- Opinion
- વૈભવી જીવન અને સત્તાના મદમાં રાચતા રાજનેતાઓ પ્રજાનું દુઃખ નહીં સમજી શકે
વૈભવી જીવન અને સત્તાના મદમાં રાચતા રાજનેતાઓ પ્રજાનું દુઃખ નહીં સમજી શકે
ભારત આપણો કૃષિપ્રધાન દેશ છે. અહીં રાજા-રજવાડાઓ પાસે શ્રીમંતાઈ હતી અને આજે ઉદ્યોગકારો, કરપ્ટ સરકારી બાબુઓ અને રાજકારણીઓ પાસે ધન-વૈભવ છે!
વાત કરીશું રાજનેતાઓની, જેમણે પ્રજાની સેવા કરવાના બહાને નામના અને ધન-વૈભવ ભેગું કર્યું છે. અહીં અપવાદરૂપ સમાજસેવકો પણ છે, જેઓ રાજકારણમાં માત્ર સેવાભાવના હેતુથી જ સક્રિય છે. પણ એવા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે. મોટા ભાગના નેતાઓ માટે રાજકારણ એક વ્યવસાય બની ગયો છે – એક એવો વ્યવસાય જેમાં રોકાણ ઓછું અને નફો અનેકગણો થાય છે.
તમે ક્યારેય વિચાર્યું છે કે આ રાજકારણીઓ વેપાર-ધંધો કરતા નથી, પોતાના વ્યવસાય પર ધ્યાન આપી શકતા નથી, છતાં તેમની અને તેમના પરિવારના સદસ્યોની આવક કેમ કરતા વધી જતી હોય છે? ચૂંટણી લડવા માટે કરોડો-અબજો રૂપિયાની જરૂર પડે છે, પણ જીત્યા પછી તેમની સંપત્તિમાં જે વધારો થાય છે તેનો સ્ત્રોત શું છે? કાળા નાણાં, કોન્ટ્રાક્ટોના કમિશન, બેનામી સંપત્તિ, જમીનના સોદા, લાઇસન્સ-પરમિટના નામે લેવાતા લાભ – આ બધું જાણીતું છે, પણ કોઈ રોકી શકતું નથી.

ધન-વૈભવ અને સત્તા જેમ જેમ વધતી જાય એમ એમ આ રાજનેતાઓ સ્વકેન્દ્રિત થતા જાય છે. તેઓની પ્રાથમિકતા પોતાના પરિવાર, પોતાના સંબંધીઓ અને પોતાના ગઠબંધીઓના હિતો બની જાય છે. પ્રજાનું દુઃખ, તેમની લાગણીઓ અને તેમના પ્રત્યેની અપેક્ષાઓની અવગણના થતી જાય છે. ગરીબી, બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોની આત્મહત્યા, યુવાનોની હતાશા – આ બધું તેમના માટે માત્ર આંકડા બની જાય છે, જેને ભાષણમાં ઉચ્ચારીને તાળીઓ મેળવી લેવી હોય તો બસ.
આજે આપણી સૌથી મોટી કરુણતા એ છે કે સત્તાના મદમાં રાચતા રાજનેતાઓ સાથે ફોટા પડાવવા અને તેમની જાહોજલાલીની વાતો કરવામાં લોકોને ગર્વ અનુભવાય છે! સોશિયલ મીડિયા પર તેમના લક્ઝરી જીવનના ફોટા વાયરલ થાય છે અને લોકો કહે છે, “આવા નેતા જોઈએ!” પણ આ નેતાઓની લક્ઝરી ક્યાંથી આવે છે? તમારા અને મારા ટેક્સના પૈસાથી, તમારા વોટથી મળેલી સત્તાનો દુરુપયોગ કરીને.

આપણે એ સમજ કેળવવાની જરૂર છે કે આપણે ચૂંટેલા નેતાઓ આપણી સેવા કરવા માટે છે નહીં કે આપણા પર રાજ કરવા માટે. તેઓ આપણા નોકર છે, આપણા માલિક નથી. પણ જ્યાં સુધી આપણે પોતે જાગૃત નહીં થઈએ ત્યાં સુધી આ ચક્ર ચાલુ રહેશે. આપણે નેતાઓની સંપત્તિના સ્ત્રોત પર સવાલ ઉઠાવવા જોઈએ, તેમના જીવનધોરણ પર પ્રશ્ન કરવા જોઈએ અને ખરેખર સેવાભાવી લોકોને જ પસંદ કરવા જોઈએ.
જો આપણે મતદાનના સમયે પણ જાતિ, ધર્મ, નાણાં કે સ્થાનિક પ્રભાવને બદલે નેતાના કામ, નિષ્ઠા અને સાદગીને પ્રાધાન્ય આપીશું, તો જ સાચા અર્થમાં લોકશાહી મજબૂત બનશે. નહીં તો આ વૈભવી રાજકારણીઓનું રાજ અને પ્રજાનું દુઃખ ચાલુ જ રહેશે.
દેશની લોકશાહી અને આવનારી પેઢીના હિતમાં થોડું વિચારજો કે શું યોગ્ય અને શું અયોગ્ય.

