- Opinion
- સમ્રાટ પાટીલ- સુરતના એક યુવા જે સમાજની સેવા માટે તત્પર રહે છે
સમ્રાટ પાટીલ- સુરતના એક યુવા જે સમાજની સેવા માટે તત્પર રહે છે
(ઉત્કર્ષ પટેલ)
સુરત શહેર જેને PM મોદી એ લઘુભારત ની ઓળખ આપી છે અને વાસ્તવિક રીતે સુરત લઘુભારત બન્યું છે જ્યાં ભારત દેશના મોટાભાગના પ્રાંતના લોકો વસે છે, વેપાર કરે છે અને દેશની પ્રગતિમાં સહભાગી થાય છે. સુરત શહેરે અનેક સમાજસેવકો આપ્યા છે જેઓ સુરત આવ્યા તો હતા ખાલી હાથે પરંતુ ત્યારબાદ દેશ અને શહેરને બે હાથે અપાય એટલું કમાઇને દાન આપ્યું અને સમાજની સેવા કરી.

આજે સુરતમાં અનેક સંપન્ન સમાજસેવકો છે જે વિવિધ સામાજિક કાર્યોમાં ભામાશા રૂપે સહયોગી થાય છે. આવાજ એક વ્યક્તિ છે સમ્રાટ પાટીલ. હાલમાં તેમણે કરેલી સેવાને લઇને તંત્ર દ્વારા યોજાયેલા સન્માન સમારોહમાંથી તેમનું નામ કમી કરવાના કારણે તેઓ ખાસ્સા ચર્ચામાં છે. સમ્રાટ પાટીલ યુવા છે અને ટેક્સટાઇલ ના વેપાર સાથે સંકળાયેલા છે. આ યુવા વ્યક્તિનો ગુણ છે કે તેઓ વિનમ્ર વિવેકી અને સંવેદનશીલ સ્વભાવ ધરાવે છે. એટલે જ વિવાદ ઊભો થયો હોવા છતાં તેમણે કોઇ જગ્યાએ કોઇ ફરિયાદ કરવાનું ટાળ્યું છે. સામાન્ય પરિવારમાંથી પોતાની મહેનતના બળે એક સફળ વેપારી બન્યા પછી પોતાની આવકનો મોટો હિસ્સો ધર્મ અને સમાજની સેવા માટે વાપરે છે.

સમ્રાટ પાટીલની આ સમાજ સેવા સંદર્ભે સંવેદનશીલતાને કારણે આજે ઉધના પાંડેસરા લિંબાયત જેવા વિસ્તારમાં આ યુવાનની સેવાની ચર્ચાઓ થતી રહે છે. અહીં એ નોંધવું રહ્યું કે આ વિસ્તારમાં સુરત શહેરના સૌથી વધ ક્રાઇમ નોંધાય છે. અહીં શહેરનો મોટો કામદારવર્ગ પણ નિવાસ કરે છે જ્યાં શિક્ષણ રોજગાર અને આરોગ્યની ભરપૂર સમસ્યાઓ પણ છે. અહીં આગળ આવીને સેવા કાર્ય કરવું એ પણ એક સાહસ સમર્પણ કહી શકાય.

સમ્રાટ પાટીલ દ્વારા ઉધના, પાંડેસરા અને લિંબાયત જેવા વિસ્તારોમાં અનેકવિધ સેવાકાર્યો હાથ ધરવામાં આવ્યાં છે. શિક્ષણના ક્ષેત્રે ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પુસ્તકો, શૈક્ષણિક સામગ્રી અને ફી સહાય પૂરી પાડવામાં આવે છે જેથી કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે. આરોગ્યના ક્ષેત્રે નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિરો, દવા વિતરણ અને મહિલાઓ માટે સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે. રોજગાર અને કૌશલ્ય વિકાસ માટે યુવાનોને તાલીમ આપવાના કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવે છે જેથી તેઓ સ્વાવલંબી બની શકે. આ ઉપરાંત, વૃદ્ધો, વિધવા બહેનો અને અનાથ બાળકો માટે રાશન કિટ, કપડાં અને અન્ય જીવનજરૂરિયાતની વસ્તુઓનું વિતરણ નિયમિત રીતે કરવામાં આવે છે. ઉનાળામાં પાણીની વ્યવસ્થા, ચોમાસામાં પૂરગ્રસ્તોને સહાય અને શિયાળામાં ગરીબોને ગરમ કપડાં પૂરાં પાડવા જેવા ઋતુ અનુસારના સેવાકાર્યો પણ તેમની સેવાનો અભિન્ન ભાગ છે. આ તમામ કાર્યો સંપૂર્ણપણે નિઃસ્વાર્થ ભાવનાથી અને સમાજના છેવાડાના માનવી સુધી પહોંચવાના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે. આ ઉપરાંત દેશની સૌથી મોટી શિવકથાનું સૂરતમાં આયોજન કરવાનો શ્રેય પણ સમ્રાટ પાટિલ અને તેમના પરિવારને જાય છે.

આ સાથે એક વિશેષ વાત એ છે કે આ સેવા પાછળ સમ્રાટ પાટીલનો કોઈ સ્વાર્થ કે રાજકીય લક્ષ્ય પણ જણાઈ રહ્યું નથી. હા સમ્રાટ પાટીલ PM મોદી અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહને પોતાના આદર્શ તરીકે અવારનવાર ચર્ચાઓમાં વર્ણવતા હોય છે અને એમનાથી પ્રેરિત થઈને નિઃસ્વાર્થ સમાજમાટે કામ કરી રહ્યા હોવાનું જણાવતા હોય છે. પરંતુ તે કોઇ જૂથબંધીથી પર રહીને સૌનો સાથ, સૌનો વિકાસ સૂત્ર આત્મસાત કરીને કામ કરતા હોય છે.

સમ્રાટ પાટીલ એટલે કે સમ્રાટ ભાઉના નામે જાણીતા તેમના જેવા યુવા સમાજસેવકો સેવા કરતા રહે અને આવા સમાજસેવકો સુરતમાં વસતા દરેક પ્રાંતના લોકોમાંથી આગળ આવશે તો લઘુભારત એવું સુરત સેવા ક્ષેત્રે પણ દીપી ઉઠશે એમા કોઈ જ મીનમેખ નથી.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

