેના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. કરમે લખ્યું,

'કોવિડ પ્રતિબંધો અને સરકારી નિયમોને લઈને ચીનના સૌથી મોટા શહેરમાં ભાગ્યે જ શરુ થતાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે. આ વીડિયોમાં ભીડ 'અમને આઝાદી જોઈએ છે'ના નારા લગાવી રહ્યા છે.

રિપોર્ટર ગીતા મોહને પણ આ વિરોધ પર ટ્વીટ કરીને કહ્યું કે,

આ ચીનનું શાંઘાઈ છે. લોકો રાષ્ટ્રપતિ શી જિનપિંગને પદ છોડવા અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની સત્તાનો અંત લાવવાની માંગ કરી રહ્યા છે.

અંગ્રેજી અખબાર 'ધ હિંદુ'ના રિપોર્ટર અનંત કૃષ્ણને ટ્વીટ કરીને કહ્યું કે,

બેઇજિંગ અને ઉરુમકીથી લઈને ગુઆંગઝુ અને હવે શાંઘાઈ સુધી ચીનના શહેરોમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ એક હેડલાઇન છે જે મેં ચીનમાં 10 વર્ષથી વધુ સમયથી રિપોર્ટિંગ કરતી વખતે લખી નથી.

તેણે આગળ લખ્યું,

'ચીની શહેરોમાં ચાલી રહેલા વિરોધનો અંત ક્યાં આવશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ તે સ્પષ્ટ છે કે આ પ્રદર્શનો અભૂતપૂર્વ છે અને શી જિનપિંગના માટે અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર છે.'

અહીં તમને જણાવી દઈએ કે, ચીનમાં કોરોનાના કેસ વધતાની સાથે જ સરકારે ઘણા શહેરોમાં લોકડાઉન કરી દીધું છે. પરંતુ કડક લોકડાઉન હોવા છતાં, કોરોનાવાયરસના દૈનિક નોંધાયેલા કેસો ગયા વર્ષના સ્તરને વટાવી ગયા છે. આ કારણે ઘણા લોકો કહી રહ્યા છે કે 'ઝીરો-કોવિડ પોલિસી' નિષ્ફળ ગઈ છે. 25 નવેમ્બરના રોજ, ચીનમાં કોરોના વાયરસના ચેપના 35,000થી વધુ નવા કેસ નોંધાયા હતા, જે સતત ત્રીજા દિવસે સૌથી વધુ હતા. આ જ કારણ છે કે હવે લોકોએ શી જિનપિંગ અને ચીની સરકાર સામે રસ્તાઓ પર દેખાવો શરૂ કરી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp