- Business
- આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો
રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ થયો હતો, જે તેનો બીજું રેકોર્ડ નીચલું સ્તર છે. શરૂઆતના વેપારમાં ઘરેલુ મુદ્રા અમેરિકન ડોલરની તુલનમાં 90.55ના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગઈ હતી, જેનું મુખ્ય કારણ અમેરિકા સાથેના વેપાર કરારમાં વિલંબ છે.
આંકડાઓ પર વાત કરીએ તો ભારતીય રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં 90.31ના ઐતિહાસિક નીચલા સ્તરે ખુલ્યો. ટ્રેડિંગ સત્ર દરમિયાન રૂપિયો વધુ નબળો પડ્યો અને 90.55ના નવા નીચલા સ્તરે પહોંચી ગયો હતો. બપોરના સત્રમાં રૂપિયામાં સામાન્ય સુધારો જોવા મળ્યો અને 90.37ના નવા ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચ્યો હતો. બજાર બંધ થવા સુધી રૂપિયો 90.41ના નવા ઐતિહાસિક નીચલા સ્તરે બંધ થયો.
ખાસ વાત એ છે કે, આ અઠવાડિયે ડોલરની તુલનમાં ભારતીય રૂપિયો પહેલાથી જ 0.50 ટકા ઘટ્યો છે. આ વર્ષે રૂપિયામાં ડોલરની તુલનમાં લગભગ 6 ટકા ઘટાડો જોવા મળ્યો છે. જે 3 વર્ષમાં ડોલરની તુલનમાં રૂપિયાના મૂલ્યમાં સૌથી મોટો ઘટાડો જોવા મળે છે, જે આ વર્ષે ડોલર સામે એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર ચલણ બની ચૂક્યો છે.
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન
અમેરિકા સાથે વેપાર કરારમાં વિલંબ
જોકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં દ્વિપક્ષીય સહયોગ પર વાત કરી હતી, પરંતુ કોઈ પણ ટેરિફ રાહતના કોઈ નક્કર સંકેત મળ્યા નથી. નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકા દ્વારા ટેરિફ લગાવ્યા બાદ રૂપિયો દબાણ હેઠળ છે અને તેની અસર વર્ષના અંત સુધીમાં અનુભવાશે. બજારો અમેરિકા સાથે વેપાર કરારની અંતિમ તારીખની રાહ જોઈ રહ્યા છે. રૂપિયાની મજબૂતાઈ હવે એ વાત પર નિર્ભર કરશે કે, ભારત સરકાર અમેરિકા સાથે અંતિમ વેપાર કરાર ક્યારે જાહેર કરે છે.
વિદેશી રોકાણકારોનું નફાવસૂલી
વિદેશી રોકાણકારો દ્વારા સ્થાનિક શેરનું સતત વેચાણ ઘરેલુ ચલણ પર દબાણ વધારી રહ્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, વિદેશી રોકાણકારોએ આ વર્ષે ભારતીય શેરબજારમાંથી 18 અબજ ડોલર મૂલ્યના શેર કાઢી લીધા છે. ચાલુ મહિનામાં લગભગ 18,000 કરોડ રૂપિયાનું વેચાણ થયું છે. ડિસેમ્બર આ વર્ષનો આઠમો મહિનો છે જ્યારે વિદેશી રોકાણકારો વેચાણ કરી રહ્યા છે. માત્ર 4 મહિનામાં રોકાણકારોએ શેરબજારમાં રોકાણ કર્યું છે. જોકે, છેલ્લા 15 મહિનામાંથી 10 મહિનામાં વિદેશી રોકાણકારોએ શેર બજારમાંથી પોતાના પૈસા કાઢી લીધા છે. આ દરમિયાન, ડોલર સામે રૂપિયામાં લગભગ 8%નો ઘટાડો થયો છે.
ડોલર ખૂબ ખરીદી થઈ રહી છે
સ્થાનિક કંપનીઓ તેમના વર્ષના અંતની ચુકવણીઓ પૂરી કરવા માટે ડોલરની ભારે ખરીદી કરી રહી છે, જેનાથી ચલણ વધુ નબળું પડી રહ્યું છે. વેપારીઓનું કહેવું છે કે RBIએ હસ્તક્ષેપ કર્યો છે, પરંતુ કેન્દ્રીય બેન્કે ચલણ માટે કોઈ વિશિષ્ટ લક્ષ્ય સ્તર નક્કી કર્યું નથી. જોકે, 16 ડિસેમ્બરે, RBI ચલણ સ્વેપિંગ હેઠળ બેંકો પાસેથી ડોલર ખરીદી રહી છે અને બેંકિંગ સિસ્ટમમાં ઘણા હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી રહી છે. જેથી રૂપિયાને નજીવો સપોર્ટ મળી શકે છે, પરંતુ આ સપોર્ટ સીમિત રહી શકે છે.
રૂપિયા માટે ભવિષ્ય શું હોઈ શકે છે?
રૂપિયા પર ટિપ્પણી કરતા કોટક સિક્યોરિટીઝના કરન્સી અને કોમોડિટીઝના હેડ અનિંદ્યા બેનર્જીએ જણાવ્યું હતું કે બોન્ડ અને ઇક્વિટી બંનેમાંથી વિદેશી રોકાણ ભંડોળ (FPI)ના સતત પ્રવાહને કારણે USDINR દબાણ હેઠળ છે. ગ્લોબલ યીલ્ડમાં વૃદ્ધિ સાથે, USD અને JPYના કેરી ટ્રેડમાં ઘટાડો થવાથી ભારતીય બોન્ડ પર દબાણ વધી રહ્યું છે. જોકે, ભારત-અમેરિકન વેપાર કરારને લઈને કેટલાક સકારાત્મક પાસાં છે, જે રૂપિયાને થોડી રાહત આપી શકે છે. વિશ્લેષકે વધુમાં કહ્યું કે કુલ મળીને અમે સ્પોટ પર 89.50-91.00ની વ્યાપક ટ્રેડિંગ દાયરાની અપેક્ષા રાખીએ છીએ.

