- Opinion
- તમારું બાળક તમારું જ પ્રતિબિંબ છે
તમારું બાળક તમારું જ પ્રતિબિંબ છે
(ઉત્કર્ષ પટેલ)
બાળકો અરીસા જેવા હોય છે જેમાં તમારું વ્યક્તિત્વ, વર્તન અને વિચારો પ્રતિબિંબિત થાય છે. તમે લોકો સાથે જે રીતે વર્તન કરો છો તે જ રીતે તમારું બાળક પણ અન્યો સાથે વર્તશે. તમે તેમની સાથે જે રીતે વાત કરો છો તે જ રીતે તેઓ તમારી સાથે વાત કરશે. તમે તેમના વિશે જે વિચારો છો તે જ તેઓ પોતાના વિશે વિચારશે. તમે જે છો અને જે બતાવો છો તે જ તમારું બાળક શીખી લેશે અને બનશે. તેથી તમારે એવું બનવું જોઈએ જેવું તમે તમારા બાળકને બનતા જોવા માંગો છો.
બાળકોનું મન નરમ માટી જેવું હોય છે જેને તમે જેવું આકાર આપો તેવું જ ઘડાય. જો તમે સદ્ગુણો, સહાનુભૂતિ અને આદરભાવ આપશો તો તમારું બાળક પણ આ જ ગુણો અપનાવશે. ઉદાહરણ તરીકે જો તમે દયાળુ અને નમ્ર બનશો તો તમારું બાળક પણ એવું જ શીખશે. જો તમે નકારાત્મક વલણ કે ગુસ્સો દર્શાવશો તો તે પણ તેમનામાં પ્રતિબિંબિત થશે.

બાળકોને સારા સંસ્કાર અને મૂલ્યો શીખવવા માટે પહેલા તે સંસ્કાર અને મૂલ્યો તમારે જીવવા પડશે. તેમની સાથે ધીરજથી વાત કરો, તેમની લાગણીઓને સમજો અને તેમનામાં આત્મવિશ્વાસ જગાડો. તેમની ભૂલોને સુધારવા માટે પ્રેમથી માર્ગદર્શન આપો. તમારું વર્તન તેમના ભવિષ્યનો આધાર બનશે.
આજે જ નક્કી કરો કે તમે તમારા બાળક માટે એવું ઉદાહરણ બનશો જે તેમને એક સફળ, સંવેદનશીલ અને આદરપૂર્ણ વ્યક્તિ બનાવશે. તમારું દરેક પગલું, દરેક શબ્દ અને દરેક વિચાર તેમના જીવનને આકાર આપે છે.

તો ચાલો, આજથી આપણા બાળકોના જીવનઉત્કર્ષ માટે એક સારું ઉદાહરણ બનીએ.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે.)

