- Opinion
- ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે...
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ સમિટમાં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (FTA) પર સહી થઈ છે. PM મોદીએ આ કરારને "મધર ઓફ ઓલ ડીલ્સ" ગણાવ્યો છે જે વૈશ્વિક જીડીપીના 25 ટકા અને લગભગ 2 અબજ લોકોના બજારને જોડે છે. આ કરાર લગભગ 20 વર્ષની લાંબી વાટાઘાટો પછી પૂર્ણ થયો છે અને તે ભારતના આર્થિક વિકાસમાં માઈલસ્ટોન સાબિત થશે.
આ કરારમાં પ્રધાનમંત્રી મોદીની ભૂમિકા કેન્દ્રસ્થાને રહી છે. તેમણે આને "ભારતનો સૌથી મોટો FTA" ગણાવીને ખેડૂતો, નાના ઉદ્યોગો અને યુવાનો માટે અનેક તકો ઊભી કરવાની વાત કરી છે. તેમના નેતૃત્વ હેઠળ ભારતે વૈશ્વિક સ્તરે મજબૂત સ્થાન મેળવ્યું છે જેના પરિણામે યુરોપિયન કમિશન પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન સાથેની આ ડીલ સફળ થઈ. PM મોદીએ કહ્યું કે આ કરાર વૈશ્વિક અસ્થિરતાના સમયમાં ભારત યુરોપ વચ્ચે સહયોગ રૂપે એક નવો અધ્યાય ખોલશે અને બંને પક્ષોના લોકો માટે સમૃદ્ધિ લાવશે.

ગુજરાત માટે આ કરાર ખાસ મહત્વનો છે. રાજ્ય ભારતના 30 ટકા નિકાસનું કેન્દ્ર છે અને મુંદ્રા, કાંડલા, હજીરા જેવા બંદરો દ્વારા મોટા પ્રમાણમાં વેપાર થાય છે. ગુજરાતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ (રાષ્ટ્રીય ઉત્પાદનના 30 / 35 ટકા), હીરા જ્વેલરી (સુરતમાં વૈશ્વિક પોલિશિંગના 80 / 85 ટકા), ટેક્સટાઈલ, લેધર અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોને યુરોપના €16 ટ્રિલિયનના બજારમાં ઓછા ટેરિફ અને સરળ નિયમો સાથે પ્રવેશ મળશે. MSME અને એન્જિનિયરિંગ ઉત્પાદનો માટે વૈશ્વિક વેપાર માર્ગ બનશે જેનાથી ખર્ચ ઘટશે અને નવી તકો મળશે.
આ કરારથી ગુજરાતમાં રોજગારીની નવી તકો ઊભી થશે ખાસ કરીને સુરત, રાજકોટ, અમદાવાદ અને જામનગર જેવા જિલ્લાઓમાં. PM મોદીના 'મેક ઈન ઈન્ડિયા', 'આત્મનિર્ભર ભારત' અને ગુજરાત મોડેલના સફળ પ્રયોગ સાથે આ ડીલ રાજ્યને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં મજબૂત સ્થાન અપાવશે. ભારત-ઈયુ વેપાર 2024 25માં ₹11.5 લાખ કરોડ ($136 બિલિયન) સુધી પહોંચ્યો છે જે હવે વધારે ઝડપથી વધશે.

પ્રધાનમંત્રી મોદીના અથાગ પ્રયાસોથી આ કરાર ભારતને વૈશ્વિક આર્થિક શક્તિ તરીકે સ્થાપિત કરશે અને ગુજરાતને તેનું સૌથી મોટું હિસ્સેદાર બનાવશે. આ એક નવા યુગની શરૂઆત છે જ્યાં ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે નોંધનીય ભૂમિકા ભજવશે અને આર્થિક પ્રગતિ કરશે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

