ઈર્ષાળુને આશીર્વાદ..

વર્ષો પહેલાં ભારતમાં ટેલિવિઝનની એન્ટ્રી પડી પછી શરૂઆતના સમયમાં ક્રાઉન, ડાયાનોરા, ઓનિડા, તોશિબા જેવી રડીખડી કંપનીઓના જ સારાની કક્ષામાં મૂકી શકાય એવા ટેલિવિઝન મળતાં. તમારે ઘરે ટીવી છે અને જો છે તો કઈ બ્રાન્ડનું છે એના પરથી સ્ટેટસ નક્કી થતું. ઓનિડા ટીવીની જાહેરખબર બહુ કેચી આવતી.. એક લીલા રંગનો રાક્ષસ મોંઢા પર કુટિલ હાસ્ય સજાવીને બોલતો : ઓનિડા… નેઈબર્સ એન્વી, ઑનર્સ પ્રાઈડ.. જોરદાર પ્રચલિત થયેલી આ ટેગલાઈન. વાત અહીં ઈર્ષાની કરવી છે, જસ્ટ ઐસે હી. ઈર્ષા કે અદેખાઈનો રંગ લીલો છે એ આ જાહેરખબરના લીધે મને સમજ પડેલી. 

લોકોને જાતભાતની ઈર્ષાઓ આવતી હોય છે. ઈર્ષા જન્મજાત ગુણ છે. કોઈ સારું દેખાતું હોય તો પોતે ય એવા સારા દેખાવાનો એક પણ પ્રયત્ન બાકી નહીં મૂકે. એમ જ તો બધી જ બ્યુટી પ્રોડક્ટ્સ ધૂમ નહીં કમાતી હોય ને ! મૂળ કારણ એ લઈ ગયા ને અમે રહી ગયા વાળી મનોવૃત્તિ, યુ સી. ‘મેરી સાડી સે ઉસકી સાડી સફેદ કૈસે?’ જેવી પંક્તિનો  કપડાં ધોવાના સાબુમાં ઉપયોગ કરીને કંપનીએ સારો એવો વેપલો કરી લીધો અને હજુ ય કરતી રહેશે. આ જાહેરાત દ્વારા જાણે અજાણે સાબુના ઉત્પાદકોએ અબળા નારી પર કુઠારાઘાત કર્યો છે. ઈર્ષા પર માત્ર સ્ત્રીઓનો જ ઇજારો છે એવું કોણે કહ્યું? સ્ત્રીઓ નિખાલસતાથી આ બાબતે  પોતાની લાગણી પ્રદર્શિત કરી શકે છે એટલે એ બિચારી બોલીને બદનામ થાય છે. બાકી પુરુષોને ય ઈર્ષા તો આવે જ હોં. મહાભારતના મૂળિયા દુર્યોધનની ઈર્ષામાંથી નંખાયેલા. દુર્યોધનને પાંડવોની બહુ જ ઈર્ષા આવતી. અને એટલે જ ‘સોયના નાકા જેટલી ય જમીન નહીં આપું.’  જેવું બોલી નાંખ્યું હશે ને જગતને ‘ગીતા’ની ભેટ મળી. Blessings in disguise … તો રામાયણમાં મંથરાબેન હતા. મારી રાણી કૈકેયીના ભરતને ગાદી નહીં મળે કરતા રામને ગાદી મળશેની  ઈર્ષાને પરિણામે જગતને મર્યાદાપુરુષોત્તમ રામના પરાક્રમોની જાણ થઈ. અગેઇન, blessings in disguise. ઈર્ષાને એવું કોઈ જેન્ડર બાયઝ કે ઉંમર બાધ કે જ્ઞાતિબાધ નડતો નથી. એ તો આ બધા વાડાઓથી પર છે. એને એવું અભિમાન નહીં. માત્ર એના પ્રાગટ્ય સ્વરૂપની માત્રામાં ફરક હોય. કોઈનામાં દેખાય એવું , ભારોભાર છલક છલક.. તો કોઈનામાં કોઈને ય ન દેખાય એવા સૂક્ષ્મ સ્વરુપે ખદબદ ખદબદ .. પણ બંનેનું પરિણામ સરખું જ આવે. ધારકને જ કોરી ખાય. ઈર્ષાળુ અન્યને પહોંચાડે એના કરતાં વધુ નુકસાન સ્વને જ પહોંચાડે છે. 

