- World
- ઓસ્ટ્રેલિયામાં મહાત્મા ગાંધીની પ્રતિમાને મૂળમાંથી કાપીને ચોરો લઇ ગયા
ઓસ્ટ્રેલિયામાં મહાત્મા ગાંધીની પ્રતિમાને મૂળમાંથી કાપીને ચોરો લઇ ગયા
ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં મહાત્મા ગાંધીની કાંસાની પ્રતિમાની ચોરી થઈ છે. ચોરો પગમાંથી કાપીને આ પ્રતિમાને લઈ ગયા. પ્રતિમાનું વજન 426 કિલોગ્રામ હતું અને તે કાંસાની બનેલી હતી. ભારતે આ ઘટનાની સખત નિંદા કરી છે. મેલબોર્ન પોલીસે કહ્યું છે કે, તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે.
ભારતીય સમુદાયે આ ઘટના પર ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. આ પ્રતિમા ઓસ્ટ્રેલિયન 'ભારતીય સમુદાય કેન્દ્ર'ની બહાર સ્થાપિત કરવામાં આવી હતી. મહાત્મા ગાંધીની આ પ્રતિમા નવી દિલ્હીમાં ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) દ્વારા ભેટમાં આપવામાં આવી હતી. તે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય માટે સાંસ્કૃતિક, ઐતિહાસિક અને પ્રતીકાત્મક મહત્વ પણ ધરાવે છે. આ પ્રતિમાનું ઉદ્ઘાટન 12 નવેમ્બર, 2021ના રોજ તત્કાલીન ઓસ્ટ્રેલિયાના PM સ્કોટ મોરિસન દ્વારા કરવામાં આવ્યું હતું.
સ્થાનિક અખબારમાં છપાયેલા એક અહેવાલ મુજબ, ચોરી સોમવારે બપોરે આશરે 12:50 વાગ્યે થઈ હોવાનું કહેવાય છે. મેલબોર્ન પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણ ગુનેગારોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને તેના મૂળમાંથી કાપવા માટે એંગલ ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો હતો. સોશિયલ મીડિયા પર ફરતા ફોટા દર્શાવે છે કે પ્રતિમા પગની ઘૂંટીઓથી કપાયેલી હતી, અને સ્થળ પર ફક્ત પગ જ બાકી રાખ્યા હતા.
આ ઘટના અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, 'મેલબોર્નના રોવિલે સ્થિત ઓસ્ટ્રેલિયન ઇન્ડિયન કોમ્યુનિટી સેન્ટરમાં અજાણ્યા વ્યક્તિઓ દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડવા અને દૂર કરવા અંગે અમે સખત નિંદા કરીએ છીએ. અમે આ મુદ્દો ઓસ્ટ્રેલિયન અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યો છે અને ગુમ થયેલી પ્રતિમાને પુનઃસ્થાપિત કરવા અને ગુનેગારોને જવાબદાર ઠેરવવા તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે.'
આ પહેલીવાર નથી જ્યારે પ્રતિમાને નુકસાન થયું હોય. જોકે, નવેમ્બર 2021માં, તેના ઉદ્ઘાટનના એક દિવસ પછી, તેને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું અને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ભારત અને ઓસ્ટ્રેલિયા બંનેએ તે સમયે આ કૃત્યની નિંદા કરી હતી, પરંતુ કોઈની ધરપકડ કરવામાં આવી ન હતી.
અગાઉના અહેવાલો અનુસાર, હુમલો એવા સમયે થયો હતો જ્યારે ખાલિસ્તાન સાથે જોડાયેલી ઉગ્રવાદી પ્રવૃત્તિઓ વધી રહી હતી, અને ઘણા પશ્ચિમી દેશોમાં ભારતીય રાજદ્વારી મિશન અને સમુદાય સ્થળોને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા.
આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, વિક્ટોરિયા પોલીસ નોક્સ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન યુનિટે તપાસ શરૂ કરી છે. પોલીસના નિવેદન મુજબ, 12 જાન્યુઆરીના રોજ લગભગ 12:50 વાગ્યે રોવિલેના કિંગ્સલી ક્લોઝ ખાતે ચેરિટીના પરિસરમાંથી ત્રણ અજાણ્યા વ્યક્તિઓએ પ્રતિમાની ચોરી કરી હતી.
પોલીસે આ વિસ્તારના ભંગાર ધાતુના વેપારીઓને ચેતવણી પણ આપી છે. જો કોઈ તૂટેલી કાંસ્ય પ્રતિમા અથવા તેના ભાગો વેચવાનો પ્રયાસ કરે તો તેમને તાત્કાલિક ચેતવણી આપવા અને પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.

