- Tech and Auto
- ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ રહી છે. જ્યારે USમાં તો તેનું વેચાણ ચાર વર્ષના સૌથી નીચલા સ્તરે ઝડપથી ઘટી ગયું છે, જ્યારે ભારત જેવા ઉભરતા બજારોમાં તેનો પ્રવેશ પણ અપેક્ષાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યો છે. સસ્તા મોડેલો રજૂ કરવા છતાં, કંપની માંગમાં ભારે ઘટાડો અનુભવી રહી છે, જે વિશ્વની સૌથી મોટી કાર ઉત્પાદકની ભાવિ વ્યૂહરચના અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
એક સમાચાર એજન્સીના અહેવાલમાં કોક્સ ઓટોમોટિવનો ઉલ્લેખ કરીને જણાવાયું છે કે, નવેમ્બરમાં ટેસ્લાનું USમાં વેચાણ લગભગ 23 ટકા ઘટીને 39,800 યુનિટ થઇ ગયું, જે જાન્યુઆરી 2022 પછીનો સૌથી નીચો આંકડો છે. રસપ્રદ વાત તો એ છે કે, આ ઘટાડો એવા સમયે થયો, જ્યારે કંપનીએ તેના સૌથી લોકપ્રિય ઇલેક્ટ્રિક વાહનો, મોડેલ Y અને મોડેલ 3ના સસ્તા સ્ટાન્ડર્ડ વેરિયન્ટ્સ લોન્ચ કર્યા.
કંપનીએ આશા વ્યક્ત કરી હતી કે, ટેક્સ ક્રેડિટ સમાપ્ત થયા પછી, લગભગ 5,000 ડૉલર સસ્તા આ સ્ટિપ્ડ-ડાઉન મોડેલો માંગને વધારવામાં મદદ કરશે. પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રે સપ્ટેમ્બરના અંતમાં 7,500 ડૉલર ફેડરલ ટેક્સ ક્રેડિટ નાબૂદ કર્યા પછી USમાં એકંદર EV બજારની માંગમાં ઘટાડો થયો છે.
કોક્સ ખાતે ઇન્ડસ્ટ્રી ઇનસાઇટ્સ ડિરેક્ટર સ્ટેફની વાલ્ડેઝ સ્ટ્રીટીના જણાવ્યા અનુસાર, 'આ ઘટાડો સ્પષ્ટપણે દર્શાવે છે કે, ટેસ્લાના સસ્તા સ્ટાન્ડર્ડ વેરિયન્ટ્સ માટે એટલી માંગ રહી નથી કે જેની અપેક્ષા કરવામાં આવી રહી હતી. આ સાથે જ તેમના આગમનથી પ્રીમિયમ મોડેલ્સ, ખાસ કરીને મોડેલ 3ના વેચાણ પર પણ અસર પડી છે. કંપની માટે સ્ટાન્ડર્ડ વેરિયન્ટ્સ મહત્વપૂર્ણ છે, કારણ કે ટેસ્લા હાલમાં પોતાના ભવિષ્યને લઈને બે મોટા દાવ લગાવી રહી છે, એક છે, રોબોટેક્સી અને બીજું છે હ્યુમનૉઇડ રોબોટ્સ.'
ટેસ્લાએ સપ્ટેમ્બરમાં ભારતના ઝડપથી વિકસતા લક્ઝરી EV બજારમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ પ્રારંભિક વેચાણે ધાર્યા કરતાં ઓછું પ્રદર્શન કરીને તેમની અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધું છે. સરકારી વાહન પોર્ટલ અનુસાર, ટેસ્લાએ સપ્ટેમ્બર અને નવેમ્બર વચ્ચે માત્ર 157 યુનિટ વેચ્યા હતા. જ્યારે નવેમ્બરમાં ટેસ્લાનું વેચાણ માત્ર 48 યુનિટ હતું, જ્યારે BMWએ તે જ મહિનામાં 267 ઇલેક્ટ્રિક કાર વેચી હતી. આ ઉપરાંત મર્સિડીઝ-બેન્ઝે પણ પ્રીમિયમ સેગમેન્ટમાં પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે.
ટેસ્લાએ આ વર્ષે જુલાઈમાં મોડેલ Y ઇલેક્ટ્રિક SUV સાથે ભારતમાં પ્રવેશ કર્યો હતો. આ ઇલેક્ટ્રિક કાર સંપૂર્ણપણે આયાત કરવામાં આવી રહી છે અને ભારતમાં તેની શરૂઆતની કિંમત રૂ. 59.89 લાખ છે. અને ટોપ મોડેલ માટે રૂ. 73.89 લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે. લોન્ચ સમયે તેને લઈને ખુબ વધારે ઉત્સાહ ફેલાયો હતો, પરંતુ પ્રારંભિક આંકડા દર્શાવે છે કે, કંપની હાલની લક્ઝરી બ્રાન્ડ્સ તરફથી કડક સ્પર્ધાનો સામનો કરી રહી છે.
ભારતમાં ધીમા વેચાણ છતાં, ટેસ્લા તેના નેટવર્કનો વિસ્તાર કરવાનું ચાલુ રાખી રહી છે. 15 જુલાઈના રોજ, કંપનીએ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં તેના પ્રથમ ભારતીય શોરૂમનું ઉદ્ઘાટન કર્યું. ત્યાર પછી, 11 ઓગસ્ટના રોજ, કંપનીએ દિલ્હીના એરોસિટીમાં તેનો આગામી શોરૂમ ખોલ્યો. હાલમાં જ, દેશનું પ્રથમ ટેસ્લા સેન્ટર ગુરુગ્રામના સેક્ટર 48માં ઓર્કિડ બિઝનેસ પાર્કમાં ખોલવામાં આવ્યું હતું. આ સુવિધા એક જ છત નીચે રિટેલ, વેચાણ પછીની સેવા, ડિલિવરી અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની તમામ સેવાઓ પૂરી પાડે છે.

