- National
- BJP ધારાસભ્યના પુત્રએ ટોલ કર્મચારીને લાફો માર્યો, પીડિતના ભાઈએ આપી આ ચીમકી
BJP ધારાસભ્યના પુત્રએ ટોલ કર્મચારીને લાફો માર્યો, પીડિતના ભાઈએ આપી આ ચીમકી
આગ્રાના ફતેહપુર સિક્રી વિસ્તારના ભાજપ ધારાસભ્ય ચૌ. બાબૂલાલના પુત્ર સુરેશ ચૌધરી સાથે જોડાયેલો રાયભા ટોલ વિવાદ હજુ પણ બંધ થતો નજરે પડી રહ્યો નથી. આ અગાઉ મારામારીનો એક વીડિયો વાયરલ થયો હતો અને હવે એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં પોલીસ ટોલ કર્મચારીના ઘરે પહોંચેલી જોવા મળી રહી છે.
નવા વીડિયોમાં, પહેલા માળે ઉભો એક યુવક પોતાને ટોલ કર્મચારી સંજય સિંહનો ભાઈ વીરુ ગણાવી રહ્યો છે. તે આરોપ લગાવી રહ્યો છે કે તેનો ભાઈ ગુમ છે. યુવક કહે છે કે જો તેના ભાઈ સાથે કંઈ પણ અયોગ્ય ઘટના બને તો તેના માટે પોલીસ જવાબદાર રહેશે. તે એમ પણ કહે છે કે જો તેનો ભાઈ મળવા પર તે પોલીસ કમિશનરની ઓફિસની સામે આત્મદાહ પણ કરી શકે છે.
આ ઘટના મંગળવારે બપોરે બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રાયભા ટોલ પ્લાઝા પર ધારાસભ્ય લખેલી ગાડી પહોંચી હતી, જેમાં ધારાસભ્ય ચૌ. બાબૂલાલનો પુત્ર સુરેશ ચૌધરી અને તેની પત્ની સવાર હતા. ગાડીમાં ફાસ્ટેગ નહોતો. VIP પાસ હોવા છતા બેરિયર લગભગ 2 મિનિટ સુધી ન ખુલ્યું. એવો આરોપ છે કે સુરેશ ચૌધરી પોતાની ગાડીમાંથી ઉતર્યો અને આ મુદ્દે આગ્રાના દૌરેઠાના રહેવાસી ટોલ કર્મચારી સંજય સિંહ સાથે મારામારી કરી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. સંજય સિંહે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બીજા એક વીડિયોમાં યુવક પોલીસને કહે છે કે તેણે કોઈ નિવેદન આપવું નથી અને જો તપાસ કરવી હોય તો ટોલના CCTV કેમેરાની તપાસ કરવામાં આવે. તે દાવો કરે છે કે તેણે આ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના OSD સાથે વાત કરી છે અને પોતાને સંઘ પરિવાર સાથે સંકળાયેલો હોવાનું જણાવે છે. વીડિયોમાં, યુવક પોલીસ પર દબાણ હેઠળ કામ કરવાનો આરોપ લગાવે છે. તેનું કહેવું છે કે પોલીસ તેના ભાઈ પર સમાધાન કરવાનું દબાણ કરી રહી છે. તે લખનૌ જઈને ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવાની પણ વાત કરે છે.
પરિવારનો આરોપ છે કે ધારાસભ્યનો બીજો પુત્ર રામેશ્વર ચૌધરી પણ ટોલ પર પહોંચ્યો અને કર્મચારીઓ સાથે ગાળાગાળી કરી. તેમનું કહેવું છે કે વીડિયો વાયરલ થવાને લઇને નારાજગી વ્યક્ત કરવામાં આવી. આજતકના અહેવાલ મુજબ, આ આખા મામલે ધારાસભ્ય ચૌ. બાબૂલાલ કે તેમના પુત્રોનો પક્ષ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.

