- Gujarat
- ગુજરાતમાં ભાજપ નવા ચહેરાઓને ટિકિટ આપે તો મતદારો કોને વધુ મહત્ત્વ આપશે?
ગુજરાતમાં ભાજપ નવા ચહેરાઓને ટિકિટ આપે તો મતદારો કોને વધુ મહત્ત્વ આપશે?
ભાજપ કોઈ વિધાનસભામાં ધારાસભ્યનો ચહેરો બદલે ત્યારે ગાંધીનગરમાં સમાચાર બને છે કે પક્ષે નવો ચહેરો પસંદ કર્યો. જે વિસ્તારમાંથી એ ઉમેદવાર ઊભો રહેવાનો છે ત્યાં કદાચ લોકો એને વીસ વર્ષથી ઓળખતા હોય શકે અને મહોલ્લામાં પાણી ભરાય ત્યારે રજૂઆત કરવા ગયેલો કાર્યકર પહેલી વાર વિધાનસભાની ચૂંટણી લડે તો મતદારો માટે તે કેટલો નવો કહેવાય? ગુજરાતમાં પક્ષની લોકપ્રિયતા અને ઉમેદવારની સ્થાનિક પકડ સમજવાની શરૂઆત અહીંથી થાય છે. ભાજપનું કમળ ઉમેદવારને તૈયાર મતદારવર્ગ આપે છે. એ વર્ગની બહારથી કેટલા મત મળે અને પક્ષના જૂના સમર્થકોમાંથી કેટલા સાથે રહે તેનો આધાર બેઠક અને ઉમેદવાર બંને પર છે.

કડીમાં પક્ષનું પલ્લું ભારે રહ્યું હતું અને વાઘોડિયામાં મતદારની પસંદગી જુદી હતી
કડીની 2025ની પેટાચૂંટણીમાં ભાજપે રાજેન્દ્ર ચાવડાને મેદાનમાં ઉતાર્યા જ્યાં તેઓ 39,452 મતની સરસાઈથી જીત્યા. અગાઉ 2022માં આ બેઠક પર ભાજપની સરસાઈ 28,194 મતની હતી. એટલે ઉમેદવાર બદલાયા છતાં પક્ષે બેઠક જાળવી અને જીતનું અંતર પણ વધ્યું. એ જ દિવસે વિસાવદરની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા 17,554 મતથી જીત્યા ત્યાં 2022માં પણ આમ આદમી પાર્ટી જીતી હતી. એક જ દિવસે બે બેઠકો પર મતદારોએ નવા ઉમેદવારને સ્વીકાર્યો અને પોતપોતાની બેઠક પર અગાઉ જીતેલા પક્ષને ફરી તક આપી. ગુજરાતભરમાં ભાજપની લોકપ્રિયતા વચ્ચે વિસાવદરની રાજકીય પસંદગી કઈક અલગ રહી હતી.
વાઘોડિયાનું ઉદાહરણ જુદું છે. 2022માં ભાજપે અશ્વિન પટેલને ટિકિટ આપી અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ઊભા રહી ભાજપના ઉમેદવારને ચૌદ હજારથી વધુ મતથી હરાવ્યા. આ એ જ ચૂંટણી હતી જેમાં ભાજપે ગુજરાતની 182માંથી 156 બેઠકો જીતી હતી. જીત્યા પછી વાઘેલાએ ભાજપને ટેકો જાહેર કર્યો. વાઘોડિયાનો ચુકાદો એટલે રસપ્રદ છે કે ત્યાં કોઈ મતદાર ગુજરાતમાં ભાજપની સરકાર ઇચ્છતો હોય અને પોતાના ધારાસભ્ય તરીકે વાઘેલાને પસંદ કરતો હોય એ બંને વાત શક્ય હતી. પક્ષનો સમર્થક સ્થાનિક ઉમેદવાર પસંદગી માટેનો પક્ષનો દરેક નિર્ણય પણ સ્વીકારે એવું માની લેવાની સમજમર્યાદા અહીં સ્પષ્ટ જણાય આવે છે.
પાટીદાર બહુમતીવાળી બેઠક પર પ્રતિનિધિત્વનો પ્રશ્ન
જે બેઠક પર પાટીદાર મતદારો ખરેખર બહુમતીમાં હોય ત્યાં પાટીદાર ઉમેદવારની માગને ભાજપે ગંભીરતાથી લેવી પડશે. ખાસ કરીને સ્થાનિક જાહેર જીવનમાં પાટીદાર આગેવાનો વર્ષોથી સક્રિય હોય અને તેમની વચ્ચે ધારાસભ્ય બનવાની યોગ્યતા ધરાવતા દાવેદારો હોય ત્યારે આ અપેક્ષાનું વજન વધે છે. એવા સંજોગોમાં બીજું નામ જાહેર થાય ત્યારે વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા કાર્યકરને પણ સવાલ થાય કે પોતાના વિસ્તારમાં કામ કરનારને તક ક્યારે મળશે. સામેનો પક્ષ સ્થાનિક સ્વીકાર ધરાવતા પાટીદાર નેતાને ઊભો રાખે તો આ સવાલ ચૂંટણીનું પરિણામ બદલી શકે એટલો મોટો બને. આવી બેઠક પર પાટીદાર ચહેરાની પસંદગી ભાજપ માટે વ્યવહારમાં અનિવાર્ય બની શકે છે.
