સેક્સ અને સમાજ : શરમ કરો શરમ

હાર્દિક પટેલની કથિત સીડીના સમાચાર ન્યૂઝ ચેનલોમાં પ્રસારિત થયા એને પગલે અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા. એક તો રાજકીય મુદ્દે ચર્ચા થઈ કે સીડી સાચી છે કે બનાવટી, સીડી કોણે બનાવી, ચેનલને કોણે આપી, ચેનલોએ એની સચ્ચાઈ ચકાસ્યા વિના દર્શકોને એ બતાવવી જોઈએ કે નહિ વગેરે. હાર્દિકના સમર્થકોએ એવો આક્ષેપ કર્યો કે ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પક્ષે આ ષડ્યંત્ર રચ્યો છે. એની સામે ભાજપે હાર્દિકના ચારિત્ર્ય ખંડિત કરતાં નિવેદનો કરીને પાટીદાર  સમાજને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો. આમાં વળી કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે એવું નિવેદન કર્યું કે હાર્દિકમાં સરદારનું ડીએનએ છે. આને પગલે આજે શક્તિસિંહના પૂતળા બાળવામાં આવ્યા અને બીજા કંઈક નાટકો થયા.

અલબત્ત, પ્રશ્નો ઊઠાવવામાં આવ્યા હતા એ મહત્ત્વના હતા, પરંતુ આખા એપિસોડમાં સૌથી અગત્યનો મુદ્દો અલગ જ હતો અને એને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. એ મુદ્દો છે ન્યૂઝ ચેનલોની વ્યાવસાયિક અણઆવડત અને સામાજિક તંદુરસ્તીનો છે. મુખ્ય પ્રશ્ન એ પુછાવો જોઈએ કે પરિવારના બધા સભ્યો સાથે બેસીને માધ્યમ દ્વારા મનોરંજન કાર્યક્રમ કે સમાચાર જોતાં હોય એમાં શું નિરંકુશપણે આવી ઓન્લી ફોર એડલ્ટ ગણી શકાય એવી સીડી બતાવી શકાય?

હાર્દિકની કથિત સીડી વિશેના સમાચાર આપતી વખતે સીડી અવારનવાર દર્શાવવામાં આવી એટલું જ નહિ, એ સમાચાર વિશેની ચર્ચા દરમિયાન એ સીડી સતત ચાલુ રાખવામાં આવતી હતી. કથિત સેક્સ સીડી જાણે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમની હોય એવી સાહજિકતાથી દર્શાવવામાં આવતી હતી. પ્રશ્ન ફક્ત એજ છે કે શું એ યોગ્ય હતું? મારા તરફથી 'ના' છે.  યુ આર આઉટ.

આપણે ત્યાં સેક્સની વાત થાય ત્યારે અધકચરું જ્ઞાન ધરાવતા લોકો પોતાની આગવી ફિશિયારી ઠોકવા સજ્જ થઈ જાય છે. ક્યાંકથી ઉધાર લીધેલાં વિચારોને અણઘડ રીતે રજૂ કરવાની એમને તક મળી જાય છે અને એમાંથી ખોખલો આનંદ લેવા માટે તેઓ ઉત્સુક બની જાય છે. સેક્સના વિષયમાં પોતે બહુ જ બ્રોડ માઈન્ડેડ છે અને પોતાના વિચારો એકદમ આધુનિક છે એવું દર્શાવવામાં તેઓ ગૌરવ અનુભવવા માંડે છે. માણસના વિચારો ખરેખર આધુનિક હોય તો એ ડેફિનેટલી ગૌરવ લેવા જેવી વાત છે, પરંતુ એ જેન્યુઇનલી આધુનિક હોવા જોઈએ, એમાં તર્ક હોવો જોઈએ અને વાત ગળે ઊતરે એવી હોવી જોઈએ.

