- National
- સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી
સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની અરજીને કડક થઇને ફગાવી દીધી હતી.
જસ્ટિસ B.V. નાગરત્નાની આગેવાની હેઠળની બેન્ચે અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો અને અરજદાર પર 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. રિટ પિટિશન દ્વારા પ્રામતિ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયામાં બંધારણીય બેન્ચના નિર્ણયને પડકારવાના પ્રયાસ પર બેન્ચે ભારે નારાજગી વ્યક્ત કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, RTE કાયદો લઘુમતી સંસ્થાઓને લાગુ પડતો નથી.
જસ્ટિસ R. મહાદેવન, જે આ બેન્ચના સભ્ય પણ છે, તેમણે અરજદારને ઠપકો આપતા કહ્યું, 'તમે સુપ્રીમ કોર્ટ સાથે આવું ન કરી શકો. અમે ખૂબ ગુસ્સે છીએ.' બેન્ચે ચેતવણી આપી હતી કે, આ પ્રકારની અરજીઓ ન્યાયતંત્રના પાયાને નબળો પાડે છે.
સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દેતાં ટિપ્પણી કરી હતી કે, 'તમે રિટ પિટિશન દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્ણયને કેવી રીતે પડકારી શકો છો? આવા કેસ દાખલ કરીને દેશમાં ન્યાયતંત્રને નીચે ન લાવો. અમે એક લાખ રૂપિયાના દંડ સુધી મર્યાદિત છીએ. અમે અવમાનનોનો આરોપ લગાવી રહ્યા નથી.'
બંધારણની કલમ 32 હેઠળ દાખલ કરાયેલી PILમાં RTE કાયદાની કલમ 12(1)(c) હેઠળ લઘુમતી સંસ્થાઓને આપવામાં આવેલી મુક્તિ પર ન્યાયિક પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી હતી. આ કલમ ખાનગી શાળાઓમાં આર્થિક રીતે નબળા અને વંચિત વર્ગના બાળકો માટે 25 ટકા અનામત ફરજિયાત બનાવે છે.
અરજદારે દલીલ કરી હતી કે, પ્રામતિના નિર્ણયથી 'વિવિધ, સમાવિષ્ટ વાતાવરણમાં મફત અને ફરજિયાત શિક્ષણના તેમના મૂળભૂત અધિકારથી બાળકોનો એક ભાગ વંચિત રહ્યો' અને શિક્ષણ પ્રણાલીમાં સમાંતર, અલગ અલગ ક્ષેત્રો બનાવવામાં આવ્યા.
અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, લઘુમતી સંસ્થાઓ, સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓને વ્યાપારી અને નફા-આધારિત ધોરણે પ્રવેશ આપતી વખતે, નબળા વર્ગના બાળકોને સમાવવાની તેમની કાનૂની અને બંધારણીય જવાબદારી જાણી જોઈને ટાળે છે.