ઈર્ષા મુખ્યત્વે ચાર પ્રકારની હોય છે.

૧. સ્વવિકાસ માટે થતી ઈર્ષા: આ પ્રકારની ઈર્ષામાં જાતક જેની ઈર્ષા આવતી હોય એના સ્તર સુધી પહોંચવા નિષ્ઠાથી પ્રયાસ કરે. એમાં કોઈને નુકસાન પહોંચાડવાની વાત આવતી નથી. તંદુરસ્ત સ્પર્ધા હોય ત્યાં જ આ ઈર્ષા જોવા મળે છે.  આ પ્રકાર શ્રેસ્ઠેસ્ટ કહેવાય. દુર્ભાગ્યે આ પ્રકાર શાળા કે કૉલેજમાં અભ્યાસ કરતા હોઈએ ત્યાં સુધી સામાન્ય અને એ  પછી દુર્લભ છે. 

૨. સ્વવિનાશ તરફ દોરી જતી ઈર્ષા:  આ પ્રકારના જાતક પ્રપંચી હોય છે. અન્યોને નુકસાન પહોંચાડીને પોતે ઉપર આવવા પ્રયત્ન કરે. બીજાની લીટી નાની કરવા માટે પોતાની લીટી મોટી કરવાને બદલે પેલી લીટી ભૂંસવાનો પ્રપંચ કરે ને સરવાળે પોતાનું ય અહિત કરે.એમને ખુશામત અતિપ્રિય હોય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે ગ્લૅમર વર્લ્ડ અને રાજકારણમાં આવા પ્રકારના ઈર્ષાળુઓ ચારેકોર જોવા મળે. ભાગ્યે જ કોઈ અન્ય માટે લાંબો સમય સુધી સારું બોલી શકે. એટલે એમની દોસ્તી દુશ્મનીના કાટલાં જુદાં હોય છે. આજે એકબીજાં પર જાન ન્યોછાવર કરી દેનારા કાલે એકબીજાનું મોંઢુ ય જોવા તૈયાર ન હોય એવા દાખલા એક કો ઢૂંઢો હજાર મિલતે હૈં. 

૩. કરવા ખાતર કરાતી ઈર્ષા: આમાં જાતક પોતે કશું કરી શકવાને અક્ષમ હોય એટલે માત્ર ઈર્ષા કરીને સંતોષ માની લે. પછી ભૂલી ય જાય કે પોતાને ઈર્ષા આવેલી. મુકેશ અંબાણીની ઈર્ષા કરવાથી એમને કોઈ એ વિષે કહેવા ય નથી જવાનું ને ઈર્ષાળુને કંઈ ફરક પણ નથી પડતો. 

