- Opinion
- ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા છે. તેઓ ખેડૂત આંદોલન અને પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા રહ્યા. 2017માં તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ગુજરાત વિધાનસભા બહાર જૂતું ફેંકીને વિવાદમાં આવ્યા. આ ઘટનાએ ગુજરાતના રાજકારણને ગરમાવ્યું હતું અને ઇટાલિયાને એક પ્રકારની 'આક્રમક યુવા નેતા' તરીકેની ઓળખ અપાવી હતી. આજે આપના ગુજરાતના મુખ્ય ચહેરા તરીકે સોશિયલ મીડિયા અને જાહેર સભાઓમાં ભાજપ અને કોંગ્રેસ પર તીખા પ્રહારો કરે છે જે ઇટાલિયાને લોકપ્રિયતા તો અપાવે છે પરંતુ વિરોધ પણ વધારે છે.

છેલ્લા મહિનાઓમાં ગોપાલ ઈટાલિયા પર વારંવાર જૂતા ફેંકાવાની ઘટનાઓ બની છે જે વ્યક્તિગત રાજકીય કારકિર્દીમાં નવો વળાંક લાવી રહી છે. ડિસેમ્બર 2025માં જામનગરમાં 'ગુજરાત જોડો' કાર્યક્રમ દરમિયાન છત્રપાલસિંહ જાડેજા એ ગોપાલ પર જૂતું ફેંક્યું હતું. આરોપીએ આને પ્રદીપસિંહ જાડેજા પર 2017ના જૂતા ફેંકાવાના બદલા તરીકે જણાવ્યું હતું. ઘટના પછી આપના કાર્યકર્તાઓએ આરોપીને માર માર્યો અને અરવિંદ કેજરીવાલે તેને ભાજપ કોંગ્રેસની સાંઠગાંઠ કહીને વખોડ્યું હતું. ગોપાલ ઈટાલિયાએ આરોપીને માફ કરી દીધો હતો.
આના થોડા દિવસો પછી જાન્યુઆરી 2026માં જુનાગઢ જિલ્લાના ગડુ (માળિયા હાટીના) ગામમાં ખેડૂત સન્માન સમારોહ દરમિયાન ફરી જૂતું ફેંકાયું હતું. ભાજપે આને આપની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટેનું સ્ટંટ કહ્યું, જ્યારે આપ દ્વારા તેને વિરોધ પક્ષનું ષડ્યંત્ર ગણાવ્યું હતું.
આ વારંવારના હુમલાઓના મુખ્ય કારણોમાં ગોપાલ ઈટાલિયાની આક્રમક વાણી અને ભૂતકાળના કૃત્યો છે. ગોપાલના ભાષણોમાં વિરોધીઓને 'ગુજરાતના દુશ્મન' જેવા શબ્દો વાપરવાથી યુવાનોમાં આક્રમકતા વધી છે અને હવે તે જ વળતરમાં મળી રહ્યું છે. ગુજરાતી કહેવત 'હાથે કરેલા હૈયે વાગે' અહીં યોગ્ય લાગે છે. કેટલાક રાજકીય વિશ્લેષકો માને છે કે આ રાજકીય પ્રતિસ્પર્ધા છે જેમાં ભાજપ અને કોંગ્રેસ આપની વધતી લોકપ્રિયતા અને 2027ની ચૂંટણીમાં તેના પડકારને રોકવા માટે આવા કૃત્યો કરાવે છે. જોકે કેટલાક તેને આપનુજ જ સ્ટંટ કહે છે.
આ ઘટનાઓ ગુજરાતના રાજકારણમાં અણછાજતી સ્થિતિ પેદા કરી રહી છે. યુવા નેતૃત્વને આંદોલન, અવાજ ઉઠાવવો અને વિરોધ કરવાનો અધિકાર છે અને તે લોકશાહીનું મજબૂત પાસું છે પરંતુ તેમાં શાલીનતા, સંસ્કાર અને યોગ્ય પદ્ધતિ જરૂરી છે. ગોપાલ ઈટાલિયા જેવા નેતાઓએ તેમની વાણી અને કાર્યોમાં ગુજરાતની અસ્મિતા, સંસ્કૃતિ અને લોકશાહી મૂલ્યોને ધ્યાનમાં રાખવું જોઈએ. આવા વિવાદોથી રાજકારણ ગરમાય છે પરંતુ જનતાના મુદ્દાઓ જેમ કે ખેડૂતોની સમસ્યાઓ પર ધ્યાન વિભાજિત થાય છે. જો આવું ચાલુ રહેશે તો રાજકીય નેતાઓની સુરક્ષા, વિશ્વસનીયતા અને તંદુરસ્ત લોકશાહીની મજબૂતી પર પ્રશ્નો ઉભા થશે.