સેક્સનો વિષય આવે ત્યારે સૂડો મોડર્ન લોકો જાહેર કરી દે કે આ બાબતમાં કોઈપણ પ્રકારનો છોછ ન રાખવો જોઈએ. જુનવાણી વિચારોને ફગાવી દો, બધા જ સંકોચ અને શરમ છોડી દો. સેક્સ એ કુદરતની દેન છે, ઈશ્વરે આપેલું વરદાન છે, વગેરે વગેરે. આવી વાતો કરતાં કરતાં તેઓ સાવ જડભરત બની જાય છે અને સાચાખોટા વચ્ચેનો ફરક ભૂલી જાય છે.

મૂળ વાત પર આવીએ તો સેક્સ પરત્વેના આપણા અભિગમના વિવિધ પાસાને આપણે સમજવા જોઈએ. આમાંના બે મુખ્ય પાસાને સારી રીતે સમજી લેવા જોઈએ. સેક્સ  વિશે પહેલી એ વાત સમજવાની જરૂર છે કે સેક્સ એક કુદરતી આવેગ છે અને સ્ત્રી-પુરુષની એક મુખ્ય જરૂરિયાત છે. પ્રજનન માટે એ જરૂરી છે અને એ આનંદનું પણ એક સાધન છે. આ સીધી સાદી હકીકતો સદીઓથી માણસ જાણે છે, છતાં સેક્સને માણસે એક ખાનગી, પ્રાઇવેટ પ્રવૃત્તિ રાખવાનું નક્કી કર્યું છે. કુટુંબ વ્યવસ્થા અમલમાં આવી ત્યારથી કદાચ આવો અભિગમ અપનાવવામાં આવ્યો હશે. સેક્સના અતિરેક અથવા એના નિરંકુશપણાને કારણે સામાજિક વ્યવસ્થા પર થનારા સંભવિત જોખમને કારણે સેક્સને એક ટેબુ, એક પ્રતિબંધિત વિષય માનવાનું શરૂ થયું. મૂળ કારણો ભુલાઈ ગયા અને સેક્સ વિશેની ગોપનીયતા વધતી ગઈ. પછી તો વિવિધ સંસ્કૃતિઓ અને સ્ત્રી પુરુષ વચ્ચેની વધી ગયેલી અસમાનતાને કારણે સેક્સ માટેનો ટેબુ વધુ સજ્જડ બનતો ગયો. વધુ પડતી ગુપ્તતાને કારણે સેક્સ વિશેની ગેરસમજણો પેદા થઈ અને એ જડ બનતી ગઈ, એટલે સુધી કે સેક્સ વિશેની ગેરસમજણો અને ખોટી માન્યતાઓને લોકો સેક્સ વિશેની સચ્ચાઈ માનવા લાગ્યા. સેક્સ વિશેનું અજ્ઞાન ચારે તરફ ફેલાઈ ગયું. આવા અજ્ઞાનને કારણે લોકોને ઘણું નુકસાન થયું અને હજુ પણ થઈ રહ્યું છે.

આજે આપણે સેક્સ વિશે વાત કરીએ ત્યારે આ બાબતે ફેલાયેલા અજ્ઞાન અને ગેરસમજણોને દૂર કરવાની દિશામાં વિચારવાનું હોય. આ સંદર્ભમાં જરૂર ખુલ્લાપણુ દાખવવાનું હોય. જુનવાણી વિચારો અને માન્યતાઓને ફગાવી દેવાની હોય. જરૂર પડે ત્યાં શરમ અને સંકોચ છોડી દેવાના હોય. દા.ત. કોન્ટ્રાસેપ્ટીવ્સ એટલે કે ગર્ભનિરોધક દવાઓ અને સાધનો વિશે જાણકારી ન ધરાવતા લોકોને એ વિશે  માહિતગાર કરવાનું જરૂરી છે અને એમાં કોઈ છોછ ન રાખવાનો હોય. એ જ રીતે લગ્ન પૂર્વના, પારસ્પરિક સમજૂતીથી થતાં જાતીય સંબંધોને સ્વીકારવાની બાબતે પણ આધુનિક અભિગમ રાખી શકાય. પુખ્ત વયના સ્ત્રી-પુરુષો શૃંગારીક લખાણો વાંચે કે એવી ફિલ્મો જોવે તો એને પણ આધુનિક અભિગમ તરીકે સ્વીકારી શકાય અને લગ્નેત્તર સંબંધો બાંધે એને પણ બ્રોડ માઈન્ડેડનેસની વ્યાખ્યામાં ખપાવી શકાય, પરંતુ એક વાતને આધુનિકતા તરીકે ક્યારેય ન સ્વીકારી શકાય. બોલો કઈ?

