- Opinion
- Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
આજે દેશના રાજકીય ફલક પર એક અણધાર્યું પરંતુ પ્રભાવશાળી પરિવર્તન આવી ગયું છે. જે રાજકારણીઓ એક સમયે મંચ પર ભાષણ આપીને, રેલીમાં હાથ હલાવીને, ફેસબુક ઈન્સ્ટા પર ફોટા મૂકીને અને અખબારોના પાના પર છપાઈને પોતાનું અસ્તિત્વ જાળવતા હતા તેઓ આજે મોબાઈલના નાના સ્ક્રીન પર વિષયો પર ચર્ચા કરતા અને ટ્રેન્ડિંગ ઓડિયો પર રીલ્સ બનાવતા જોવા મળે છે. આ પરિવર્તન અચાનક નથી આવ્યું. તેને જન્મ આપ્યો છે દેશના યુવાઓએ વિશેષ કરીને Gen-Zએ. આ યુવાઓએ સોશિયલ મીડિયાને માત્ર મનોરંજનનું માધ્યમ નહીં પરંતુ સત્તા/સરકારો સામે પ્રશ્ન ઊભો કરવાનું અને જવાબદારી માગવાનું સૌથી શક્તિશાળી હથિયાર બનાવી દીધું છે.
દિલ્હીના જંતરમંતર પર યુવાઓએ કરેલા ધરણા પ્રદર્શનનું ઉદાહરણ આ સત્યને સ્પષ્ટ કરે છે. એક સમયે જ્યારે પરંપરાગત મીડિયા અને રાજકીય પક્ષો યુવાનોની વાતને અવગણતા હતા ત્યારે આ જ યુવાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની વાતને રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બનાવી દીધો. રીલ્સ, સ્ટોરીઝ, હેશટેગ્સ અને લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા તેમણે એવી અસરકારકતા ઊભી કરી કે સરકારો અને વહીવટી તંત્રને વિચારવાની ફરજ પડી. આ આંદોલનની સફળતા માત્ર સંખ્યાની નહોતી પરંતુ વિચારની, ત્વરિત પ્રતિક્રિયાઓની અને વિશ્વાસની હતી. યુવાઓએ સાબિત કર્યું કે જો તેમની પાસે સાચો મુદ્દો હોય અને સોશિયલ મીડિયાની ભાષા હોય તો તેઓ રાજકીય સમીકરણોને બદલી શકે છે.

આ પરિવર્તનની સૌથી મોટી અસર એ છે કે આજે રાજકારણીઓ સોશિયલ મીડિયા પર સક્રિય થવા માટે ઉતાવળ કરી રહ્યા છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને સ્નેપચેટ જેવા પ્લેટફોર્મ્સ પર તેમની હાજરી હવે રાજકારણીઓ માટે અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે. તેઓ યુવાઓના ટ્રેન્ડ્સને પકડવા માટે રોજ નવા વિષયો શોધે છે, પોતાના ફોલોઅર્સ વધારવા માટે કન્ટેન્ટ બનાવે છે અને યુવાનો સાથે “કનેક્ટ” થવાનો દાવો કરે છે. પરંતુ આ કનેક્શન કેટલું સાચું છે? આ પ્રશ્ન આજે સૌથી મહત્ત્વનો બની ગયો છે.
યુવાઓએ જે માધ્યમને પોતાની ઢાલ બનાવ્યું તેને રાજકારણીઓએ પોતાની ઓળખ બનાવવાનું સાધન બનાવી દીધું હતું. રીલ્સ બનાવવાનું, ટ્રેન્ડિંગ સોંગ્સ પર નાચવાનું કે યુવાઓની ભાષામાં વાત કરવાનું હવે રાજકીય જરૂરિયાત બની ગયું છે. પરંતુ આ જરૂરિયાત ઘણી વાર તકવાદી બની જાય છે. જ્યારે યુવાઓ કોઈ મુદ્દે આંદોલન કરે છે ત્યારે રાજકારણીઓ તે મુદ્દાને પોતાના રાજકીય લાભ માટે વાપરી લે છે. જ્યારે મુદ્દો ઠંડો પડે છે ત્યારે તેમની રીલ્સમાંથી પણ તે મુદ્દો અદૃશ્ય થઈ જાય છે. આ તકવાદી વલણ યુવાઓ માટે સૌથી મોટી ચિંતા અને નિરાશાનું કારણ છે.

