- Gujarat
- જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો
જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો
પાણી અને તેલમાં તરતા બટેકાનું શાક, એમાં પણ અંદર જીવાત અને ઇયળો... આવું જ કાંઈ ભોજન ગઈકાલે જૂનાગઢમાં આવેલ ડૉ. આંબેડકર કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓને પીરસાયું હતું, જેને કારણે ગત મોડી રાતે છાત્રાલયની વિદ્યાર્થિનીઓએ હોબાળો કરી દીધો હતો. અહીં ફક્ત ભોજન વ્યવસ્થા જ નહીં, પણ રહેવા માટે રૂમના પણ કોઈ ઠેકાણા નથી. આ બધી બાબતો એક સાથે રજૂ કરતા છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓમાં ભારે રોષ ફેલાયો હતો, જેને પગલે અધિકારીઓ અને સામાજિક આગેવાનો છાત્રાલય પર દોડી આવ્યા હતા.
વિદ્યાર્થિનીને છેલ્લા ઘણા સમયથી અશુદ્ધ ભોજન પીરસાતું હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થિનીઓ દ્વારા અવારનવાર અધિકારીઓને રજૂઆત કરવા છતા પણ કોઈ સાંભળતું નથી. ડૉ. બાબા સાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં ગઈ રાતે પણ કંઈ આવું જ અશુદ્ધ ભોજન વિદ્યાર્થિનીઓને પીરસાયું હતું. જેની અંદર જીવાત ઇયળ નીકળવા છતાં પણ છાત્રાલયના સંચાલકો દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. આમ, સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાથી ગત રાતે વિદ્યાર્થિનીઓએ હોબાળો મચાવ્યો હતો. ઉચ્ચ અધિકારીઓ અને સામાજિક આગેવાનો છાત્રાલયમાં દોડી આવ્યા હતા.
વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે, હોસ્ટેલમાં દરરોજ જુદી-જુદી રસોઈ પીરસવામાં આવે તે માટે એક મેનુ પણ બનાવવામાં આવ્યું છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા દરરોજ માત્ર એક જ શાક આપવામાં આવે છે અને તે પણ વાસી હોય છે, જેના કારણે અનેક વિદ્યાર્થિનીઓની તબિયત લથડવાના દાખલા પણ ભૂતકાળમાં બની ચૂક્યા છે. ગઈકાલે બુધવારની રાત્રીના સમયે અમને જ્યાં ભોજન પીરસવામાં આવ્યું, ત્યારે એકદમ દુર્ગંધ આવતી હતી, જેને ધ્યાનથી જોતા તેમાંથી જીવાત નીકળી હતી.'
ગઈકાલે ડો. બાબા સાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓએ હોબાળો મચાવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓ હોસ્ટેલમાં દોડી આવ્યા હતા, સાથે જ પ્રેસ-મીડિયા પણ ઘટનાસ્થળે પહોંચ્યું હતું, હાલમાં આ છાત્રાલયમાં 130 જેટલી વિદ્યાર્થિનીઓ રહે છે, પરંતુ તે હોસ્ટેલના રૂમ પણ અતિ ભયંકર હાલતમાં છે. વિદ્યાર્થીનીઓ પોતાના અભ્યાસ માટે ના છૂટકે હોસ્ટેલમાં રહે છે.
વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવતા સમાજ કલ્યાણ અધિકારી સહિતનાઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તેમણે મોડી રાતે જ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીનીઓના આક્ષેપો મામલે અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે અને અધિકારીએ સ્વીકાર્યું કે, જમવાની ગુણવત્તા નબળી છે અને ભોજનમાં જીવાત નીકળવાની બાબતે રજૂઆત મળી છે. તેમણે સુનિશ્ચિત કર્યું કે અન્ય પ્રશ્નોની યાદી તૈયાર કરવામાં આવશે તથા વહેલી તકે નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરાશે.