સેક્સને ગુપ્ત, ખાનગી રાખવાનું જે નક્કી થયું હતું એ વાત ક્યારેય ભુલાવી ન જોઈએ. સ્ત્રી-પુરુષ વચ્ચેની જાતીય આત્મીયતા બહુ જ ખાનગી બાબત છે. આવી રતિક્રીડાનું જાહેરમાં પ્રદર્શન ન થવું જોઈએ. હવે સેક્સ વિશે તમે જ્યારે પણ કોઈ સંયમ કે મર્યાદાની વાત કરો એટલે તરત જ તમને જુનવાણી અને પછાતમાં ખપાવવાનો બિઝનેસ શરૂ થઈ જાય. કંઈ જ જોયા જાણ્યા વિના સૂડો આધુનિકો એવી ટીકા કરવા માંડે કે સેક્સને બંધિયાર રાખવાથી જ વિકૃત બને છે, સેક્સનું જેટલું દમન કરશો એટલાં જ જોરથી એ સ્પ્રિંગની જેમ પાછી ઉછાળશે. આ લોકો કામશાસ્ત્ર અને પ્રાચીન શૃંગારીક કાવ્યોના રેફરન્સ આપશે અને પોતાની પિપૂડી વગાડતા રહેશે. તેઓ મૂળ વાત નહિ સમજે કે આપણને સેક્સ અને શૃંગાર સામે વાંધો નથી, એના બિભત્સ જાહેર પ્રદર્શન સામે છે.

આપણે એ વાત સ્વીકારીએ છીએ કે આજના યુગમાં ઘણું બધું બદલાઈ ગયું છે. શૃંગારીક કાવ્યોની જગ્યાએ ફિલ્મો, વીડિયો અને ડીવીડી આવી ગઈ છે. ઇન્ટરનેટ પર પોર્ન વેબસાઈટસ આવી ગઈ છે. મોટાભાગનું બહુ જ સરળતાથી અને પ્રમાણમાં સસ્તામાં ઉપલબ્ધ છે. નાગરિકોને પોતાની ઇચ્છા મુજબનું મનોરંજન મેળવવાને આડે સરકાર પણ નથી આવી શકતી. બધું ખૂબ ખૂબ બદલાઈ ગયું છે, બધું અલ્ટ્રા મોડર્ન બની ગયું છે. આમ છતાં એક વાત હજુ નથી બદલાઈ. આપણી ફેમિલી વેલ્યુઝ નથી બદલાઈ, પારિવારિક મૂલ્યો નથી બદલાયા. સેક્સને લગતી વાતો, એના જાહેર પ્રદર્શન સામે જે વાંધો હતો એ આ પારિવારિક મૂલ્યોને કારણે હતો. આપણે નક્કી કર્યું હતું કે સેક્સને લગતું  બધું જ ખાનગી રાખવામાં આવશે, કારણ કે જો આનું જાહેરમાં પ્રદર્શન થાય તો પછી પરિવારની મર્યાદા કે સંબંધોની ગરિમા જેવું કંઈ ન રહે, આખો સમાજ વેરવિખેર થઈ જાય. આપણા પૂર્વજોએ બહુ સાચું વિચાર્યું હતું.

