- Opinion
- મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
(ઉત્કર્ષ પટેલ)
આજના ભારતમાં રાજકીય મંચ પર આરોપ અને પ્રત્યારોપની લહેર એટલી અસરકારક બની છે કે તે દેશના યુવાને પોતાના ધ્યેયથી દૂર ધકેલી રહી છે. સોશિયલ મીડિયાના યુગમાં યુવા આંદોલનો અને રાજકીય પક્ષોની રોજની નવી રણનીતિઓ એકબીજા સાથે સંઘર્ષની સ્થિતિમાં છે. સરકારો ટકાવવા કે પાડી દેવાના નામે રોજ નવા કાવાદાવા ઊભા થાય છે અને તેમાં યુવા તથા સોશિયલ મીડિયાને આગળ કરીને એક પ્રકારની રમત રમાય છે. આ રમતને સમજવાની અને તેમાંથી બહાર નીકળવાની તાતી જરૂર છે કારણ કે દેશનું ભવિષ્ય આ જ યુવાના હાથમાં છે.
રાજકીય પક્ષો આરોપ પ્રત્યારોપને પોતાનું મુખ્ય હથિયાર બનાવતા આવ્યા છે. એક પક્ષ બીજા પર ભ્રષ્ટાચાર, અન્યાય કે નિષ્ફળતાના આરોપ મૂકે છે તો બીજો પક્ષ તરત જ પ્રત્યારોપ સાથે જવાબ આપે છે. આ ચક્ર એટલું જટિલ બની ગયું છે કે વાસ્તવિક સમસ્યાઓ શિક્ષણની ગુણવત્તા, રોજગારી, આરોગ્ય સેવાઓ, પર્યાવરણ અને સર્વાંગી વિકાસ નો વિષય રહી જાય છે. યુવા જેમની ઉર્જા અને ઉત્સાહ અમર્યાદિત છે આ રાજકીય સ્વાર્થના ચક્રમાં ખેંચાઈ જાય છે. સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ હેશટેગ્સ, વાયરલ વીડિયો અને ચક્સાઈ વિનાની માહિતી તેમને ભાવનાત્મક રીતે પ્રભાવિત કરે છે. પરિણાએમ સ્વરૂપે તેઓ વિચારવાને બદલે પ્રતિક્રિયા આપવા લાગે છે. યુવા આંદોલનો ક્યારેક વાજબી માંગણીઓ સાથે શરૂ થાય છે પણ ટૂંક સમયમાં તે રાજકીય પક્ષોના હિતોના માધ્યમ બની જાય છે. આ પરિસ્થિતિ યુવાને તેમના અભ્યાસ, કૌશલ્ય વિકાસ અને રચનાત્મક પ્રવૃત્તિઓથી વિમુખ કરે છે.

આ રમતની સાચી તાર્કિક સમજ જ આજના યુવાને જાગૃત કરી શકે છે. સોશિયલ મીડિયા એક શક્તિશાળી માધ્યમ છે પણ તે માહિતીનું ફિલ્ટર નથી. અધૂરી હકીકતો, ભાવનાત્મક આહવાહનો અને પક્ષપાતી વાતો યુવાને ગેરમાર્ગે દોરી શકે છે. જ્યારે રાજકીય પક્ષો યુવાને આગળ કરીને પોતાના એજન્ડાને આગળ ધપાવે છે ત્યારે યુવાનું વાસ્તવિક હિત સારું શિક્ષણ, રોજગાર, કૌશલ્ય અને સમાજની પ્રગતિ પાછળ રહી જાય છે. દેશની સરકારો ટકે કે પડે તે રાજકીય પ્રક્રિયાનો ભાગ છે પણ યુવાને તેની ભૂમિકા માત્ર નારા લગાવવાની, રીલો બનાવવાની કે ટ્વીટ કરવાની નથી. તેમની ભૂમિકા વધુ મૂલ્યવાન અને યોગ્ય હોવી જોઈએ જેમાં આપણા દેશ અને સમાજની અસ્મિતાનું મૂલ્ય મર્યાદાઓ પણ જળવાવી જોઈએ.
ભારતનું ભવિષ્ય આજના યુવાના હાથમાં છે અને તે સકારાત્મક હોઈ શકે છે જો તેઓ આરોપ પ્રત્યારોપની રાજનીતિથી મુક્ત થઈને વિકાસની દિશામાં આગળ વધે. આજે દેશમાં ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ સંસ્કૃતિ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈજ્ઞાનિક સંશોધનની અપાર તકો છે. યુવા જો આ તકોનો લાભ લે તો તેઓ માત્ર પોતાનું જ નહીં પણ સમગ્ર રાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે. શિક્ષણમાં ગુણવત્તા વધારવી, કૌશલ્ય વિકસાવવું, નવા વિચારોને વાસ્તવિક સ્વરૂપ આપવું અને સમાજના નબળા વર્ગોને સાથે લઈને આગળ વધવું આ જ યુવાની સાચી શક્તિ છે. રાજકીય વિવાદોમાં સમય વેડફવાને બદલે તેઓ નીતિનિર્માણમાં રચનાત્મક સૂચનો આપી શકે છે, સ્થાનિક સમસ્યાઓના ઉકેલ શોધી શકે છે અને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવી શકે છે.

