- Opinion
- Gen Z ને રાજકારણીઓ અને વિચારધારાઓ પોતાના એજન્ડા માટે ઉપયોગ કરવા માંગે છે
Gen Z ને રાજકારણીઓ અને વિચારધારાઓ પોતાના એજન્ડા માટે ઉપયોગ કરવા માંગે છે
(ઉત્કર્ષ પટેલ)
આજના ડિજિટલ યુગમાં Gen Z એટલે કે ૧૯૯૭ પછી જન્મેલા યુવાનો ઘણીવાર રાજકીય ઉપદ્રવના કાચા માલ તરીકે જોવામાં આવે છે. કેટલાક રાજકારણીઓ અને વિચારધારાઓ તેમને પોતાના એજન્ડા માટે ઉપયોગ કરવા માંગે છે. તેમને ભડકાવીને વિરોધ પ્રદર્શનો, સોશિયલ મીડિયા કેમ્પેઈન અને વિદેશી વિચારધારાઓના પ્રચારમાં ધકેલવાના પ્રયાસ થાય છે. પરંતુ ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો આ પેઢી પોતાની ગુજરાતની સાંસ્કૃતિક જડો સાથે જોડાયેલી રહીને સ્ટાર્ટઅપ અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આનું મુખ્ય કારણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા જેમણે ગુજરાતથી શરૂ કરીને આખા દેશને આત્મનિર્ભરતાનો મંત્ર આપ્યો છે.

ગુજરાત જે વેપાર અને ઉદ્યોગનું કેન્દ્ર છે તેમાં Gen Z યુવાનો પીએમ મોદીના વિઝનથી પ્રેરિત થઈને પોતાની સાંસ્કૃતિક વારસાને આધારે આગળ વધી રહ્યા છે. અહીંના યુવાનો ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સક્રિય છે. તેઓ ડિજિટલ માર્કેટિંગ, એઆઈ અને ગ્રીન ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં પરિવર્તન લાવી રહ્યા છે. પીએમ મોદીના 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' અને 'મેક ઇન ઇન્ડિયા' જેવા અભિયાનોથી પ્રેરિત થઈને અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં હજારો યુવા સ્ટાર્ટઅપમાં જોડાયા છે. તેઓ માતૃભાષા ગુજરાતીમાં કન્ટેન્ટ ક્રિએશન કરીને વૈશ્વિક બજારમાં પ્રવેશ કરી રહ્યા છે. આ ઉપરાંત વડોદરા અને રાજકોટમાં સ્કિલ ઇન્ડિયા અને ગુજરાતની સ્ટાર્ટઅપ પોલિસી હેઠળ તેઓ ટ્રેનિંગ લઈ રહ્યા છે.

ગુજરાતની Gen Z પેઢીની સૌથી મોટી તાકાત તેની સાંસ્કૃતિક પરંપરા મુજબનું જીવન છે જે પીએમ મોદીના સંસ્કૃતિ અને વિકાસના સંદેશાથી વધુ મજબૂત બને છે. ગુજરાતના યુવાનો નવરાત્રિ, ઉત્તરાયણ અને દિવાળી જેવા તહેવારોમાં સક્રિય ભાગ લે છે પરંતુ તેને આધુનિક રીતે જોડે છે. તેઓ યોગ, આયુર્વેદ અને વેદિક ગણિત જેવી પરંપરાઓને સ્ટાર્ટઅપમાં સમાવી રહ્યા છે. ઉદાહરણ તરીકે કેટલાક Gen Z યુવાનોએ આયુર્વેદિક પ્રોડક્ટ્સના ઓનલાઈન પ્લેટફોર્મ બનાવ્યા છે જે વૈશ્વિક બજારમાં સફળ થયા છે. પીએમ મોદીના ગુજરાત મોડલથી પ્રેરિત થઈને તેઓ રાજકીય ઉપદ્રવથી દૂર રહીને આત્મનિર્ભર બની રહ્યા છે.
પડકારો પણ છે. સોશિયલ મીડિયા પર વિદેશી વિચારધારાઓનો પ્રભાવ વધી રહ્યો છે જે યુવાનોને ભટકાવી શકે છે. પરંતુ ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી યોજનાઓ તેમને સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડી રાખવામાં મહદંશે સફળ છે. પીએમ મોદીની પ્રેરણાથી આ પેઢીને વધુ પ્રોત્સાહન આપવું જરૂરી છે જેથી તેઓ ભારતને વિશ્વગુરુ બનાવે.

ગુજરાતના Gen Z રાજકારણના ઉપદ્રવનો શિકાર બનવાને બદલે પીએમ મોદીની પ્રેરણાથી પોતાની સાંસ્કૃતિ અને કૌશલ્યથી દેશનું નિર્માણ કરી રહ્યા છે. ગુજરાતના યુવાનો આનું ઉત્તમ ઉદાહરણ છે તેમની આ દિશા રાજ્ય અને દેશના વિકાસની ચાવી છે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

