- National
- Gen Z પર આંખ મીંચીને ભરોસો છે: વિરોધ પ્રદર્શન કરવાથી કોઈ દેશવિરોધી નથી બની જતુઃ RSS વડા મોહન ભાગવત
Gen Z પર આંખ મીંચીને ભરોસો છે: વિરોધ પ્રદર્શન કરવાથી કોઈ દેશવિરોધી નથી બની જતુઃ RSS વડા મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ગુરુવારે દેશની યુવા પેઢી પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ Gen Z પર આંખ મીંચીને ભરોસો કરશે. આ સાથે જ તેમણે ઉમેર્યું કે દેશમાં એક સુધારેલી અને સારી વ્યવસ્થા માટે વિદ્યાર્થીઓને વિરોધ કરવાનો પૂરો અધિકાર છે.
મોહન ભાગવતે સ્વીકાર્યું હતું કે તેમને તાજેતરમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલા ઘર્ષણ અંગે ચોક્કસ માહિતી નથી, પરંતુ યુવાનો પ્રત્યેનો તેમનો વિશ્વાસ અડીખમ છે.
પેપર લીક સામેના વિરોધ પ્રદર્શનો અને લોકશાહીમાં ચર્ચા-વિચારણાના મહત્વનો ઉલ્લેખ કરતા મોહન ભાગવતે જણાવ્યું હતું કે લોકશાહીમાં વિરોધ એ સંવાદ સાધવાનું એક માધ્યમ છે. લોકશાહી એ ચર્ચા અને વાટાઘાટો પછી સર્વસંમતિ સાધવાની પદ્ધતિ છે. યુવાનોની ફરિયાદો વ્યાજબી છે અને આપણી દેશની શિક્ષણ વ્યવસ્થામાં ઘણા મોટા સુધારા કરવાની જરૂર છે, તેથી જ સંવાદ થવો અત્યંત જરૂરી છે.
તેમણે અગાઉની પેઢીઓ સાથે સરખામણી કરતા કહ્યું કે પહેલી પેઢીના લોકો કદાચ જ અધિકારીઓ કે શાસકોને પ્રશ્નો પૂછતા હતા. પરંતુ આજની 'Gen Z' અને 'Gen Alpha' પેઢી સવાલો પૂછે છે અને લાગણીસભર તથા તાર્કિક જવાબોની અપેક્ષા રાખે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેઓ ક્યારેય યુવાનોને વિરોધ પ્રદર્શન કરતા અટકાવશે નહીં.

સંઘ પ્રમુખે ઉમેર્યું હતું કે, હું ક્યારેય નહીં કહું કે Gen Z એ વિરોધ ન કરવો જોઈએ, પરંતુ લોકશાહીમાં રજૂઆત કરવાનો એક યોગ્ય રસ્તો હોવો જોઈએ. આપણે એ જોવું પડશે કે જો યુવાનો અવાજ ઉઠાવી રહ્યા છે, તો તે માત્ર વિરોધ કરવા માટે નથી, પરંતુ વ્યવસ્થામાં સુધારો લાવવા માટે છે.
તેમણે સ્વીકાર્યું કે હાલની સિસ્ટમમાં ખામીઓ છે જેને સુધારવી જરૂરી છે. સકારાત્મક બદલાવ લાવવાના ઉદ્દેશ્યથી થતા વિરોધને લોકશાહીમાં સહભાગિતાની વ્યાજબી અભિવ્યક્તિ ગણવી જોઈએ.
પ્રશ્નો પૂછનારા કે વિરોધ કરનારા યુવાનોને 'એન્ટી નેશનલ' (દેશવિરોધી) ગણાવી દેવાના આરોપો અંગે બોલતા ભાગવતે વધુ સહાનુભૂતિ અને સમજદારી દર્શાવવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું, આજની પેઢી સૌથી ઈમાનદાર પેઢી છે. તેમની વાત સાંભળવી જોઈએ અને તેમને એવું લાગવું પણ જોઈએ કે તેમની વાત સાંભળવામાં આવી રહી છે. વિરોધ કરનારા લોકો દેશવિરોધી નથી બની જતા, તેઓ આપણા જ પોતાના લોકો છે.
આંદોલનો દરમિયાન ટીયર ગેસ અને પેલેટ ગનના ઉપયોગના અહેવાલો અંગે તેમણે કહ્યું કે તેમની પાસે આ બનાવો અંગે કોઈ અધિકૃત માહિતી નથી. આંદોલનમાં કેટલાક અસામાજિક તત્વો ઘૂસી ગયા હોવાના અહેવાલો પણ છે, પરંતુ ચોક્કસ માહિતી વિના તેના પર ટિપ્પણી કરવી યોગ્ય નથી.
દેશની શિક્ષણ વ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરતા RSS વડાએ કહ્યું કે શિક્ષણ એ કોઈ વ્યાવસાયિક ધંધો નથી. શિક્ષણ આપવું એ માત્ર સરકારની જ નહીં, પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે. સમાજની મદદથી જ શિક્ષણ વ્યવસ્થાને શ્રેષ્ઠ બનાવી શકાય. હાલમાં શિક્ષણનો આર્થિક બોજ ખૂબ વધી ગયો છે. આપણી સિસ્ટમનું નિયમિત મૂલ્યાંકન થવું જોઈએ અને શિક્ષકોને યોગ્ય તાલીમ આપવી જરૂરી છે.
યુવાનો પર સોશિયલ મીડિયાના પ્રભાવ અંગે બોલતા તેમણે કહ્યું કે માત્ર કાયદા બનાવવાથી કામ નહીં ચાલે, પરંતુ માનસિકતા બદલવી પડશે. આપણે આપણા 'રોલ મોડેલ્સ' બદલવાની જરૂર છે. જો કોઈ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરના 1 મિલિયન ફોલોઅર્સ હોય, તો તેને ભાન હોવું જોઈએ કે તે લોકોને ગેરમાર્ગે ન દોરે.
તેમણે ઉમેર્યું કે સાચા અને ભરોસાપાત્ર સ્ત્રોતોની ચકાસણી કરવી જરૂરી છે. માત્ર કોઈ વસ્તુ પર પ્રતિબંધ મૂકવાથી ઉકેલ નથી આવતો, કારણ કે લોકો તેનાથી બચવાના રસ્તા શોધી જ લે છે. તેથી પ્રતિબંધના બદલે યોગ્ય દિશા આપવી જરૂરી છે.