તટસ્થ દૃષ્ટિકોણથી જોઈએ તો આરોપ પ્રત્યારોપની રાજનીતિ કોઈ એક પક્ષની નથી તે સમગ્ર રાજકીય વ્યવસ્થાની પ્રકૃતિ રહી છે. તેને બદલવાની જવાબદારી માત્ર નેતાઓની નથી પણ યુવાની પણ છે. યુવાએ વિવેકપૂર્ણ વિચાર કરવો જોઈએ, માહિતીની ચકાસણી કરવી જોઈએ અને ભાવનાત્મક પ્રતિક્રિયાને બદલે તર્કશીલ અભિગમ અપનાવવો જોઈએ. સોશિયલ મીડિયાનો ઉપયોગ માહિતી ફેલાવવા માટે થાય પણ તેનો ઉપયોગ રચનાત્મક ચર્ચા અને સમાધાન માટે થવો જોઈએ. યુવા આંદોલનો જો વાસ્તવિક મુદ્દાઓ પર કેન્દ્રિત રહે અને રાજકીય લાભથી મુક્ત રહે તો તે સમાજને સાચી દિશા બતાવી શકે છે.
જો ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું છે તો યુવાનોની ઊર્જા સાચી દિશામાં લાગવી જોઈએ. યુવાનોમાં રાષ્ટ્રભક્તિ, સેવા, સામાજિક ઉત્તરદાયિત્વ અને સકારાત્મક નેતૃત્વના સંસ્કાર વિકસાવવા જરૂરી છે. આંદોલનોને માત્ર રાજકીય ચશ્માથી નહીં, પણ રાષ્ટ્રીય, સામાજિક અને બંધારણીય દૃષ્ટિથી પણ સમજવાની જરૂર છે. તેનો જવાબ માત્ર આલોચના નથી. યુવાનો વચ્ચે સકારાત્મક સંવાદ, રાષ્ટ્રભાવના, સેવા અને સમાજ-નિર્માણના કાર્યોનો વ્યાપક વિસ્તાર કરવો જ સૌથી અસરકારક માર્ગ છે.
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે. તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો. તમારી અંદર સર્જનશક્તિ છે. તેને વિનાશ માટે નહીં, નિર્માણ માટે વાપરો. તમારી અંદર પ્રશ્ન પૂછવાની શક્તિ છે. તેને માત્ર વિરોધ માટે નહીં, સમાધાન અને સુધારા માટે વાપરો.
રાષ્ટ્ર તમારી રાહ જોઈ રહ્યું છે. તમે જો સાચી દિશામાં આગળ વધશો તો ભારત વિશ્વનું માર્ગદર્શક બની શકે છે. જો તમે ગેરમાર્ગે જશો તો ઇતિહાસ તમને માફ નહીં કરે.

આજે નિર્ણય તમારો છે: ક્યાં વાળવી છે તમારી ઊર્જા?
કયા માર્ગે ચાલવું છે? કેવું ભારત બનાવવું છે?
સાચો જવાબ તમારા હૃદયમાં છે.
રાષ્ટ્રભક્તિ, સેવા અને સકારાત્મક નિર્માણનો માર્ગ જ સાચો માર્ગ છે. ચાલો, આ માર્ગે ચાલીએ અને ભારતને વિકસિત, સમૃદ્ધ અને મહાન રાષ્ટ્ર બનાવીએ.
જય હિન્દ!
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