૪. દેખાદેખીમાં કરી નાંખેલી ઈર્ષા: બધા ફલાણાની પ્રશંસા કરે ને મને કોઈ પૂછે ય નહીં એ કેમ ચાલે એમ વિચારીને ઈર્ષાગ્નિમાં કૂદી પડનારા ઈર્ષાવીર તમને સોશિયલ સાઈટ્સ પર બધે જ દેખાય. પોતે સુપેરે જાણતા હોય કે આ સાવ નીચલી કક્ષાની વર્તણૂક છે તેમ છતાં ય પોતાની લાગણીઓ પર કાબુ રાખી શકતાં નથી અને કોઈએ કવિતા લખી હોય તો એના વખાણ કરવાને બદલે પોતાનેય એવું લખતાં આવડે છે એવો દેખાવ ઊભો કરે. કોઈએ કોઈના માટે જરા સારો અભિપ્રાય આપ્યો હોય તો પોતાના માટે કેમ કોઈ એવું નથી કહેતું એવી જાહેરમાં જ મીઠી ! ફરિયાદ કરીને ઈર્ષા આવે છે એવું આડકતરું સૂચવે અથવા જેના વિષે વાત થતી હોય એ કે જેણે પ્રશંસા કરી છે એમનો અભિપ્રાય કેટલાે ખોટાે છે એ સાબિત કરવા ગમે તે કક્ષાએ જાય. આવા લોકો કદી સારાં મિત્રો બની નથી શકતાં. પાછાં એ લોકોને થાબડભાણો કરનારાં ય મળી જ આવે. ઈર્ષાને લીધે એમને ક્યાંક ને ક્યાંક , કંઈક ને કંઈક વાંકું જ દેખાય. ‘દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના અઢાર છે’ પંક્તિ એમણે વાંચી જ નહીં હોય અથવા ઓપ્શનમાં કાઢી હશે.

લંડનમાં એક બહેને એની પાડોશણ પર એ રસોઈ મસાલેદાર બનાવે છે એવા કારણસર કોર્ટમાં કેસ કર્યો. એ બહેનનું કહેવું એમ હતું કે પાડોશણ મરચું વાપરે છે એના ઝેરી ધુમાડાની અસર લગભગ આઠ કલાક રહે છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. પાડોશણને સમજાવી જોઈ પણ એ માનતી જ નથી એટલે કેસ કરવો પડ્યો. કોર્ટે શું ચુકાદો આપ્યો એ તો હજુ જાહેર નથી થયું પણ મને લાગે છે કે પેલાં ફરિયાદી બહેન મૂળ તો સ્વાદિષ્ટ સોડમના લીધે પોતાને ત્યાં એવી સોડમ નથી આવતી એવી ઈર્ષા અનુભવી રહ્યા હોવા જોઈએ. 

ક્રોંખારો: ઈર્ષા ધીમું ઝેર છે.

Related Posts

Top News

સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
Sports 
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન

અમદાવાદે યુરોપિયન સંસ્થા 'નુમ્બિયો'ના 2025ના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકેનું સ્થાન મેળવ્યું છે. આ રિપોર્ટ...
National 
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન

Ph.D સ્કોલરે રાજ્યપાલ પાસે ડિગ્રી લેવાનો ઇનકાર કરી દીધો તો ત્યાં ઉભેલા જોતા રહી ગયા!

તે દીક્ષાંત સમારોહનો પ્રસંગ હતો. એક પછી એક ડિગ્રીધારકોને ડિગ્રીઓ એનાયત કરવામાં આવી રહી હતી. રાજ્યપાલ પોતે આ ખાસ પ્રસંગે...
National 
Ph.D સ્કોલરે રાજ્યપાલ પાસે ડિગ્રી લેવાનો ઇનકાર કરી દીધો તો ત્યાં ઉભેલા જોતા રહી ગયા!

દેશી કંપની લાવાએ 5G ફોન લોન્ચ કર્યો, તમને મળશે ગૂગલ પિક્સેલ જેવી ડિઝાઇન, જાણો કિંમત

દેશી સ્માર્ટફોન કંપની લાવાએ પોતાનો નવો મોબાઇલ ફોન લોન્ચ કરી દીધો છે, જે શક્તિશાળી સુવિધાઓ સાથે આવે છે. કંપનીએ...
Tech and Auto 
દેશી કંપની લાવાએ 5G ફોન લોન્ચ કર્યો, તમને મળશે ગૂગલ પિક્સેલ જેવી ડિઝાઇન, જાણો કિંમત
Copyright (c) Khabarchhe All Rights Reserved.