- Opinion
- પ્રફુલ પાનસેરિયા: વિવાદોથી દૂર, હસતા મોઢે સેવાના માર્ગે ચાલનાર વ્યક્તિ
પ્રફુલ પાનસેરિયા: વિવાદોથી દૂર, હસતા મોઢે સેવાના માર્ગે ચાલનાર વ્યક્તિ
(ઉત્કર્ષ પટેલ)
ગુજરાતના રાજકારણમાં કેટલાક નેતાઓ એવા છે જેમનું નામ સાંભળતાં જ વિવાદો, વાદવિવાદ કે રાજકીય ચડસાચડસી યાદ આવે. અહીં પ્રફુલભાઈ છગનભાઈ પાનસેરિયા એક એવું અપવાદરૂપ વ્યક્તિત્વ છે જેમનું જીવન અને કાર્યકાળ વિવાદોથી દૂર રહીને માત્ર સેવાના માર્ગે આગળ વધતું રહ્યું છે. તેમનું હસતું મોઢું અને સરળ વ્યવહાર જાણે કહે છે કે સત્તા એ સેવાનું સાધન છે, નામના અને ઘમંડનું નહીં. આજે ગુજરાત સરકારમાં આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના સ્વતંત્ર હવાલાવાળા રાજ્યમંત્રી તરીકે તેઓ જે કાર્ય કરી રહ્યા છે જે તેમની આ જ સહજ પ્રકૃતિનું પ્રતિબિંબ છે.
4.jpg)
પ્રફુલભાઈનો જન્મ 1 જૂન 1971ના રોજ અમરેલી જિલ્લાના શેઢાવદર ગામમાં થયો હતો. મૂળ સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર સમાજના એક ખેડૂત પરિવારના સંતાને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું અને એ શિક્ષણે તેમને જીવનની ઊંડી સમજ આપી પરંતુ અસલ ઘડતર સમાજસેવા કરતા થયું. 1990ના દાયકાથી જ તેઓ સામાજિક કાર્યોમાં જોડાયા. રક્તદાન શિબિરો, જરૂરિયાતમંદોને મદદ, શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે કામ... આ બધું તેમણે કોઈ સંગઠન કે રાજકીય જવાબદારી કે હોદ્દાની રાહ જોયા વગર કર્યું. તેમના આ કાર્યોને કારણે તેમને યુવા સામાજિક કાર્યકર્તા તરીકે સ્વીકૃતિ મળી અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ તેમની સાત દિવસની અખંડ રક્તદાન શિબિરની નોંધ થઈ હતી.

રાજકારણમાં તેમનો પ્રવેશ 2012માં થયો જ્યારે તેઓ સુરતની કામરેજ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાયા. 2022ની ચૂંટણીમાં પણ તેમણે જનમત મેળવ્યો. ધારાસભ્ય તરીકે તેમણે કામરેજને વિકાસનું નવું રૂપ આપ્યું. રસ્તા, પાણી, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ વધારવા માટે તેમણે સારું કામ કર્યું. પરંતુ તેમની વિશેષતા એ રહી કે તેઓ ક્યારેય વિવાદમાં ન ફસાયા. રાજકીય હરીફાઈમાં પણ તેમણે વિરોધીઓ સાથે સન્માનજનક વ્યવહાર જાળવ્યો. કોવિડ-19ના કપરા સમયમાં તેમની સેવાઓની વિશેષ પ્રશંસા પણ થઈ. પોતાના મત વિસ્તારના લોકોને મદદ કરવા, દવા અને રસીકરણના કામમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી.

2022માં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં તેમને રાજ્યમંત્રી તરીકે સંસદીય કાર્યો, પ્રાથમિક માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણનો હવાલો સોંપાયો. શિક્ષણ વિભાગમાં તેમણે સ્કૂલોની સ્વચ્છતા, ગુણવત્તા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું. એક વખત સ્કૂલના શૌચાલયો અસ્વચ્છ જોઈને તેમણે પોતે જ સફાઈ કરી! આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા અને લોકોને પ્રેરણા આપી. તેમણે વારંવાર કહ્યું કે યુવાનો વિદેશ જઈને સફળ થાય તે ગર્વની વાત નથી પણ ચિંતાનો વિષય છે; અહીં જ એવું વાતાવરણ બનાવવું જોઈએ કે તેઓ અહીં રહીને દેશને સેવા આપે. તેમના આ વિચારો શિક્ષણ નીતિને વધુ વ્યવહારુ બનાવ્યા.

ઓક્ટોબર 2025માં ગુજરાત સરકારના મંત્રીમંડળ વિસ્તરણમાં તેમને આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણનો સ્વતંત્ર હવાલો મળ્યો. આ વિભાગમાં તેમણે ખોરાકની સલામતી, ભેળસેળ વિરુદ્ધ કડક કાર્યવાહી, પોલિયો રસીકરણ અભિયાન અને હોસ્પિટલોની નિયમિત તપાસ પર ધ્યાન આપ્યું છે. એક કિસ્સામાં પાલીતાણા હોસ્પિટલમાં અનિયમિતતા જોઈને તેમણે તાત્કાલિક કાર્યવાહી કરી. બોઘસ ડોક્ટરો સામે પણ કડક વલણ અપનાવ્યું.
તેઓ કહે છે કે “હું પહેલા કાર્યકર્તા છું, મંત્રી પછી.” આ વાક્ય તેમની વિનમ્રતાની વિશેષતા છે. પ્રફુલભાઈની સેવા માત્ર સરકારી કાર્યાલય સુધી મર્યાદિત નથી. કામરેજના એક ગામમાં બે નાની બાળકીઓને પિતાના અવસાન પછી મદદ કરી ઘર બનાવી આપ્યું, શિક્ષણની વ્યવસ્થા કરી અને આર્થિક સહાય આપી. આવા અનેક ઉદાહરણો તેમના જીવનમાં છે.

આજના સમયમાં જ્યારે રાજકારણ ઘણી વાર સ્વાર્થ અને વિવાદથી ભરેલું જણાય છે ત્યારે પ્રફુલભાઈ જેવા નેતાઓ યાદ અપાવે છે કે સાચી નેતાગીરી એ છે જે લોકોની સમસ્યાઓ સમજે, ઉકેલ લાવે, હસતા મોઢે કામ કરે અને વિવાદોથી દૂર રહે. તેમનું જીવન યુવાનો માટે પ્રેરણા છે... શિક્ષણ મેળવો, સમાજસેવા કરો, અને સત્તાને સેવાનું સાધન બનાવો. ગુજરાતના આવા નેતાઓ જ સમાજને આગળ લઈ જશે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

