- Opinion
- હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
(ઉત્કર્ષ પટેલ)
ગુજરાતના ઈતિહાસમાં 14 જાન્યુઆરી 2019 નો દિવસ એક સુવર્ણ અક્ષરે લખાયો છે. એ દિવસે ગુજરાત સરકારે દેશમાં સૌથી પહેલાં આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10% અનામતનો અમલ શરૂ કર્યો.
હર્દિક પટેલ તથા અન્ય પાટીદાર યુવા નેતાઓના આંદોલનથી 14 યુવાનોના બલિદાન પછી કેન્દ્ર સરકારે આ 10% અનામતને મંજૂરી આપી. આનાથી ગુજરાતમાં 50,000થી વધુ વિદ્યાર્થીઓ અને હજારો નોકરીઓમાં લાભ મળ્યો છે. 2015ના પટીદાર અનામત આંદોલનથી શરૂ થયેલી એ સંઘર્ષની આગ એટલી તીવ્ર હતી કે તેણે કેન્દ્ર સરકારને પણ વિચારવા મજબૂર કરી દીધી. આજે એ જ આંદોલનનું સકારાત્મક પરિણામ લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે.
આજે જ્યારે કોઈ ગરીબ બ્રાહ્મણ, પટેલ કે વાણિયા પરિવારનો દીકરોદીકરી ડોક્ટર, એન્જિનિયર કે GPSCનો અધિકારી બને ત્યારે તેની સફળતા પાછળ EWSનું એક નાનું પ્રમાણપત્ર હશે પણ તેની પાછળ છે હાર્દિક પટેલ તથા અન્ય યુવાનોની અડીખમ લડત અને ભાજપ સરકારની દૂરંદેશી. ગુજરાતે દેશને બતાવ્યું કે સમાજના અંતિમ છેડે ઊભેલા યુવાનને મુખ્ય ધારામાં લાવવા માટે રાજકીય ઇચ્છાશક્તિ હોય તો કેવી રીતે ચમત્કાર થઈ શકે છે.
EWSએ ગુજરાતના યુવાનોને જે નવી આશા આપી છે એનું સૌથી મોટું ઉદાહરણ છે શિક્ષણ ક્ષેત્ર. NEET, GUJCET કે JEEની પરીક્ષામાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને અગાઉ 95 ટકાથી વધુ ટકાવારીની દીવાલ ફાંદવી પડતી હતી. આજે EWSના 10 ટકા ક્વોટાને કારણે 85-90 ટકા ગુણ ધરાવતા હજારો વિદ્યાર્થીઓને સરકારી મેડિકલ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મળે છે. એકલા 2023-24માં ગુજરાતની મેડિકલ કોલેજોમાં EWS ક્વોટાથી 1,200થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો. આ યુવાનોના માતા-પિતા આજે લાગણીસભર રીતે કહે છે “અમારા દીકરાને ડોક્ટર બનવાનું સપનું હાર્દિક અને યુવાનોએ તથા સરકારે સાકાર કર્યું.”
સરકારી નોકરીઓના ક્ષેત્રમાં પણ ચિત્ર બદલાયું છે. તલાટી, જુનિયર ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ કે ડેપ્યુટી મામલતદારની પરીક્ષાઓમાં EWSના હજારો યુવાનો આજે સફળ થઈ રહ્યા છે. જે ઘરમાં બે દાયકાથી નોકરીની રાહ જોવાતી હતી ત્યાં આજે ખાખી વરદી કે સરકારી ઓફિસની ખુરશીની ઓળખ મળી છે. આ બધું શક્ય બન્યું કારણ કે ગુજરાત સરકારે EWS પ્રમાણપત્રની પ્રક્રિયા ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા અત્યંત સરળ અને પારદર્શક બનાવી. પ્રમાણપત્રની મર્યાદા એક વર્ષથી વધારીને ત્રણ વર્ષ કરવામાં આવી જેથી વિદ્યાર્થીઓને વારંવાર દોડધામ ન કરવી પડે.
હાર્દિક પટેલ અને પાટીદાર યુવાનોએ જે સમયે અનામતની લડત શરૂ કરી ત્યારે ઘણાંએ તેને રાજકીય સ્ટંટ કહ્યું હતું. પણ આજે એ જ યુવાનોની લડતને ગુજરાતનો દરેક EWS લાભાર્થી મનમાં આભાર માને છે. હર્ષિક સહિતના આંદોલનકારી યુવાનોએ ગુજરાતના યુવાનોના દુઃખને પોતાનું દુઃખ બનાવ્યું, રસ્તા પર ઉતર્યા જેલ પણ ગયા પણ પાછા ન હટ્યા. તેમની એ લડતનું પરિણામ આજે લાખો ઘરમાં ખુશીના દીવા પ્રગટાવી રહ્યું છે.
આજે ગુજરાતના ગામડે ગામડે એવા યુવાનો છે જેમના ઘરમાં પહેલી વખત સરકારી નોકરી આવી છે પહેલી વખત ડોક્ટર એન્જિનિયર બનવાનું સપનું સાકાર થયું છે. EWS એ એક યોજના નથી એ ગુજરાતના યુવાનોની આંખમાં ચમકતું સપનું છે અને એ હાર્દિક પટેલ તથા સાથી યુવાનોની હિંમતનું પ્રતીક છે અને ભાજપ સરકારની સંવેદનશીલતાનો જીવંત પુરાવો છે. નિંદાના રાજકારણ વચ્ચે આરોપ પ્રત્યારોપ થતા રહેવાના પણ મળેલી સફળતાઓ અને સકારાત્મક કાર્યોની નોંધ લેવી રહી.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

