- Gujarat
- અલ્પા પટેલના જન્મદિને જાણીએ તેમના વિશે રસપ્રદ વાતો
અલ્પા પટેલના જન્મદિને જાણીએ તેમના વિશે રસપ્રદ વાતો
ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરવા ઘણા લોક ગાયકોનો સિંહફાળો રહેલો છે. આવી જ એક લોક ગાયિકા છે અલ્પા પટેલ જે ઘણા વર્ષોથી લોકડાયરામાં સુરીલાં કંઠે શ્રોતાઓને ડોલાવતી રહે છે. અલ્પા પટેલે 10 વર્ષની ઉંમરે ગાવાની શરૂઆત કરી હતી. પહેલા પ્રોગ્રામની શરૂઆત સુરતમાં માત્ર 50 રૂપિયાની ફીથી કરનાર આ લોકલાડીલી ગાયિકા પર આજે ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થાય છે. સંતવાણી અને ડાયરાના પ્રોગ્રામ દીઠ 1થી 1.25 લાખની ફી અલ્પા પટેલને મળે છે.
બગસરાના મુંઝીયાસર ગામની અલ્પા પટેલનું જીવન નાનપણથી જ સંઘર્ષમય રહ્યું છે. તે 1 વર્ષની હતી ત્યારે જ તેના પિતાનું અવસાન થયું હતું જેના કારણે પરિવાર માથે મોટી આફત આવી પડી હતી. નબળી આર્થિક પરિસ્થિતિના કારણે અલ્પાના ભાઈ મહેન્દ્ર અને માતા મધુબેને મજૂરી કામ ચાલુ કર્યું હતું. અલ્પા પટેલનો ઉછેર મામાના ઘરે થયો હતો. મામાના ઘરે રહીને જૂનાગઢ જિલ્લાની જુદી જુદી શાળામાં 12 સુધીનું શિક્ષણ મેળવ્યા બાદ અલ્પા પટેલે PTCનો અભ્યાસ કર્યો. અલ્પા પટેલને સુરીલાં સંગીતની ભેટ પોતાના નાના દ્વારા વારસામાં મળેલી છે. નાનાને પ્રોગ્રામમાં ગાતા જોઈને અલ્પાને સંગીત અને ગાયનમાં રસ જાગ્યો તેથી તેમના ભાઈ અને માતાએ તેમને સપોર્ટ કર્યો. સુરત સ્થાયી થયેલા મામાને ત્યાં પ્રોગ્રામમાં 11 વર્ષની ઉંમરે મળેલા પહેલા ચાન્સ બાદ સતત આગળ વધતી ગયેલી અલ્પા પટેલ આજે લોક ગાયિકા તરીકે સારી નામના ધરાવે છે. ખોડિયાર માતામાં ખૂબ શ્રદ્ધા ધરાવતી અલ્પા પટેલને સિંગિંગની શરૂઆતમાં નજીકના લોકોના મેણા-ટોણાનો સામનો કરવો પડ્યો હતો. જો કે અલ્પાએ જણાવ્યું હતું કે, 'મારી સામે આવી આવેલી દરેક મુશ્કેલીમાં મારા ભાઈ મહેન્દ્ર અને માતાએ હંમેશાં મારો સાથ આપ્યો છે, મારા સંઘર્ષના સમયમાં મને મળેલા પરિવારના સાથને હું ક્યારેય ભૂલી નહીં શકું.'
10 વર્ષની ઉંમરે સિંગિંગની શરૂઆત કરનાર અલ્પા પટેલે ‘ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો’, ‘ચાર ચાર ધામની મા ખોડલની આરતી’, ‘માંગું વીસ આપે ત્રીસ મારો દ્વારકાધીશ’, 'હર હર હર મહાદેવ' જેવા અનેક ગીતોથી ખ્યાતિ મેળવી છે. પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદારના ગરબા અને પાટીદારોના કુળદેવી માતા ઉમિયા અને માતા ખોડલના ગીતો અને ભજનોથી અલ્પા પટેલની નામનામાં ખૂબ જ વધારો થયો છે. સુરત કે પછી ગુજરાતની કોઈ પણ જગ્યાએ પટેલો દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યાં અલ્પા પટેલની હાજરી ન હોય એવું ક્યારેય બને જ નહીં. પટેલ ઉપરાંત અન્ય સમાજના લોકો પણ અલ્પા પટેલના સુરીલાં કંઠે ગયેલા ગીતોને સાંભળવા આતુર હોય છે.

