- Opinion
- ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
(ઉત્કર્ષ પટેલ)
ગુજરાતમાં વર્ષોથી ભાજપ સરકારનું શાસન ચાલી રહ્યું છે. PM મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજરાતના મતદારોમાં એમના પ્રત્યેની લાગણી અને વિશ્વાસમાં અનુક્રમે વધારો થતો રહ્યો અને આજે 2025માં પણ એ વિશ્વાસ બહુમત અડીખમ રહ્યો છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને રેકોર્ડબ્રેક 156 બેઠકો અને 52.5%થી વધુ મતો મળ્યા હતા જે આ વિશ્વાસનું સીધું પ્રમાણ છે.
ગુજરાતના મતદારોનો PM મોદી પરનો વિશ્વાસ અને ભાજપની વિકાસલક્ષી નીતિઓનું અમલીકરણ સરકાર માટે અગત્યની ભૂમિકા ભજવી રહ્યા છે. ગુજરાત આજે દેશમાં ઔદ્યોગિક વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અગ્રેસર છે. ગીફ્ટ સિટી, સેમિકન્ડક્ટર પોલિસી, રિન્યુએબલ એનર્જીમાં રોકાણ તથા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જેવા પ્લેટફોર્મે રાજ્યને વૈશ્વિક સ્તરે સ્થાપિત કર્યું છે.
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સરકારના કાર્યમાં રહી જતી ઉણપો વિશે જ્યારે જ્યારે કોઈ આંદોલનાત્મક કે ઉગ્રતાપૂર્વક રજૂઆતો કરે છે ત્યારે સરકાર જો કોઈક ઉણપ રહી ગઈ હોય તો તુરંત સક્રિય થાય છે અને એનો પ્રજાના હિતમાં ઉકેલ લાવે છે. સજાગતા ગુજરાત સરકારનું એક હકારાત્મક પાસું છે. જોકે નાનામોટા આંદોલનોથી વિરોધપક્ષને ગુજરાતમાં ફાવતું જણાઈ રહ્યું નથી કારણ કે મતદાર વિકાસ અને સ્થિરતાને મહત્ત્વ આપે છે.

PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંકને વિરોધપક્ષનું કોઈ નેતૃત્વ તોડી શક્યું નથી એ વાત મહત્વની છે જે લોકસભા કે વિધાનસભાની બહુમત ચૂંટણીઓના પરિણામો પરથી સમજી શકાય છે.
ગુજરાત સરકાર માટે મતદારોની PM મોદી સાથે જોડાયેલી લાગણીઓની કાળજી રાખવી અતિ આવશ્યક બાબત છે અને ગુજરાતને અવિરત વિકાસના પંથે આગળ વધારવું એ પણ જરૂરી છે. જો આ બંનેનું સંતુલન જળવાઈ રહ્યું તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં પણ ગુજરાતના મતદારો ભાજપને જ બહુમત આપશે એમાં કોઈ શંકાનું સ્થાન નથી.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