વિદ્યાર્થિનીઓએ મીડિયા સમક્ષ વાત કરતાં કહ્યું કે, હોસ્ટેલની વોર્ડને વિદ્યાર્થિનીઓને એડમિશન કેન્સલ કરવાની ધમકી પણ આપી હોવાની વાતો કરી છે, જે બાબતે વોર્ડન અને રસોયા વિરુદ્ધ તાત્કાલિક તપાસ કરી અને જો ભૂલ જણાશે તો વોર્ડન બદલી નાખવામાં આવશે તેવી અધિકારીઓએ બાંહેધરી આપી છે.
હોસ્ટેલમાં ભોજન બાબતે તાત્કાલિક જ ખાદ્ય સામગ્રીનો જથ્થો બદલાવી નાખવામાં આવ્યો હતો અને વિદ્યાર્થિનીઓને બીજી રસોઈ બનાવીને પીરસવામાં આવી હતી, જ્યારે હોસ્ટેલમાં અન્ય સમસ્યાઓ બાબતે વિદ્યાર્થિનીઓને હાલ પોતાની તમામ રજૂઆતો લેખિતમાં આપવાનું ઉચ્ચ અધિકારીઓએ કહ્યું છે અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી છે, સાથે જ આગામી સમયમાં આવી ભૂલ ન થાય તેની પણ તકેદારી રાખવાની અધિકારીઓએ અને હોસ્ટેલ સંચાલકોએ ખાતરી આપી છે.
ભોજનમાં ભ્રષ્ટાચાર ઉપરાંત, હોસ્ટેલની ભૌતિક સુવિધાઓની હાલત પણ અત્યંત દયનીય છે. છેલ્લા 5 વર્ષથી અહીં રહેતી વિદ્યાર્થિની પ્રતિક્ષા રાઠોડે આક્ષેપ કર્યો કે, છેલ્લા પાંચ વર્ષમાં અહીં કોઈપણ પ્રકારનો બદલાવ આવ્યો નથી અને એક પણ સુવિધા આપવામાં આવતી નથી. વિદ્યાર્થિનીઓના રૂમમાં બેડસીટ પણ નથી, જેના કારણે તેઓ એમનેમ જ ગાદલા પર સૂવે છે. ઓશિકાઓની હાલત પણ અતિ ખરાબ છે. સરકારી હોસ્ટેલના શૌચાલયો અને બાથરૂમમાં પણ પોપડા પડી રહ્યા છે અને ખંઢેર હાલતમાં જોવા મળે છે. છાત્રાલયની છતમાંથી પાણી પડે છે, જેના કારણે ચોમાસામાં અતિશય મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત, રૂમમાં વિદ્યાર્થિનીઓને પોતાનો સામાન વ્યવસ્થિત રાખવાની પણ જગ્યા નથી અને ન છૂટકે સામાન વેરવિખેર રાખવો પડે છે.
વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલના સંચાલકો પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગત 9 નવેમ્બરના રોજ રાજ્ય સરકારના સમાજ કલ્યાણ અને શિક્ષણ કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા આ હોસ્ટેલની મુલાકાતે આવ્યા હતા, ત્યારે માત્ર ફોટો સેશન કરવા માટે જ અધિકારીઓ હાજર રહ્યા હતા. જ્યારે મંત્રી અહીં આવ્યા હતા, ત્યારે રસોયાઓએ હાથમાં ગ્લોવ્ઝ અને માથામાં ટોપી પહેરી રાખ્યા હતા, પરંતુ 365 દિવસ ગમે તેવા હાથે રસોઈ બનાવવામાં આવે છે. જે સમયે મંત્રી અહીં આવ્યા, ત્યારે રાતના 10:00 વાગ્યા સુધી હોસ્ટેલના કર્મચારીઓ અને સિક્યુરિટી હાજર રહ્યા હતા, જ્યારે સામાન્ય દિવસોમાં આવું જોવા મળતું નથી. વિદ્યાર્થિનીઓએ મંત્રીને કહ્યું હતું કે, તમે હાલ જે જોઈ રહ્યા છો તે વાસ્તવિકતા નથી, પરંતુ આડા દિવસે આવો તો ખ્યાલ આવે કે આ હોસ્ટેલની સાચી હકીકત શું છે.

