- Gujarat
- ભગવાનને તો છોડી દો! વડોદરામાં માતાજીના મંદિરમાંથી 6.20 લાખનો સામાન તફડાવી ગયા ચોર
ભગવાનને તો છોડી દો! વડોદરામાં માતાજીના મંદિરમાંથી 6.20 લાખનો સામાન તફડાવી ગયા ચોર
ચોરીની ઘટનાઓ તો અવારનવાર સામે આવતી જ રહે છે, પરંતુ હવે ચોર ભગવાનને પણ છોડતા નથી. આવું એટલે કહી રહ્યા છીયે કારણ કે મંદિરોમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. વડોદરામાં કેટલાક મંદિરોમાં ચોરીની ઘટના સામે આવી છે.
વડોદરાના છાણી વિસ્તારમાં તસ્કરે મહાકાળી માતાનો ચરણ પાદુકા અને તલવારની ચોરી કરી તો ભાથીજી મંદિરમાંથી દાનપેટી ઉઠાવી લીધી, તસ્કરોએ દાનપેટી ઉઠાવવાનો તો મહાકાળી મંદિરમાં પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળ થયા નહોતા. જ્યારે વાઘોડિયા GIDCના પ્લોટ નં. 444માં DKS ઓર્થો શર્મા ફાર્માસ્યુટિકલ પ્રાઈવેટ લિમિટેડની બાજુમાં આવેલા અંબાજી માતાના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે.
પહેલા વાત કરીએ વાઘોડિયા GIDCના પ્લોટ નં. 444માં DKS ઓર્થો શર્મા ફાર્માસ્યુટિકલ પ્રાઈવેટ લિમિટેડની બાજુમાં આવેલા અંબાજી માતાના મંદિરોમાં થયેલી ચોરીની. આ મંદિરમાં રાત્રિના સમયે કોઇ તસ્કરોએ હાથ સાફ કર્યા હતા. માતાજીના વિવિધ આભૂષણો સાથે કુલ 6.20 લાખની મતા ચોરી તસ્કરો પલાયન થઇ ગયા હતા.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, વાઘોડિયા GIDCમાં આવેલ પ્લોટ નં. 444માં ડી.કે.એસ. ઓર્થો શર્મા ફાર્માસ્યુટિકલ પ્રાઈવેટ લિમિટેડની બાજુમાં આવેલા અંબાજી માતાના મંદિરમાં 3 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. જો કે રવિવારે રજા હોઇ કંપનીની લાઇટ બંધ રહેતા મંદિરના કેમેરા ઓટોમેટિક બંધ થઇ ગયા હતા. જેનો લાભ લઇ તસ્કરોએ અંબામાતાના મંદિરમાં રાત્રે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
23 ફેબ્રુઆરીએ સવારે 6:30 વાગ્યે મંદિરમાં ચોરી થયાની જાણ થઇ હતી. તપાસ કરતા મંદિરના દરવાજા પર લગાવવામાં લગાવેલ 2 તાળાં તોડી મંદિરના ગર્ભ ગૃહમાંથી અંબામાની મોટી મૂર્તિ ઉપર લગાવવામાં આવેલું ચાંદીનું છતર તેમજ પગ પાસે રહેલું ચાંદીનું ત્રિશુળ તસ્કરો ચોરી ગયા હતા.
ઉપરાંત ચાંદીની ચરણ પાદુકા, આરતી કરવા માટે ચાંદીનું આરતી સ્ટેન્ડ, ચાંદીનો કળશ, માતાજીના સિહાસન સાથેની માતાજી ચાંદીની મૂર્તિ, માતાજીના ગળામાંથી સોનાનું કાળા મણકાવાળું મંગળસૂત્ર તથા નાની ચાંદીની મૂર્તિમાં માતાજીના ગળામાં રહેલ સોનાના કાળા મણકાવાળા મંગળસૂત્રની પણ ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા.
ચોરી અંગેની જાણ વાઘોડિયા પોલીસને કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા ડોગસ્ક્વોડની મદદથી અજાણ્યા ચોર ઇસમનું પગેરું શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. માતાજીના વિવિધ આભૂષણો મળી કુલ 6.20 લાખની ચોરી થઇ હોવાનું સામે હતું. આ અંગે 4 દિવસ બાદ વાઘોડિયા પોલીસ સ્ટેશને આનંદ કુમાર શર્માએ (રહે. વડોદરા) ફરિયાદ નોંધાવી હતી.
હવે વાત કરીએ છાણી વિસ્તારમાં આવેલા મંદિરમાં થયેલી ચોરીની. અહીથી ભાથીજીના મંદિરમાંથી આખેઆખી દાનપેટી ચોરી કરવાની ઘટના સામે આવી છે. જ્યારે મહાકાળી મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. દિવ્ય ભાસ્કરના અન્ય એક અહેવાલ મુજબ, વડોદરા શહેરના છાણી ગામમાં રહેતા ફરિયાદી રાકેશભાઈ શાંતીલાલ પરમાર (ઉંમર 29), જે વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગમાં હેલ્પર તરીકે નોકરી કરે છે, તેમણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેમના પિતા શાંતિલાલ શંકરભાઈ પરમાર છેલ્લા 30 વર્ષથી ભાથીજી મંદિરમાં આરતી કરવા દરરોજ જાય છે. 24 ફેબ્રુઆરીએ વહેલી સવારે આશરે 4 વાગ્યે પિતાજી મંદિરમાંથી પરત આવીને તેમને જગાડ્યા અને જણાવ્યું કે મંદિરમાં ચોરી થઈ છે.
મંદિર પહોંચીને તપાસ કરતા ખબર પડી કે, મંદિરનો દરવાજો તોડીને દાનપેટી ગાયબ કરી દેવામાં આવી છે. મંદિરની બાજુમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં લાગેલા CCTV કેમેરાની તપાસમાં 3 અજાણ્યા ઇસમો મોઢે રૂમાલ બાંધીને મંદિરમાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. આ તસ્કરો ભાથીજીના મંદિરનું તાળું તોડીને અંદર ઘૂસ્યા હતા અને દાનપેટી જ ચોરી લીધી હતી, જેમાં લગભગ 10 હજાર રૂપિયાની રોકડ રકમ હતી.
એ જ રીતે મહાકાળી મંદિરમાં પણ દરવાજાનું તાળું તોડીને ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યાંથી 20 વર્ષ જૂની લોખંડની તલવાર અને માતાજીની પિત્તળની ચરણ પાદુકાની ચોરી કરી લઈ ગયા હતા. દાનપેટી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે તૂટી ન હોવાથી દાનપેટી ત્યાં જ છોડી દીધી અને તેમાં રહેલી રોકડ પણ ન લઈ જઇ શક્યા.
ત્રણેય અજાણ્યા તસ્કરો વિરુદ્ધ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. છાણી પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે અને CCTV ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

