- Governance
- ભાજપના ધારાસભ્યોએ CMને કહ્યું- અધિકારીઓ આગળ અમે લાચાર, તેઓ પોતાને સરકાર સમજે છે, નાના કામો પણ...
ભાજપના ધારાસભ્યોએ CMને કહ્યું- અધિકારીઓ આગળ અમે લાચાર, તેઓ પોતાને સરકાર સમજે છે, નાના કામો પણ...
ગુજરાતમાં વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. વડોદરા જિલ્લાના ભાજપના જ 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક તીખો પત્ર લખીને સરકારી અધિકારીઓની મનસ્વી કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ધારાસભ્યોએ પત્રમાં આક્રોશ વ્યક્ત કરતા લખ્યું છે કે, સરકારી કચેરીમાં સામાન્ય માણસનું કામ કરાવવું એ હવે જાણે યુદ્ધ લડવા સમાન બની ગયું છે.
કોણે લખ્યો પત્ર?
મુખ્યમંત્રીને પાઠવવામાં આવેલા આ પત્રમાં વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોની સહી છે:
- કેતન ઈનામદાર (સાવલી)
- શૈલેષ મહેતા - સોટ્ટા (ડભોઈ)
- ધર્મેન્દ્રસિંહ વાઘેલા (વાઘોડિયા)
- અક્ષય પટેલ (કરજણ)
- ચૈતન્યસિંહ ઝાલા (પાદરા)

પત્રના મુખ્ય અને આકરા મુદ્દાઓ:
- અધિકારીઓની દાદાગીરી: ધારાસભ્યોએ આરોપ લગાવ્યો છે કે કલેક્ટર, ડીડીઓ અને પોલીસ કમિશનર જેવા ઉચ્ચ અધિકારીઓ જમીની હકીકત જોયા વગર માત્ર એસી ચેમ્બરમાં બેસીને વીડિયો કોન્ફરન્સ દ્વારા સરકારને 'ગુલાબી ચિત્ર' બતાવે છે.
- લોકોને અપમાનિત કરવાનું વલણ: પત્રમાં એવો ચોંકાવનારો ઉલ્લેખ છે કે જ્યારે કોઈ નાગરિક ધારાસભ્યની ભલામણ લઈને જાય છે, ત્યારે અધિકારીઓ પ્રજાને એવું પૂછે છે કે - તમે ધારાસભ્યની મદદ કેમ માંગી? આ પ્રકારની માનસિકતાથી સરકારની છબી ખરડાઈ રહી હોવાનો દાવો કરાયો છે.
- અંધાધૂંધ વહીવટ: ધારાસભ્યોએ રજૂઆત કરી છે કે અધિકારીઓ પોતાને જ 'સરકાર' સમજી રહ્યા છે અને જનપ્રતિનિધિઓનું સાંભળતા નથી. પ્રજાના કામો તંત્રના કાન સુધી પહોંચતા જ નથી.
કડક પગલાની માંગ
ધારાસભ્યોએ મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે જે અધિકારીઓ મનસ્વી રીતે વર્તે છે તેમને સ્પષ્ટ સૂચના આપવામાં આવે. જનપ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલા લોકહિતના કામોને પ્રાથમિકતા મળે અને બેજવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

સરકાર માટે ચિંતાનો વિષય
રાજ્યમાં ભાજપની જ સરકાર હોવા છતાં, શાસક પક્ષના જ ધારાસભ્યોએ જ્યારે લેખિતમાં આટલી ગંભીર રજૂઆત કરવી પડી હોય, ત્યારે સચિવાલયથી લઈને સ્થાનિક વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. અગાઉ મૌખિક રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે ધારાસભ્યોએ પરાસ્ત્ર છોડ્યું હોવાનું મનાય છે.

