- Opinion
- મિત્રોનો ડાયરો મળ્યો હોય ત્યારે હાજરી પુરાવાનું ક્યારેય ચૂકશો નહીં
મિત્રોનો ડાયરો મળ્યો હોય ત્યારે હાજરી પુરાવાનું ક્યારેય ચૂકશો નહીં
(ઉત્કર્ષ પટેલ)
આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના ઊંડાણમાં વસી જાય છે. મિત્રોનો ડાયરો મળવો એટલે જાણે પરમાત્માએ આપેલી એક અમૂલ્ય ભેટ મળવી. મિત્રો જીવનના એવા સાથીઓ છે જે સુખ-દુઃખમાં હંમેશા સાથે રહે છે જેમની સાથે ગમે ત્યારે હૃદય ખોલીને વાત કરી શકાય છે. એક નિઃસ્વાર્થ મિત્ર તો જાણે ઈશ્વરનો અવતાર હોય છે જે આપણને કોઈ અપેક્ષા વિના પ્રેમ, સમજણ અને સમર્થન આપે છે.
મિત્રોની સંગતમાં જીવનનો સાચો આનંદ દબાયેલો હોય છે. જ્યારે મિત્રો ભેગા થાય ત્યારે એક એવું વાતાવરણ બને છે જ્યાં હાસ્ય, ચર્ચા અને યાદોનો મહોલ બંધાય છે. એ ક્ષણોમાં દુનિયાની બધી ચિંતાઓ હળવી થઈ જાય છે અને આપણું મન એક અજાણ્યા સુખથી ભરાઈ જાય છે. મિત્રોની હાજરીમાં એક નાની ચા-નાસ્તાની બેઠક પણ જીવનનો સૌથી મોટો ખજાનો બની જાય છે. આવી ક્ષણોમાં જીવનની દોડધામ, ચિંતાઓ અને જવાબદારીઓ થોડીવાર માટે થંભી જાય છે અને આપણે ફક્ત એ પળનો આનંદ માણીએ છીએ.

મિત્રોનો સાથ મળવો એટલે જાણે જીવનનો સૌથી સુંદર પ્રવાસ માણવો. જ્યારે મિત્ર યાદ કરે ત્યારે હૈયામાં એક અલગ જ ઉમંગ જાગે છે. એવું લાગે કે આ દુનિયામાં કોઈક તો છે જે આપણને ખરેખર સમજે છે. મિત્રોની સાથે વીતેલી દરેક ક્ષણ યાદગાર હોય છે જે આખી જીંદગી આપણને હસાવે છે, રડાવે છે અને જીવનનો સાચો અર્થ શીખવે છે.
મિત્રતા એવી ભેટ છે જેને સાચવવી જોઈએ. જીવનની ભાગદોડમાં બધું જ થોભાવીને મિત્રોની પાસે જવું, એમની સાથે હસવું, એમની સાથે સુખ દુઃખની વાતો કરવી એ જીવનનું પરમ સુખ છે.
તો ચાલો આજે તમારા મિત્રોને યાદ કરો, એક ફોન કરો, સંદેશો મોકલો કે પછી મળવાનું નક્કી કરો અને મિત્રોનો ડાયરો જમાવો... મિત્રોની સંગતમાં જીવનનો સાચો સમય ગાળો.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