અહીં બે બાબત ધ્યાનમાં રાખવી પડે. પાટીદારોનું નોંધપાત્ર પ્રભુત્વ ધરાવતી દરેક બેઠક પર તેમની સંખ્યાકીય બહુમતી હોય એવું કહી શકાય નહીં. વળી એક જ બેઠક પર બે પક્ષ પાટીદાર ઉમેદવારોને ઊભા રાખે ત્યારે સમાજના મત કઈ તરફ જશે તેનો જવાબ અટકમાંથી મળતો નથી. ખેડૂત માટે સિંચાઈનો પ્રશ્ન લઈને કોણ દોડ્યું હતું તેનું મહત્ત્વ હોઈ શકે. શહેરના વેપારીને મુશ્કેલી વખતે કોણ મળ્યું હતું તે યાદ હોય. સમાજના પીઢ આગેવાનની ભલામણને માન આપતો યુવાન પણ ઉમેદવાર પાસે પોતાના પ્રશ્નનો સીધો જવાબ માગી શકે. એટલે પાટીદાર ચહેરો પસંદ કરવાનો નિર્ણય જેટલો અગત્યનો છે એટલો જ અગત્યનો પ્રશ્ન એ છે કે સમાજમાં કોની વાત સાંભળવામાં આવે છે અને શા માટે.
સુરતની વરાછા રોડ અને કતારગામ બેઠકો આ ભેદ સમજાવે છે. 2022માં વરાછા રોડ પર ભાજપના કિશોર કાનાણી આમ આદમી પાર્ટીના અલ્પેશ કથીરિયા સામે 16,834 મતથી જીત્યા. કતારગામમાં ભાજપના વિનોદ મોરડિયાએ ગોપાલ ઇટાલિયાને 64,627 મતથી હરાવ્યા. બંને બેઠકોમાં પાટીદાર સમાજની નોંધપાત્ર હાજરી છે. બંનેમાં મુખ્ય હરીફો પણ પાટીદાર હતા. તેમ છતાં એક જ શહેરમાં જીતના અંતરમાં આટલો મોટો તફાવત રહ્યો. પરિણામ પરથી પાટીદાર મત કોને કેટલા મળ્યા તે જાણી શકાતું નથી. એટલું ચોક્કસ કહી શકાય કે બંને પક્ષે પાટીદાર ચહેરા આપ્યા પછી પણ ચૂંટણીનું પલ્લું બંને બેઠકો પર સરખા વજનથી નમ્યું નહોતું.
નવા ઉમેદવારની ખરી કસોટી ટિકિટ મળ્યા પછી ઘણી વાર પક્ષની અંદર જ થાય છે. નિવૃત્ત થતા ધારાસભ્યે વર્ષો સુધી ગામેગામ કાર્યકરો સાથે સંબંધ બાંધ્યો હોય છે. એ કાર્યકરો નવા ઉમેદવારને પોતાના લોકો વચ્ચે લઈ જાય તો ઓળખાણ કરાવવામાં પસાર થનારો સમય સીધો પ્રચારમાં વાપરી શકાય. બીજી તરફ જૂના ધારાસભ્યથી લોકો નારાજ હોય ત્યારે વર્ષોથી વિસ્તારમાં કામ કરતા બીજા કાર્યકરને તક આપવાથી પક્ષને લાભ પણ થઈ શકે. બંને સંજોગોમાં ઉમેદવાર બદલાયો ગણાય. મતદાર માટે એક જગ્યાએ એ જાણીતા માણસની વિદાય છે તો બીજી જગ્યાએ લાંબા સમયથી કામ કરતા માણસને મળેલી પહેલી તક છે.
2027માં ભાજપને જ્યાં સતત મોટું સમર્થન મળ્યું છે ત્યાં નવા ઉમેદવાર માટે પક્ષનું નામ મોટી મૂડી રહેશે. ઓછી સરસાઈવાળી બેઠક પર ઉમેદવારની પોતાની શાખ અને હરીફની લોકપ્રિયતાનું વજન વધશે. પાટીદાર બહુમતીવાળી બેઠક પર તો પસંદગી કરતી વખતે પ્રતિનિધિત્વની અપેક્ષા અને સ્થાનિક સ્વીકાર બંનેવ જોવાશે. ત્યાં સવાલ માત્ર એટલો નહીં હોય કે ભાજપે પાટીદારને ટિકિટ આપી કે કેમ. મતદાર એ પણ જોશે કે પક્ષે પસંદ કરેલો માણસ છેલ્લા પાંચ વર્ષમાં તેના ગામ કે મહોલ્લામાં કયા કામે ઊભો રહ્યો હતો. જ્યાં આ સવાલનો જવાબ લોકો પાસે પહેલેથી હશે ત્યાં નવા ચહેરાને પોતાનો પરિચય આપવા બહુ મહેનત કરવી નહીં પડે.

