- Opinion
- નસીબવંતા હોય છે એ લોકો જેમના નસીબમાં પિતા સમોવડો ભાઈ હોય છે
નસીબવંતા હોય છે એ લોકો જેમના નસીબમાં પિતા સમોવડો ભાઈ હોય છે
(ઉત્કર્ષ પટેલ)
મારા મને ભાઈ એટલે માત્ર લોહીનો કુટુંબી સંબંધ જ નહીં પરંતુ એક એવો સંબંધ જે પ્રેમ, રક્ષણ અને માર્ગદર્શનનું પ્રતીક હોય છે. ભાઈ એવો સંરક્ષક છે જે જાણે છે કે ક્યારે, કેવી રીતે અને કેટલણપ્રમાણમાં પિતાની ભૂમિકા નિભાવવી. ભારતીય સંસ્કૃતિમાં ભાઈનું સ્થાન અદભૂત છે જે શ્રી રામ-લક્ષ્મણ અને શ્રી કૃષ્ણ-બલરામ જેવા દૃષ્ટાંતો દ્વારા સમજી શકાય છે. આ બંધનો એવા પ્રેરણાસ્ત્રોત છે જે આજે સૌ ભાઈઓને પ્રેમ, નિષ્ઠા અને ફરજનું મૂલ્ય શીખવે છે.
શ્રી રામ અને લક્ષ્મણનો સંબંધ એક ભાઈની નિષ્ઠા અને બીજાના રક્ષણનું ઉદાહરણ છે. શ્રી રામ એક મોટા ભાઈ તરીકે લક્ષ્મણ માટે પિતા સમાન હતા. તેમણે લક્ષ્મણને માર્ગદર્શન આપ્યું પરંતુ લક્ષ્મણે પણ પોતાની ફરજ નિભાવી અને વનવાસમાં રામની સાથે રહી તેમનું રક્ષણ કર્યું. આ બંધન/સબંધ દર્શાવે છે કે ભાઈની ભૂમિકા માત્ર રક્ષણ આપવાની નથી પરંતુ એકબીજાને સમજવાની અને સાથે ઉભા રહેવાની પણ છે. લક્ષ્મણની રામ પ્રત્યેની નિષ્ઠા એ બતાવે છે કે ભાઈઓ વચ્ચેનો આત્મીય વિશ્વાસ અને પ્રેમ કોઈ પણ પરિસ્થિતિમાં અડગ રહે છે.
-copy13.jpg)
આવી જ રીતે શ્રી કૃષ્ણ અને બલરામનો સંબંધ પણ પ્રેરણાદાયી છે. બલરામ મોટા ભાઈ તરીકે શ્રી કૃષ્ણના રક્ષક અને માર્ગદર્શક હતા. તેમણે કૃષ્ણની બાળલીલાઓથી લઈને મહાભારતની યુદ્ધભૂમિ સુધી હંમેશા તેમનો સાથ આપ્યો. બલરામની શક્તિ અને શ્રી કૃષ્ણની બુદ્ધિનનો સમન્વય એ દર્શાવે છે કે ભાઈઓ એકબીજાની શક્તિ બની શકે છે. બલરામે શ્રી કૃષ્ણને પિતા જેવું રક્ષણ આપ્યું પરંતુ શ્રી કૃષ્ણની ચતુરાઈએ બલરામને પણ એક ઓળખ આપી. આ બંધન બતાવે છે કે ભાઈઓ વચ્ચેનો સંબંધ પરસ્પર આદર અને સમજણ પર ટકેલો હોય છે.
આજના કલયુગે ભાઈની ભૂમિકા વધુ અગત્યની અને વ્યાપક બની છે. આધુનિક જીવનની સ્વાર્થની દોડધામમાં ભાઈ એક એવો સાથી છે જે મુશ્કેલીમાં હાથ પકડે છે, સપનાંઓને પાંખો આપે છે અને જરૂર પડે ત્યારે પિતા જેવી જવાબદારી નિભાવે છે. શ્રી રામ-લક્ષ્મણ અને શ્રી કૃષ્ણ-બલરામના આ દૃષ્ટાંતો આપણને શીખવે છે કે ભાઈનો સંબંધ માત્ર કહેવા પૂરતા નથી પરંતુ એક જવાબદારી, વિશ્વાસ અને પ્રેમનું બંધન છે. આ બંધનને મજબૂત કરીને આપણે સૌ વ્યક્તિગત જીવનની પ્રત્યેક લડાઈમાં એકબીજાની શક્તિ બની શકીએ છીએ.
જો કોઈને ભાઈ નથી તો એક એવો ભાઈબંધ શોધજો જે ભાઈ સરીખો હોય. જે ભાઈ બનીને તો જીવે પણ ભાઈ હોવાનું પૂરવાર પણ કરે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે.)