નવી પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે ટેક્નોલૉજીના વિકાસના કારણે મનોરંજનના નવાં માધ્યમો વિકસ્યા છે. ટેક્નોલૉજીનો આપણે અન્ય રીતે લાભ લઈએ છીએ એમ મનોરંજનના માધ્યમોનો પણ લાભ લઈએ છીએ. આપણે ફિલ્મો જોઇએ છીએ, ટીવી જોઇએ છીએ, ડીવીડી જોઇએ છીએ. મનોરંજન પીરસતી ઇન્ટરનેટની વેબસાઈટ્સ આવી ગઈ છે અને પોર્ન વેબસાઈટ્સ પણ આવી ગઈ છે. આ બધા જમેલામાં કેટલીક મૂળભૂત વાતો ભુલાઈ ગઈ છે. પ્રૉબ્લેમ ફક્ત એટલો જ છે.

એ ખરું કે પુખ્ત વ્યક્તિને પોતાની ઇચ્છા પ્રમાણે કોઈ પણ માધ્યમથી મનોરંજન મેળવવાનો હક છે અને એવું મનોરંજન પીરસનાર વ્યક્તિને એનો વેપાર કરવાનો હક્ક છે. શરત ફક્ત એ હોવી જોઈએ કે ફક્ત પુખ્ત વયના લોકો માણી શકે એવા મટિરિયલનું પ્રદર્શન એવા સાર્વજનિક માધ્યમ દ્વારા ન થવું જોઈએ, જે માધ્યમ પરિવારના સભ્યો સાથે બેસીને નિહાળી રહ્યા હોય. પુખ્ત વયના લોકો માટે બનાવવામાં આવેલી ફિલ્મો ફક્ત એડલ્ટ લોકો જ થિયેટરમાં જઈને જોતાં હોય છે. પોર્ન વેબસાઈટ્સ કદાચ નાની વયના તરુણો પણ જોઇ લેતાં હશે, પરંતુ એમાં પારિવારિક મૂલ્યો જોખમાય એવી સમસ્યા પેદા નથી થતી. ખરી સમસ્યા અને મૂંઝવણભરી સ્થિતિ ત્યારે પેદા થાય જ્યારે પરિવારના સાથે બેસીને કોઈ ન્યૂઝ ચેનલ જોઇ રહ્યા હોય અને અચાનક હાર્દિકની કથિત સીડી અથવા એવું કોઈ મટિરિયલ સ્ક્રીન પર દેખાવા લાગે. આ વાત આપણને ક્યારેય સ્વીકાર્ય નથી રહી અને રહેશે નહીં. પરિવાર ગમે એટલો મોડર્ન હોય, પરિવારના સભ્યો સાથે બેસીને રતિક્રીડાના દૃશ્યો માણે એવો જમાનો હજુ આવ્યો નથી અને ક્યારેય આવશે નહીં. પશ્ચિમ જગતમાં ભલે ગમે તેટલી આધુનિકતા હોય અને ખુલ્લાપણુ પ્રવર્તતું હોય, છતાં ત્યાં જાતીય સમાગમ બંધ બારણે જ થાય છે. પશ્ચિમના દેશોમાં પણ કોઈ પરિવારના સભ્યો સાથે બેસીને પોર્નોગ્રાફી નથી જોતાં.

આથી જ, ન્યૂઝ ચેનલો પર હાર્દિકની કથિત સીડી અથવા એવું મટિરિયલ દર્શાવવાનું વાંધાજનક ગણાય. ઓબ્જેક્શન મિ. લોર્ડ.

Related Posts

Top News

હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

રાહુલ ગાંધીની અત્યાર સુધી કોંગ્રેસ નેતાઓએ ચાપલૂસી કરી હોય તેવી વાત સામે નહોતી આવી, પરંતુ લાગે  છે કે સામાન્ય...
Politics 
હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને જનસૂરાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોર એક જ રસ્તાના મુસાફર બની ગયા હોય એવું...
Politics 
અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ

ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટેસ્ટ સિરીઝની પાંચમી અને નિર્ણાયક મેચ  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરૂ થઈ છે. આ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર...
Sports 
ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?

ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારત પર 25 ટકા ટેરિફ નાંખવાની અને 1 ઓગસ્ટથી અમલ કરવાની જાહેરાત કરી. ટ્રમ્પના આ ટેરિફની સૌથી...
Business 
ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.