યુવાઓ સોશિયલ મીડિયાને માત્ર લાઈક્સ અને વ્યૂઝ માટે નથી વાપરતા. તેમના માટે તે એક એવું માધ્યમ છે જ્યાં તેઓ પોતાની હતાશા, આકાંક્ષા અને પ્રશ્નોને ખુલ્લેઆમ મૂકતા થયા છે. તેઓ જાણે છે કે સરકારો તેમની વાત સાંભળતી નથી તેથી તેમણે પોતાનું માધ્યમ ઊભું કર્યું. આ માધ્યમે રાજકારણીઓને ફરજ પાડી કે તેઓ યુવાઓની ભાષા શીખે, તેમના પ્લેટફોર્મ્સ પર આવે અને તેમની સાથે વાત કરે. પરંતુ વાત કરવી અને સાંભળવું બે અલગ વસ્તુઓ છે. આજે મોટાભાગના રાજકારણીઓ માત્ર વાત કરવાનું શીખ્યા છે સાંભળવાનું હજુ પણ તેમના એજન્ડામાં નથી.
આ સ્થિતિ યુવાઓ માટે ચેતવણીરૂપ છે. જ્યારે રાજકારણીઓ યુવાઓની ભાષામાં વાત કરવા લાગે છે ત્યારે યુવાઓને એ સમજવું જરૂરી છે કે આ ભાષા ક્યારે અસલી છે અને ક્યારે માત્ર રાજકીય વ્યૂહરચના છે. રીલ્સ બનાવવી સરળ છે પરંતુ યુવાઓના વાસ્તવિક પ્રશ્નોના ઉકેલ લાવવા મુશ્કેલ છે. બેરોજગારી, શિક્ષણની ગુણવત્તા, માનસિક સ્વાસ્થ્ય, આર્થિક અસમાનતા અને ભવિષ્યની અનિશ્ચિતતા જેવા મુદ્દાઓ પર રીલ્સ બનાવવાથી કામ થતું નથી. આ મુદ્દાઓ પર કામ કરવું પડે છે. યુવાઓએ આ તફાવત સમજી લીધો છે તેથી જ તેઓ હવે માત્ર રીલ્સ જોઈને સંતુષ્ટ થતા નથી.
સોશિયલ મીડિયાએ રાજકારણને લોકશાહી તરફ વાળ્યુ છે. આજે સમય એવો આવ્યો કે રાજકારણીઓની છબી તેમના કામથી ઓછી અને સોશિયલ મીડિયા પોસ્ટોથી બને છે. જે રાજકારણી વધુ સારી રીલ્સ બનાવે છે તે વધુ “યુવામિત્ર” ગણાય છે. આ વલણ ખતરનાક છે કારણ કે તે રાજકારણને ગંભીરતાથી દૂર લઈ જાય છે. યુવાઓએ આ બનાવટી ચહેરાઓને ઓળખી જાણી સમજી લીધા છે. તેઓ જાણે છે કે સોશિયલ મીડિયા એક માધ્યમ છે અંતિમ લક્ષ્ય નહીં. તેમનું લક્ષ્ય છે વાસ્તવિક પરિવર્તન, જવાબદારી અને પારદર્શિતા.

આજે દેશના યુવાઓ એક નવી રાજકીય ચેતનાના વાહક બની રહ્યા છે. તેઓ રાજકારણીઓને ફરજ પાડી રહ્યા છે કે તેઓ પોતાના આરામના ઝોનમાંથી બહાર નીકળે અને યુવાઓની દુનિયામાં પ્રવેશે. આ દબાણ સકારાત્મક છે કારણ કે તે રાજકારણને યુવા કેન્દ્રિત બનાવે છે. પરંતુ આ દબાણને તકવાદી રીતે વાપરવાનો પ્રયાસ થાય છે ત્યારે યુવાઓએ વધુ સજાગ રહેવું પડશે. તેમણે રાજકારણીઓની રીલ્સ જોઈને નહીં પરંતુ તેમના કામને જોઈને નિર્ણય કરવો પડે છે. યુવાઓની આ શક્તિનું સૌથી મોટું પરિણામ એ છે કે રાજકારણ હવે એકતરફી નથી રહ્યું.

